'શિક્ષકની ફરજ વર્ગખંડમાં, સિગ્નલ પર નહીં' : સુરતમાં સિગ્નલ સ્કૂલ માટે શિક્ષકોની તાલીમ સામે વિરોધનો સૂર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News : ભિક્ષા નહીં, શિક્ષા’ના અભિગમ સાથે સુરત પાલિકા દ્વારા સિગ્નલ સ્કૂલ શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે, પરંતુ બહારનાં બાળકોને શિક્ષણ આપવાની કામગીરી માટે હવે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને પણ કાર્યક્રમમાં હાજર રહેવા ફરજિયાત સૂચના આપવામાં આવી છે. સિગ્નલ સ્કૂલ કાર્યક્રમમાં સિગ્નલ સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાવાના હોવાથી મેનેજમેન્ટ માટે યાદી મુજબની શિક્ષણ સમિતિની શાળાના શિક્ષકોને હાજર રહેવા સુચના આપી છે. પહેલેથી જ વિવિધ બિનશૈક્ષણિક કામગીરી અને કાર્યક્રમોના ભાર વચ્ચે શિક્ષકોનો વર્ગખંડમાં વિદ્યાર્થીઓને પૂરતો સમય ન મળતો હોવાની સ્થિતિમાં સિગ્નલ સ્કૂલ માટે પણ શિક્ષકોને જોડવામાં આવતાં શિક્ષક આલમમાં ‘શિક્ષકની મૂળ ફરજ વર્ગખંડમાં ભણાવવાની કે કાર્યક્રમોના મેનેજમેન્ટની?’ તેવો સવાલ ઉઠ્યો છે.
સુરત શહેરના વિવિધ ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગતા બાળકોને શિક્ષણના પ્રવાહમાં લાવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે તકો ઊભી કરવાના હેતુથી સુરત પાલિકા અને સુરત ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસિસના સહયોગથી સિગ્નલ સ્કૂલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ‘ભિક્ષા નહીં, શિક્ષા’ના અભિગમ હેઠળ શરૂ થનારી આ પહેલનો મુખ્ય હેતુ સિગ્નલ પર ભીખ માંગતા બાળકોને અક્ષરજ્ઞાન સહિત શિક્ષણ સાથે જોડવાનો અને તેમને ભીખ માંગવાના બદલે શિક્ષણ મેળવવા પ્રોત્સાહિત કરવાનો છે.

આ કાર્યક્રમ અંતર્ગત તા. 29 ઓગસ્ટ, શનિવારના રોજ બપોરે 1.30 કલાકે પાલ-અડાજણ ખાતે આવેલા સંજીવકુમાર ઓડિટોરીયમમાં સિગ્નલ સ્કૂલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં સિગ્નલ સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાવાના છે. આ કાર્યક્રમના મેનેજમેન્ટ માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિવિધ શાળાના શિક્ષકોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ શિક્ષકોને નિયત સમયે ઓડિટોરીયમ ખાતે હાજર રહેવા ઉપરાંત પોતાના ઝોનના નોડલ પાસે રજીસ્ટ્રેશન કરાવવા અને ફાળવવામાં આવેલી બેઠક મુજબ બેસવા માટે સૂચના આપવામાં આવી છે. પરિપત્રમાં સ્પષ્ટપણે શિક્ષકોને કાર્યક્રમમાં હાજરી આપવા અને મેનેજમેન્ટની કામગીરીમાં જોડાવા જણાવાયું છે. જેના કારણે શિક્ષકોમાં હવે ફરી એક વખત બિનશૈક્ષણિક કામગીરીના ભાર અંગે ચર્ચા શરૂ થઈ છે.
શિક્ષકોનું કહેવું છે કે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું તેમની મુખ્ય જવાબદારી છે. વર્ગખંડમાં શિક્ષણ કાર્ય ઉપરાંત વિવિધ સરકારી કાર્યક્રમો, તાલીમ, સર્વે અને અન્ય કામગીરીમાં શિક્ષકોને જોડવામાં આવતા હોવાથી શિક્ષણ કાર્ય માટેનો સમય અગાઉથી જ મર્યાદિત છે. શિક્ષક આલમમાં એવો સવાલ પણ ઉઠી રહ્યો છે કે સિગ્નલ પર ભીખ માંગતા અને શાળાની બહાર રહેતા બાળકોને શિક્ષણના પ્રવાહમાં લાવવાનું કાર્ય મહત્વનું અને આવકાર્ય છે, પરંતુ આ માટે અલગથી નિર્ધારિત વ્યવસ્થા અને સ્ટાફનો ઉપયોગ કરવો જોઈએ. સમગ્ર શિક્ષા હેઠળ CRC અને URCની કામગીરીમાં શાળાની બહારનાં બાળકોને શિક્ષણ સાથે જોડવા સહિતની જવાબદારીઓનો સમાવેશ થતો હોવા છતાં શિક્ષણ સમિતિના નિયમિત શિક્ષકોને કાર્યક્રમના મેનેજમેન્ટમાં જોડવાથી તેમના વર્ગખંડના શિક્ષણ કાર્યને અસર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
એક તરફ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શાળાઓમાં શિક્ષકોની હાજરી અને વિદ્યાર્થીઓને પૂરતો શૈક્ષણિક સમય મળે તે જરૂરી છે, ત્યારે બીજી તરફ સતત વધતી બિનશૈક્ષણિક કામગીરીમાં શિક્ષકોને જોડવામાં આવે તો તેની સીધી અસર વર્ગખંડ પર પડી શકે છે. સિગ્નલ સ્કૂલની પહેલનો હેતુ બાળકોને ભીખમાંથી શિક્ષણ તરફ લાવવાનો છે, પરંતુ આ કામગીરીના અમલમાં શાળામાં ભણતા બાળકોના શિક્ષણનો સમય ન ઘટે તે અંગે પણ તંત્રએ વિચારવાની જરૂરિયાત હોવાનું શિક્ષકોમાં ચર્ચાઈ રહ્યું છે.




