Surat

VIDEO| જમીનમાં દાટેલા બેરલમાંથી નીકળી લાશ!: સુરતમાં 4 વર્ષ જૂના ટ્રિપલ મર્ડરનો ભેદ ઉકેલાયો, મિલકત માટે હત્યા કરનારા દંપતીની ધરપકડ

By GS Team
30 Sep 20262 mins read
TukuTouch Logo
સુરતમાં 2022ના ટ્રિપલ મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પતિ માધવદાસ અને પત્ની ઉર્મિલાએ લકવાગ્રસ્ત માતાની સેવામાંથી મુક્તિ મેળવવા તથા વૃદ્ધ દાદીના મકાનો અને કિંમતી સામાન હડપવા 3 મહિલાઓની હત્યા કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ખોટી બાતમી આપનાર પતિની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા દંપતીનો ગુનો સામે આવ્યો. ક્રાઈમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| જમીનમાં દાટેલા બેરલમાંથી નીકળી લાશ!: સુરતમાં 4 વર્ષ જૂના ટ્રિપલ મર્ડરનો ભેદ ઉકેલાયો, મિલકત માટે હત્યા કરનારા દંપતીની ધરપકડ

Surat Triple Murder Case: અમદાવાદ પોતાની સાથે ઘરેણાં અને રોકડ લઈને અલગ રહેવા ગયેલી પત્ની અને તેના ભાઈને ફસાવવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ખોટી બાતમી આપનાર પતિ જ ટ્રિપલ મર્ડરનો મુખ્ય સૂત્રધાર નીકળ્યા બાદ પોલીસ તપાસમાં હત્યાના ચોંકાવનારા કારણો સામે આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની સઘન પૂછપરછમાં આરોપી દંપતી માધવદાસ ભક્તિરામ સાધુ અને ઉર્મિલા ઉર્ફે જયાએ કબૂલાત કરી છે કે, લકવાગ્રસ્ત માતાની સાર-સંભાળની જવાબદારીમાંથી મુક્તિ મેળવવા તેમજ વૃદ્ધ દાદીના મકાનો પર કબજો જમાવવા અને રોકડ-કિંમતી સામાન પડાવી લેવા માટે વર્ષ 2022માં એક પછી એક ત્રણ મહિલાઓની હત્યા કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે ટ્રિપલ મર્ડર કેસમાં આરોપી દંપતી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.

Gujarat Samachar - 2026-09-30T173630.132.jpg

શું હતી સમગ્ર ઘટના?

અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચે સુરત જિલ્લાના કોસંબા ખાતે 2022માં થયેલી વૃદ્ધા શાંતાબહેન ગંભીરભાઈ વસાવાની હત્યાની મળેલી બાતમીના આધારે તપાસ શરૂ કરી હતી. બાતમીદાર માધવદાસે પત્ની ઉર્મિલા અને તેના પિતરાઈ ભાઈ સામે હત્યાનો આક્ષેપ કર્યો હતો. જો કે, ક્રાઇમ બ્રાન્ચે પિતરાઈ ભાઈની અટકાયત કરી પૂછપરછ કરતાં તે નિર્દોષ સાબિત થયો હતો. જેથી શંકાના આધારે બાતમીદાર માધવદાસની કડકાઈથી પૂછપરછ કરાતાં સમગ્ર ષડયંત્ર ખુલ્લું પડ્યું હતું. માધવદાસ સાથે 8 મહિનાથી અલગ રહેતી પત્ની ઉર્મિલા પુત્ર, રોકડ અને દાગીના લઈ જતી રહી હોવાથી અદાવત રાખી તેણે પત્ની અને સાળાને ફસાવવા આ બનાવટી વાર્તા રચી હતી.

દંપતીએ મોઢા પર ઓશીકું દબાવી માતાની હત્યા

પોલીસની ઊંડાણપૂર્વકની પૂછપરછમાં સામે આવ્યું કે, માધવદાસની માતા મંજુલાબહેન ભક્તિરામ સાધુ લકવાગ્રસ્ત હોવાથી તેમની દૈનિક સેવા-ચાકરી કરવી પડતી હતી. આ જવાબદારીમાંથી છૂટકારો મેળવવા દંપતીએ મોઢા પર ઓશીકું દબાવી માતાની હત્યા કરી અગ્નિસંસ્કાર કરી દીધા હતા.

ત્યારબાદ દાદી શાંતાબહેનના મકાનો અને રોકડ-દાગીના પચાવી પાડવા માટે તેમની સાથે રહેતી અને ટીબીથી પીડાતી પૌત્રી ભગવતી કમલેશભાઈ વસાવાની પણ ઓશીકું દબાવી હત્યા કરી લાશ દાટી દીધી હતી. અંતે શાંતાબહેનની હત્યા કરી મૃતદેહ બેરલમાં મૂકી સિમેન્ટ ભરી જમીનમાં ખાડો ખોદી છુપાવી દીધી હોવાનું સામે આવ્યું છે.