Surat

સુરત: શ્રાવણના અંતિમ તબક્કામાં શિવભક્તિનો જુવાળ : કાવડમાં તાપીનું જળ, હૈયામાં મહાદેવ સાથે સિદ્ધનાથ તરફ ભક્તોનો પ્રવાહ

By GS Team
30 Aug 20264 mins read
TukuTouch Logo
સુરતમાં શ્રાવણના અંતિમ ચરણમાં હજારો શિવભક્તો શિવમય બન્યા છે. રવિવારે સાંજથી જહાંગીરપુરા કુરુક્ષેત્ર ઓવારાથી કાવડિયાઓએ તાપીનું પવિત્ર જળ કાવડમાં ભરી 'હર હર મહાદેવ'ના જયઘોષ સાથે સિદ્ધનાથ મહાદેવ મંદિર, સરસ ગામ તરફ પગપાળા પ્રયાણ કર્યું. શ્રદ્ધાળુઓ, યુવાનો અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો પદયાત્રામાં જોડાયા, જેનાથી તાપી કિનારેથી સિદ્ધનાથ સુધીનો માર્ગ ભક્તિમય બની ગયો.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: શ્રાવણના અંતિમ તબક્કામાં શિવભક્તિનો જુવાળ : કાવડમાં તાપીનું જળ, હૈયામાં મહાદેવ સાથે સિદ્ધનાથ તરફ ભક્તોનો પ્રવાહ

Surat: શ્રાવણ માસના અંતિમ તબક્કામાં સુરત અને આસપાસનો વિસ્તાર જાણે શિવમય બની ગયો છે. મહાદેવ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા સાથે રવિવારે સાંજથી જ જહાંગીરપુરા કુરુક્ષેત્ર ઓવારા ખાતે કાવડિયાઓનો પ્રવાહ શરૂ થયો હતો. તાપી માતાનું પવિત્ર જળ કાવડમાં ભરી ‘હર હર મહાદેવ’ અને ‘બોલ બમ’ના જયઘોષ સાથે હજારો શિવભક્તો સરસ ગામ નજીક આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિર તરફ પગપાળા નીકળી પડ્યા હતા. કાવડિયાઓની સાથે મહિલાઓ, યુવાનો અને પરિવારજનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ પદયાત્રામાં જોડાતા તાપી કિનારેથી સિદ્ધનાથ સુધીનો માર્ગ ભક્તિના માર્ગમાં ફેરવાઈ ગયો હતો.સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામ નજીક આવેલું સિદ્ધનાથ મહાદેવ મંદિર વર્ષોથી સુરત અને દક્ષિણ ગુજરાતના શિવભક્તો માટે શ્રદ્ધા અને આસ્થાનું મહત્વનું કેન્દ્ર રહ્યું છે. શ્રાવણ માસમાં અહીં મહાદેવના દર્શન અને જળાભિષેકનું વિશેષ મહાત્મ્ય હોવાથી દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો તાપીનું જળ લઈને પગપાળા સિદ્ધનાથ ધામ પહોંચે છે. કાવડમાં તાપી માતાનું જળ ભરી તેને મહાદેવને અર્પણ કરવાની આ પરંપરા ભક્તો માટે માત્ર યાત્રા નહીં, પરંતુ સંકલ્પ, શ્રદ્ધા અને ભક્તિની સાધના સમાન બની રહી છે.રવિવારે સાંજ બાદ કુરુક્ષેત્ર ઓવારા ખાતે કાવડમાં તાપીનું જળ ભરવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાંથી કાવડિયાઓ ટોળે વળ્યા હતા. જળ ભર્યા બાદ કાવડને ખભે ધારણ કરી ભક્તો સિદ્ધનાથ મહાદેવના દર્શન અને જળાભિષેક માટે નીકળી પડ્યા હતા. કોઈ ભક્તો મિત્રો સાથે તો કોઈ પરિવાર અને ભક્ત મંડળ સાથે આ પદયાત્રામાં જોડાયા હતા. યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે મોટી સંખ્યામાં મહિલાઓ પણ શ્રદ્ધાભેર પદયાત્રા કરતી જોવા મળી હતી.તાપી કિનારેથી સિદ્ધનાથ સુધીના માર્ગ પર ઠેરઠેર ‘હર હર મહાદેવ’ના નાદ અને ‘બોલ બમ’ના જયઘોષથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. લાંબા અંતરની પદયાત્રા છતાં ભક્તોના ચહેરા પર થાક કરતાં શ્રદ્ધા અને ઉત્સાહ વધુ જોવા મળ્યો હતો. કાવડમાં તાપીનું પવિત્ર જળ અને મનમાં સિદ્ધનાથ મહાદેવના દર્શનની ભાવના સાથે આગળ વધતા ભક્તોના પગલાં જાણે આસ્થાની એક જીવંત પરંપરાને આગળ ધપાવી રહ્યા હતા.આ ધાર્મિક યાત્રામાં સેવાભાવનું પણ અનોખું દૃશ્ય જોવા મળી રહ્યું છે. પદયાત્રીઓ અને કાવડિયાઓની સેવા માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને ભક્ત મંડળો દ્વારા માર્ગમાં સેવા કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે. અહીં પાણી, ચા, ફરાળી નાસ્તો સહિતની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. લાંબી પદયાત્રા દરમિયાન થાકેલા ભક્તોને થોડો વિરામ અને પ્રસાદરૂપે નાસ્તો મળી રહે તે માટે સેવાભાવી કાર્યકરો રાત-દિવસ સેવા આપી રહ્યા છે. આમ, શ્રદ્ધા સાથે સેવાનો સંગમ થતાં શ્રાવણની આ કાવડયાત્રા ધાર્મિક આસ્થા અને માનવસેવાનું અનોખું દૃશ્ય બની છે.શ્રાવણના અંતિમ તબક્કામાં સિદ્ધનાથ મહાદેવના દર્શન અને જળાભિષેક માટે વધતો ભક્તિભાવ દર્શાવે છે કે વર્ષો જૂની આસ્થા આજે પણ એટલી જ જીવંત છે. તાપીનું જળ લઈને સિદ્ધનાથના શરણે પહોંચતા હજારો ભક્તોના પગલાં અને શિવ નામના નાદથી સુરતથી સરસ સુધીનો સમગ્ર માર્ગ જાણે ‘શિવમાર્ગ’ બની ગયો છે.

બાવા સાહેબે શરૂ કરેલી કાવડ પ્રથા આજે પણ શ્રદ્ધાળુઓએ જીવંત રાખી

રાત્રે તાપીમાંથી કાવડમાં જળ ભરી સિદ્ધનાથ મહાદેવને અર્પણ કરતા સંત રતનદાસ બાવા સાહેબ; કઠોર ભક્તિ બાદ મહાદેવના દર્શન થયાની લોકમાન્યતા

ઓલપાડના બાવા ફળિયામાં રહેતા સંત રતનદાસ ઉર્ફે બાવા સાહેબ સિદ્ધનાથ મહાદેવના પરમ ભક્ત તરીકે જાણીતા હતા. મહાદેવ પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધાના કારણે તેમણે શરૂ કરેલી કાવડયાત્રાની પરંપરા આજે પણ શિવભક્તો દ્વારા જીવંત રાખવામાં આવી છે. કહેવાય છે કે બાવા સાહેબ દરરોજ રાત્રે તાપી નદીમાંથી કાવડમાં જળ ભરી પગપાળા સિદ્ધનાથ મહાદેવ મંદિરે પહોંચતા અને મહાદેવને જળ અર્પણ કરી અભિષેક કરતા હતા.

ભક્તિનો આ માર્ગ તેમના માટે સરળ નહોતો. ગમે તેવી પરિસ્થિતિ હોય, વરસાદ હોય કે કપરું હવામાન, બાવા સાહેબ કાવડ લઈને સિદ્ધનાથ મહાદેવના દર્શન અને જળાભિષેક માટે અચૂક જતા હતા. તેમની કઠોર ભક્તિ અને અડગ શ્રદ્ધાની પરીક્ષા બાદ સિદ્ધનાથ મહાદેવ દાદાએ તેમને દર્શન આપ્યા હોવાની લોકમાન્યતા આજે પણ ઓલપાડના લોકોમાં પ્રચલિત છે. બાવા સાહેબની આ અખંડ ભક્તિએ કાવડને માત્ર ધાર્મિક વિધિ નહીં, પરંતુ શ્રદ્ધા, સંકલ્પ અને ભક્તિની પરંપરાનું સ્વરૂપ આપ્યું હોવાનું ભક્તો માને છે.

આજે પણ ઓલપાડના બાવા ફળિયામાં બાવા સાહેબનું મંદિર આવેલું છે. સિદ્ધનાથ મહાદેવને કાવડ અર્પણ કર્યા બાદ અનેક કાવડિયાઓ અને શ્રદ્ધાળુઓ બાવા સાહેબના મંદિરે પણ દર્શન કરવા પહોંચે છે. આમ, કાવડયાત્રા સાથે બાવા સાહેબની સ્મૃતિ અને તેમની ભક્તિની પરંપરા પણ જોડાયેલી છે.