સુરત: ખાડીપૂરનો ખતરો ટળ્યો, હવે સફાઈ અને આરોગ્ય સુરક્ષા પર ફોકસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Rain: સતત ભારે વરસાદ અને ખાડી પૂરની વિકટ પરિસ્થિતિ બાદ હવે શહેર ધીમે ધીમે રાહત તરફ આગળ વધી રહ્યું છે. સુરતમાંથી પસાર થતી મુખ્ય ખાડીઓનું જળસ્તર જોખમી સપાટીથી નીચે આવતાં તંત્રને મોટી રાહત મળી છે. વરસાદી પાણી ઓસરતાં જ સુરત મહાનગરપાલિકાએ શહેરને ઝડપથી સામાન્ય સ્થિતિમાં લાવવા સફાઈ, કાદવ દૂર કરવાની, માર્ગ મરામત અને આરોગ્ય સુરક્ષા માટેનું વિશાળ અભિયાન શરૂ કર્યું છે. જોકે બીજી તરફ અનેક વિસ્તારોમાં હજુ પણ કચરાના ઢગલા અને ગંદકી યથાવત હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે.
સુરતમાં પખવાડિયામાં બીજી વખત ખાડીના પાણી શહેરમાં ઘુસવા સાથે ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદ સામે પાલિકાની ડ્રેનેજ સિસ્ટમ નબળી પડી હતી જોકે, 23મીએ સુરત પાલિકાના ડ્રેનેજ વિભાગે રેકર્ડ બ્રેક કામગીરી કરી હતી. હવે શહેરમાંથી પસાર થતી તમામ ખાડી ડેન્જર લેવલથી નીચે આવતા પાલિકા તંત્ર સાથે લોકો પણ રાહતનો શ્વાસ લઈ રહ્યાં છે. હવે પાલિકા તંત્ર સફાઈ અને આરોગ્યની કામગીરી પર ભાર મુકી રહ્યું છે.
મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ ભારે વરસાદને કારણે સલામતીના હિતમાં શહેરના કુલ 24 રસ્તા કામચલાઉ બંધ કરવામાં આવ્યા હતા. પાણી ઓસરતાં જ સફાઈ, કાદવ દૂર કરવા અને જરૂરી રોડ રિપેરિંગની કામગીરી પૂર્ણ કરીને 23 રસ્તા ફરી વાહનવ્યવહાર માટે શરૂ કરી દેવામાં આવ્યા છે. હાલ માત્ર કોઝવે સર્કલનો એક માર્ગ પાણીના કારણે બંધ છે, જ્યાં જળ સ્તર ઘટતાં જ વાહન વ્યવહાર પુનઃ શરૂ કરવામાં આવશે.
સારોલી વિસ્તારમાં આવેલી ભરત કેન્સર હોસ્પિટલ તથા સણિયા ગામ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ઓસરતાં જ રસ્તાઓ પરથી કાદવ દૂર કરવાની અને માર્ગોને અવરજવર લાયક બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાકેતધામ ખાડી નજીક સ્ક્રેપિંગ અને જીએસબીનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. લિંબાયત ઝોનના મીઠી ખાડી મેઇન રોડ, મઝદા પાર્ક ગલી, પર્વત મીઠી ખાડી વિસ્તાર તેમજ લોક સેવા ડેપો આસપાસ વિશેષ સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
સુરતમાં પૂર બાદ ચેપી અને મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ પણ સક્રિય બન્યો છે. અંજના યુએચસીની મેડિકલ ટીમો મણિનગર અને કમરૂનગર સહિતના વિસ્તારોમાં આરોગ્ય સર્વે, દવાઓનું વિતરણ અને રોગચાળાની દેખરેખની કામગીરી કરી રહી છે.લિંબાયત ઝોનમાં ડુંભાલ ફાયર સ્ટેશન અને મીઠી ખાડી વિસ્તારની મ્યુનિસિપલ કમિશનરે સ્થળ મુલાકાત લઈ સ્થાનિકોની રજૂઆતો સાંભળી હતી. તેમણે અધિકારીઓને વરસાદી પાણીનો ઝડપી નિકાલ, સફાઈ કામગીરી માં વધુ ઝડપ લાવવા અને અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત પહોંચાડવા જરૂરી સૂચનાઓ આપી હતી.
સફાઈ કામગીરીને વધુ વેગ આપવા અસરગ્રસ્ત ઝોનમાં અન્ય ઝોનમાંથી 20 જેસીબી અને 20 ટ્રકની ફાળવણી કરવામાં આવી છે. ઉપરાંત ખાનગી એજન્સીઓ પાસેથી 24 જેસીબી, 26 ટ્રક અને 26 ટ્રેક્ટર ભાડે મેળવી સતત કામગીરી ચાલી રહી છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં પાણીનો ભરાવો દૂર કરવા કુલ 63 સ્થળોએ 92 ડી-વોટરિંગ પંપ કાર્યરત કરવામાં આવ્યા છે. તેમાં સિંચાઈ વિભાગ મારફતે નડિયાદ, ઉકાઈ અને ધરોઈ ખાતેથી મંગાવવામાં આવેલા હાઈ-કેપેસિટી પંપ મીઠી ખાડી વિસ્તારમાં કાર્યરત કરવામાં આવ્યા છે.અસરગ્રસ્ત વિસ્તારમાં 1,050 કિલોગ્રામ જંતુનાશક દવાનો છંટકાવ કરીને રોગચાળો અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.જોકે પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી હોવાના દાવા વચ્ચે શહેરના અનેક રહેણાંક વિસ્તારમાં હજુ પણ કચરાના ઢગલા, કાદવ અને દુર્ગંધ યથાવત હોવાની ફરિયાદ સામે આવી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે મુખ્ય માર્ગો પર કામગીરી ઝડપથી થઈ રહી છે, પરંતુ આંતરિક સોસાયટીઓ અને ગલીઓમાં સફાઈ હજુ અધૂરી હોવાથી સંપૂર્ણ સામાન્ય સ્થિતિ સર્જવામાં હજુ થોડો સમય લાગી શકે છે.
સવારે 10 વાગ્યે સુરતમાંથી પસાર થતી ખાડીની સ્થિતિ
ખાડીનું નામ | ભયજનક સપાટી | હાલની સપાટી |
ભેદવાડ ખાડી | 7.20 | 5.50 |
મીઠી ખાડી | 9.35 | 7.75 |
ભાઠેના ખાડી | 8.25 | 5.30 |
સીમાડા ખાડી | 4.50 | 3.40 |
કાંકરા ખાડી | 8.48 | 5.50 |









