Surat

સુરત: 11 હજાર હોટ ફિક્સ યુનિટો સામે કાર્યવાહી કરવી પાલિકા માટે પડકારરૂપ

By GS Team
30 Aug 20264 mins read
TukuTouch Logo
સુરતમાં વિપક્ષ દ્વારા મેયરના ઘર સામે હોટફિક્સનો કચરો ઠાલવી વિરોધ કરાતા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું. 1500થી વધુ હોટફિક્સ યુનિટોને નોટિસ ફટકારવામાં આવી છે, જેનાથી યુનિટ સંચાલકોમાં નારાજગી છે. બીજી તરફ, ખુલ્લામાં કચરાના ઢગલાથી સ્થાનિકો પરેશાન છે. આથી, પાલિકા માટે 'આગળ કૂવો, પાછળ ખાઈ' જેવી સ્થિતિ સર્જાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: 11 હજાર હોટ ફિક્સ યુનિટો સામે કાર્યવાહી કરવી પાલિકા માટે પડકારરૂપ

Surat: વિપક્ષ દ્વારા મેયરના ઘર સામે હોટફિક્સનો કચરો ઠાલવી વિરોધ પ્રદર્શન કર્યા બાદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને હોટફિક્સ યુનિટો સામે નોટિસ આપવાની કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધીમાં 1500થી વધુ હોટફિક્સ યુનિટોને નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળે છે. જોકે, નોટિસ મેળવનારા યુનિટ સંચાલકોમાં વિપક્ષના વિરોધ સામે નારાજગી જોવા મળી રહી છે. બીજી તરફ, હોટફિક્સનો કચરો જ્યાં ખુલ્લામાં ઠાલવવામાં આવી રહ્યો છે અને કચરાના ઢગલા ખડકાયા છે તે વિસ્તારોના સ્થાનિક રહીશો પાલિકા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. એક તરફ કાર્યવાહીથી હોટફિક્સ યુનિટ સંચાલકો નારાજ અને બીજી તરફ ખુલ્લામાં ફેલાતા કચરાથી સ્થાનિકો પરેશાન હોવાથી પાલિકા માટે સ્થિતિ ‘આગળ કૂવો, પાછળ ખાઈ’ જેવી બની છે. શાસક-વિપક્ષની રાજકીય ખેંચતાણ વચ્ચે હોટફિક્સ કચરાનો ન્યુસન્સ હવે શહેરની સ્વચ્છતા સામે પણ મોટો પડકાર બની રહ્યો છે.

સુરતમાં હોટફિક્સના અંદાજે 11 હજાર નાના યુનિટો કાર્યરત હોવાનું કહેવાય છે. ખાસ કરીને નાના અને ઘરઆધારિત યુનિટો પૈકી મોટી સંખ્યામાં યુનિટો રહેણાંક વિસ્તારોમાં જ ચાલી રહ્યા છે. હોટફિક્સના કામકાજ દરમિયાન નીકળતા કચરાના વ્યવસ્થિત નિકાલની વ્યવસ્થા નહીં હોય ત્યારે આ કચરો શહેરની ખુલ્લી જગ્યાઓ, રસ્તાની આસપાસ તેમજ ખાલી પ્લોટોમાં ઠાલવવામાં આવે છે. પરિણામે જ્યાં જુઓ ત્યાં હોટફિક્સના કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે અને સ્વચ્છતા સામે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.વિપક્ષે હોટફિક્સના કચરાનો મુદ્દો ઉઠાવી મેયરના નિવાસસ્થાન બહાર જ કચરો ઠાલવી વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ બાદ પાલિકા તંત્રએ હોટફિક્સ યુનિટો સામે નોટિસની કાર્યવાહી શરૂ કરતાં હવે સમગ્ર મામલો વધુ ગરમાયો છે. નોટિસ મેળવનારા યુનિટ સંચાલકોનો સવાલ છે કે વર્ષોથી ચાલી રહેલી સમસ્યા માટે માત્ર યુનિટ સંચાલકોને જવાબદાર ઠેરવી નોટિસ આપવાથી પ્રશ્નનો કાયમી ઉકેલ કેવી રીતે આવશે? બીજી તરફ સ્થાનિકોનો સવાલ છે કે જો હોટફિક્સનો કચરો જાહેરમાં ઠાલવવામાં આવે છે તો તેની સામે કડક કાર્યવાહી કેમ થતી નથી?

સ્થાનિકોમાં એવો પણ સવાલ ઉઠી રહ્યો છે કે શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે મોટી રકમનો ખર્ચ કરવામાં આવે છે, સફાઈ કર્મચારીઓ અને અધિકારીઓની વ્યવસ્થા છે, તો પછી શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેરમાં કચરાના ઢગલા કેમ જોવા મળે છે? શું જવાબદાર અધિકારીઓને આ ન્યુસન્સ નજરે પડતું નથી કે પછી ફરિયાદ અને તસવીરો સામે આવ્યા બાદ જ તંત્રને સ્થળની સ્થિતિની જાણ થાય છે?એક તરફ પાલિકા સ્વચ્છતામાં શહેરને અગ્રેસર રાખવાના પ્રયાસો કરી રહી છે, ત્યારે બીજી તરફ હોટફિક્સનો કચરો જાહેર સ્થળોએ ખડકાઈ રહ્યો છે. જો આ સ્થિતિને સમયસર કાબૂમાં લેવામાં નહીં આવે તો સ્વચ્છતા અંગે સુરતે મેળવેલી છબી પર પણ તેની અસર પડી શકે છે. માત્ર નોટિસો ફટકારીને કે રાજકીય વિરોધ બાદ સફાઈ કરાવીને આ સમસ્યાનો કાયમી ઉકેલ આવવાનો નથી.

સુરતને સ્વચ્છ શહેર બનાવવાના દાવા વચ્ચે કુબેરનગર પોપડાની બહારની સ્થિતિ પાલિકા તંત્રની સ્વચ્છતા કામગીરી સામે સવાલો ઊભા કરી રહી છે. અહીં ખુલ્લી જગ્યામાં ઠેર-ઠેર કચરો ઠલવાતો હોવાથી કચરાના ઢગલા ખડકાઈ ગયા છે. આસપાસ ગંદકી અને કચરાના ઢગલાના કારણે સ્થાનિક રહીશો પરેશાન છે અને તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, આસપાસના લોકો દ્વારા ખુલ્લેઆમ કચરો ઠાલવવામાં આવે છે. સમયાંતરે સફાઈ થતી હોવા છતાં કચરો ફરીથી ઠલવાતો રહે છે. જેના કારણે એક તરફ સફાઈ પાછળ પાલિકાના નાણાં અને માનવબળનો ખર્ચ થાય છે, તો બીજી તરફ ગણતરીના દિવસોમાં જ સ્થળ પર ફરી કચરાના ઢગલા સર્જાઈ જાય છે. કચરો ફેંકનારા સામે અસરકારક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી સમસ્યાનો કાયમી ઉકેલ આવવાનો નથી તેવી સ્થાનિકોની લાગણી છે.કચરાના ઢગલા વચ્ચે દુર્ગંધ, રખડતા પશુઓ અને મચ્છર-જીવાતના ઉપદ્રવથી લોકોની હાલાકી વધી રહી છે. રહેણાંક વિસ્તાર નજીક જ આ પ્રકારની ગંદકી હોવાથી બાળકો અને વૃદ્ધોને પણ મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકોનો સવાલ છે કે જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે કાર્યવાહી કરવાની જવાબદારી કોની છે? હોટફિક્સના કચરાને લઈને પાલિકા અને વિપક્ષ વચ્ચે રાજકીય ખેંચતાણ ચાલી રહી છે ત્યારે કુબેરનગર જેવા વિસ્તારોમાં પડેલા કચરાના ઢગલા એક અલગ જ વાસ્તવિકતા દર્શાવે છે. સ્થાનિકોની માંગ છે કે પાલિકા માત્ર હોટફિક્સ યુનિટોને નોટિસ આપવાની કાર્યવાહી સુધી સીમિત ન રહે, પરંતુ જાહેરમાં કચરો ફેંકનારા સામે પણ કડક દંડાત્મક કાર્યવાહી કરે અને સ્થળની તાત્કાલિક સફાઈ કરાવે તે જરુરી બન્યું છે.