સુરતીઓની આસ્થા સાથે પર્યાવરણની પણ જાળવણી: બાપ્પાના ચરણે ચઢેલા ફૂલો તાપીમાં નહીં, ખાતરમાં જશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat: સુરતમાં ગણેશોત્સવ દરમિયાન બાપ્પાની પૂજામાં ચઢાવેલા ફૂલો તાપી નદીમાં પધરાવવાને બદલે હવે ખાતરમાં ફેરવાશે. લોકોની આસ્થા અને લાગણી જળવાઈ રહે તે સાથે પર્યાવરણનું પણ રક્ષણ થાય તે હેતુથી પાલિકાએ ગણેશોત્સવ દરમિયાન એકત્ર થયેલા ફૂલોનો અલગથી સંગ્રહ કરી વર્મીકમ્પોસ્ટ બનાવવાની કામગીરી હાથ ધરી છે. ગણેશોત્સવ દરમિયાન શહેર માંથી આશરે 40 મેટ્રિક ટન ફૂલનો જથ્થો એકત્ર કરી વર્મીકમ્પોસ્ટ પ્લાન્ટમાં પહોંચાડવામાં આવ્યો છે. આ ફૂલોની પ્રક્રિયા કર્યા બાદ આશરે 70 દિવસમાં ખાતર તૈયાર થશે, જેનો ઉપયોગ પાલિકાના ગાર્ડન વિભાગ દ્વારા કરવામાં આવશે.ગણેશ સ્થાપનાથી લઈને વિસર્જન સુધી પૂજા, શણગાર અને વિસર્જન યાત્રામાં મોટી માત્રામાં ફૂલોનો ઉપયોગ થાય છે. અગાઉ પૂજા માં ઉપયોગમાં લેવાયેલા ફૂલોનો નિકાલ સીધો તાપી નદીમાં કરવામાં આવતો હોવાથી નદીના પાણીમાં પ્રદૂષણ વધવાની શક્યતા રહેતી હતી. ફૂલોને નદીમાં પધરાવવાને બદલે અલગ એકત્ર કરવાની વ્યવસ્થા ઊભી કરીને પાલિકાએ આ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે. ખાસ કરીને ગણેશ વિસર્જન માટે બનાવાયેલા કૃત્રિમ તળાવોમાંથી પણ ફૂલો અલગ કાઢીને વર્મીકમ્પોસ્ટ પ્લાન્ટમાં મોકલવામાં આવી રહ્યા છે.પાલિકા દ્વારા વર્ષ 2018 થી સેન્ટ્રલ ઝોન અને કતારગામ વિસ્તારમાં ફૂલોમાંથી વર્મિકમ્પોસ્ટ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. મંદિરો તથા અન્ય ધાર્મિક સ્થળોએ થી આવતા ફૂલોનો પણ અલગથી સંગ્રહ કરી તેનો ખાતર બનાવવા ઉપયોગ કરવામાં આવે છે. ગણેશોત્સવ દરમિયાન એકત્ર થયેલા ફૂલોને પણ આ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવ્યા છે. જેના કારણે ફૂલોનો નદીમાં નિકાલ અટકાવી શકાય છે અને ધાર્મિક લાગણી સાથે પર્યાવરણની જાળવણી પણ થઈ શકે છે.ગણેશોત્સવ દરમિયાન એકત્ર થયેલા 40 ટન ફૂલના જથ્થાને હવે કચરા તરીકે નહીં પરંતુ ઉપયોગી સ્ત્રોત તરીકે જોવામાં આવી રહ્યો છે. 70 દિવસ ની પ્રક્રિયા બાદ તૈયાર થનારા વર્મીકમ્પોસ્ટનો ઉપયોગ પાલિકાના ગાર્ડનમાં છોડ અને વૃક્ષોના ઉછેર માટે કરવામાં આવશે. આમ, બાપ્પાની પૂજામાં અર્પણ કરાયેલા ફૂલોનો ફરીથી ઉપયોગ કરીને પાલિકા ફૂલના નિકાલની સમસ્યા હલ કરવાની સાથે તાપી નદીમાં થતા પ્રદૂષણને ઘટાડવાની દિશામાં પણ કામગીરી કરી રહી છે.
પાલિકાએ બનાવેલા ખાતરમાં કોઈ કેમિકલનો ઉપયોગ થતો નથી
સુરત પાલિકાએ લોકોની ધાર્મિક લાગણી નો ખ્યાલ રાખીને પૂજા ના ફૂલોમાંથી વર્મી કંપોઝ બનાવવાની કામગીરી શરૂ કરી છે. પાલિકા ચોક બજાર અને કતારગામ બે જગ્યાએ વર્મી કંપોઝ બનાવી રહી છે. આ જગ્યાએ આવતા ફુલોને અલગ કરવામા આવે છે ત્યાર બાદ 70 દિવસ ની પ્રોસેસ બાદ તેમાંથી ખાતર બનાવવામાં આવે છે. પાલિકા આ ખાર બનાવે છે તે ખાતર ઈકો ફ્રેન્ડલી એટલે કોઈ પણ જાતના કેમિકલ નો ઉપયોગ કર્યા વિના બનાવવામાં આવ્યો છે.
માત્ર ફૂલની અપીલ છતાં અન્ય કચરો પણ મળ્યો
ગણેશોત્સવ દરમિયાન વપરાયેલા ફૂલોને કચરામાં ન નાખી અલગથી એકત્ર કરવા પાલિકાએ ગણેશ ભક્તોને અપીલ કરી હતી અને ખાસ કરીને માત્ર ફૂલ જ આપવા જણાવાયું હતું. આ ફૂલોને વર્મીકમ્પોસ્ટ પ્લાન્ટમાં લઈ જઈ કુદરતી ખાતર બનાવવાની પાલિકાની યોજના હતી. જોકે, પાલિકાની અપીલ છતાં એકત્ર થયેલા અંદાજે 40 મેટ્રિક ટન જથ્થામાં ફૂલોની સાથે અન્ય કચરો અને સામગ્રી પણ મિશ્રિત હોવાની વાત સામે આવી છે.
ફૂલોની સાથે આવેલા અન્ય કચરાને અલગ કરવાની વધારાની કામગીરી કરવી પડી રહી હોવાથી સમગ્ર 40 મેટ્રિક ટન જથ્થો વર્મીકમ્પોસ્ટમાં ઉપયોગી બની શકશે નહીં. પરિણામે અંતિમ તબક્કે તૈયાર થનારા ખાતરનો જથ્થો પણ અપેક્ષા કરતાં ઓછો રહેવાની શક્યતા છે. પાલિકાની અપીલનો હેતુ ફૂલોને અલગ એકત્ર કરી સીધા વર્મીકમ્પોસ્ટ પ્લાન્ટ સુધી પહોંચાડવાનો હતો, જેથી પ્રક્રિયા સરળ બને અને વધુ પ્રમાણમાં કુદરતી ખાતર તૈયાર થઈ શકે.




