સુરત: પૂરમાં કોઈ ભૂખ્યું ન રહે... સેવા માટે સંસ્થા તૈયાર હવે તંત્રના સંકલનની રાહ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Rain: સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી દરરોજ ત્રણ હજાર પૂરગ્રસ્તોને તાજું ગરમ ભોજન પીરસતી એક સંસ્થા હવે નવસારીના તપોવન સહિત પૂરગ્રસ્ત વિસ્તારોમાં પણ ભોજન શાળા શરૂ કરવાની તૈયારી દર્શાવી છે. પૂરની આફત માં માત્ર ફૂડ પેકેટ થી જ ભૂખ સંતોષાતી નથી, અસરગ્રસ્તોને તાજા અને પૌષ્ટિક ભોજનની પણ એટલી જ જરૂર હોય છે. સરકારની રાહત કામગીરી સાથે સેવાભાવી સંસ્થાઓની શક્તિ જોડાય તો હજારો પરિવારોને સીધો લાભ મળી શકે. હવે માત્ર સ્થાનિક વહીવટી તંત્રના સંકલનની જરૂર છે. જો તંત્ર અને સંસ્થા વચ્ચે સુમેળ સાધવામાં આવે તો સુરતની જેમ નવસારીના પૂરગ્રસ્તોને પણ દરરોજ તાજું ગરમ ભોજન મળી શકે.
છેલ્લા ત્રણેક દિવસથી વરસાદ અને ખાડી પુર સુરતને ધમરોળી રહ્યાં છે જેના કારણે પાલિકાએ 2500 થી વધુ લોકોને સ્થળાંતર કર્યું છે અને તેમને રાહત કેમ્પમાં રાખ્યા છે જ્યારે અન્ય વિસ્તારમાં પાણી ઓસરી ગયા બાદ અસરગ્રસ્તોને મદદની જરુ છે. આવામાં સુરતમાં વર્ષોથી રોજ બે હજાર જેટલા ગરીબ- ભિક્ષુકોને ભોજન પીરસતી ગોપીપુરા ખાતે આવેલા મહાવીર અન્નક્ષેત્ર અને સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચેરીટેબલ ટ્રસ્ટ આ અસરગ્રસ્તોને વ્હારે આવી છે. સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી લિંબાયત ખાડી વિસ્તાર, દર્પણ ટોકીઝ પાછળનો વિસ્તાર, ઉધના, પાંડેસરા, વડોદ ગામ તેમજ તાપી નદીના કિનારા ના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ટ્રસ્ટ ના સ્વયંસેવકો દરરોજ ત્રણ હજાર લોકોને ખીચડી, રસાવાળું શાક, રોટલી અને કેળાનું વિનામૂલ્યે વિતરણ કરી રહ્યા છે. ઘરમાં પાણી ભરાઈ જતાં અથવા રસોઈ બનાવવાની સ્થિતિ ન હોવાથી અનેક પરિવારો માટે આ ભોજન જીવનદોરી સમાન બન્યું છે.
ટ્રસ્ટ ના સંચાલક લહેરુભાઈ શાહે જણાવ્યું હતું કે, સુરત અમારું કાર્યક્ષેત્ર છે, પરંતુ આફત માત્ર સુરત પૂરતી મર્યાદિત નથી. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હજારો લોકો મુશ્કેલીમાં છે ત્યારે તેમની સેવા કરવી પણ અમારી સામાજિક અને માનવીય જવાબદારી છે. નવસારીના તપોવન વિસ્તારમાં અમારી ટીમ ઉપલબ્ધ છે. જો સ્થાનિક વહીવટી તંત્ર અથવા કોઈ સેવાભાવી સંસ્થા સંકલન કરે તો તાત્કાલિક ભોજનશાળા શરૂ કરી શકાય છે અને જ્યાં સુધી પૂરગ્રસ્તોને જરૂર રહેશે ત્યાં સુધી દરરોજ તાજું ગરમ ભોજન પીરસવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ફૂડ પેકેટનું વિતરણ ખૂબ જ મહત્વપૂર્ણ કામગીરી છે, પરંતુ લાંબા સમય સુધી રાહત કેમ્પોમાં રહેતા પરિવારો, વૃદ્ધો, બાળકો અને મહિલાઓ માટે તાજું ગરમ ભોજન વધુ જરૂરી બને છે. તૈયાર રસોડું, સ્વયંસેવકો અને ભોજન વિતરણ ની સંપૂર્ણ વ્યવસ્થા ટ્રસ્ટ પાસે ઉપલબ્ધ હોવાથી માત્ર તંત્રના સંકલનથી આ સેવા તરત શરૂ કરી શકાય છે.
પૂરની આફત માં સરકારી રાહત અને સમાજસેવાનું આ સંકલન હજારો પરિવારો માટે આશીર્વાદરૂપ બની શકે છે. જો સ્થાનિક વહીવટી તંત્ર આવી સેવાભાવી સંસ્થાઓની ક્ષમતાનો ઉપયોગ કરે તો સરકારના ફૂડ પેકેટ સાથે રોજિંદું ગરમ ભોજન પણ અસરગ્રસ્તો સુધી પહોંચાડી શકાય. આપત્તિના સમયમાં કોઈ પરિવાર ભૂખ્યો ન રહે અને રાહત કાર્ય વધુ અસરકારક બને તે માટે તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ વચ્ચે સમયસરનું સંકલન આજે સમયની સૌથી મોટી જરૂરિયાત બની છે.









