Surat

સુરત: એક દિવસના ગણેશોત્સવમાં મૂર્તિ નહીં, જીવદયાનો સંદેશ

By GS Team
20 Sep 20263 mins read
TukuTouch Logo
સુરતમાં સત્ય સેવા જીવદયા ટ્રસ્ટ દ્વારા ગણેશોત્સવમાં અનોખી પહેલ કરાઈ છે. 7 ટન શાકભાજી અને લીલોતરીથી 100 બાય 50 ફૂટની ગણેશજીની વિશાળ પ્રતિકૃતિ તૈયાર કરાઈ. કોબીજ, કાકડી, ગાજર, બટાકા, ટામેટા અને ઘાસનો ઉપયોગ કરાયો. વિસર્જનને બદલે, આ શાકભાજી ગૌમાતાના ચારા માટે અર્પણ કરાશે. આનાથી ગૌસેવા અને પર્યાવરણ જાળવણીનો સંદેશ અપાયો.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: એક દિવસના ગણેશોત્સવમાં મૂર્તિ નહીં, જીવદયાનો સંદેશ

Surat: ગાય-ભેંસના ઘાસચારાના વધતા ખર્ચ વચ્ચે ગૌસેવા અને પર્યાવરણ જાળવણીનો સંદેશ લોકો સુધી પહોંચાડવા સુરતમાં ગણેશોત્સવમાં અનોખી પહેલ કરવામાં આવી છે. સત્ય સેવા જીવદયા ટ્રસ્ટ દ્વારા એક દિવસ માટે 7 ટન શાકભાજી અને લીલોતરીનો ઉપયોગ કરીને 100 બાય 50 ફૂટની વિશાળ ગણેશજીની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. સંસ્થાના દાવા મુજબ ભારતમાં પ્રથમ વખત આટલી વિશાળ ગણેશ પ્રતિકૃતિ શાકભાજીમાંથી તૈયાર કરવામાં આવી છે. કોબીજ, કાકડી, ગાજર, બટાકા, ટામેટા અને ઘાસથી તૈયાર કરાયેલી પ્રતિકૃતિનું વિસર્જન કરવાને બદલે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ શાકભાજી અને ઘાસ ગૌમાતાના ચારા માટે અર્પણ કરવામાં આવશે.

સત્ય સેવા જીવદયા ટ્રસ્ટ સભ્ય યશ પટેલના જણાવ્યા અનુસાર, દેશમાં પ્રથમ વખત 100 બાય 50 ફૂટની વિશાળ ગણેશજીની પ્રતિકૃતિ શાકભાજીમાંથી તૈયાર કરવામાં આવી છે. આ પ્રતિકૃતિ તૈયાર કરવા માટે આશરે 7 ટન શાકભાજી અને લીલોતરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ગણેશોત્સવમાં સ્થાપિત મૂર્તિ વિસર્જન બાદ તેની સામગ્રી નો નિકાલ કરવામાં આવે છે, પરંતુ અહીં વિસર્જનને બદલે ઉપયોગમાં લેવાયેલી સામગ્રીનો સદુપયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.વિશાળ પ્રતિકૃતિ તૈયાર કરવા માટે કોબીજ, કાકડી, ગાજર, બટાકા અને ટામેટા સહિતના શાકભાજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની સાથે લીલું ઘાસ પણ ઉપયોગમાં લેવાયું છે. વિવિધ શાકભાજી અને લીલોતરીને ચોક્કસ રીતે ગોઠવીને ગણેશજીની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી. દૂરથી જોતા આ સમગ્ર રચના ગણેશજીના વિશાળ સ્વરૂપ જેવી નજરે પડતી હતી. આ આયોજન માત્ર દર્શન પૂરતું ન રહે અને ગણેશોત્સવ માંથી જીવદયાનો સંદેશ પણ લોકો સુધી પહોંચે તે માટે કાર્યક્રમને એક દિવસ પૂરતો રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પ્રતિકૃતિ માં ઉપયોગમાં લેવાયેલું શાકભાજી અને ઘાસ ગૌમાતાના ચારા માટે અર્પણ કરવામાં આવશે.

આમ, ગણેશજીની પ્રતિકૃતિ તૈયાર કરવમાં વપરાયેલી સામગ્રીનો નિકાલ કરવાને બદલે તેનો ઉપયોગ પશુઓના ભોજન તરીકે કરવામાં આવશે.ટ્રસ્ટ દ્વારા આ પહેલમાં પર્યાવરણ જાળવણીને પણ મહત્વ આપવામાં આવ્યું છે. ગણેશોત્સવમાં મૂર્તિ સ્થાપન અને વિસર્જન સાથે સંકળાયેલા પર્યાવરણીય પ્રશ્નોને ધ્યાનમાં રાખીને શાકભાજી જેવી કુદરતી અને ઉપયોગી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ વિસર્જન બાદ સામગ્રીનો બગાડ ન થાય અને તેનો જીવદયાના કાર્યમાં ઉપયોગ થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.હાલમાં પશુઓ માટે ઘાસચારા સહિતના ખોરાકના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગૌસેવા માટે સમાજમાંથી વધુ સહભાગિતા ઊભી થાય તેવો સંદેશ પણ આ આયોજન દ્વારા આપવામાં આવ્યો છે. ગણેશોત્સવના માધ્યમથી ધાર્મિક આસ્થા સાથે પર્યાવરણ અને જીવદયા ને જોડતી આ પહેલ લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.

શ્રાવણમાં શિવલિંગ, હવે ગણેશજીની પ્રતિકૃતિ

સત્ય સેવા જીવદયા ટ્રસ્ટ દ્વારા ધાર્મિક આસ્થાને જીવદયા અને અન્નના સદુપયોગ સાથે જોડવાનો પ્રયાસ પ્રથમ વખત નથી. શ્રાવણ માસ દરમિયાન ટ્રસ્ટ દ્વારા દુધી, ગાજર, રીંગણ, ટામેટાં, બટાકા, કોબીજ અને કાકડી સહિત આશરે 2000 કિલો શાકભાજીમાંથી 10 ફૂટ ઊંચું શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ સુધી ભક્તોએ તેના દર્શન કર્યા બાદ શિવલિંગમાં વપરાયેલી શાકભાજીનો નિકાલ કરવાને બદલે ગૌશાળાની ગાયો ના આહાર માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

હવે ગણેશોત્સવમાં પણ આ જ વિચાર વધુ મોટા સ્વરૂપમાં આગળ વધારવામાં આવ્યો છે. ટ્રસ્ટ દ્વારા આશરે 7 ટન શાકભાજી અને લીલોતરીનો ઉપયોગ કરીને 100 બાય 50 ફૂટની વિશાળ ગણેશજીની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. આ પ્રતિકૃતિનું પણ વિસર્જન કરવાને બદલે શાકભાજી અને ઘાસનો ગૌસેવામાં ઉપયોગ કરાશે. આમ, શ્રાવણમાં શિવલિંગ અને હવે ગણેશોત્સવમાં ગણેશજીની પ્રતિકૃતિ દ્વારા ધાર્મિક આસ્થાની સાથે જીવદયા, અન્નના સદુપયોગ અને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.