સુરત પાલિકા સફાઈ કરે, લોકો ફરી કચરો ઠાલવે : વેસુમાં સ્વચ્છતાની ગંભીર સમસ્યા, હેલ્થ સેન્ટર પાસે જ કચરાના ઢગલા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : દેશભરમાં સ્વચ્છતામાં નંબર વનનો દરજ્જો મેળવનાર સુરતની છબી બગાડવામાં માત્ર તંત્રની બેદરકારી જ નહીં, પરંતુ જાહેર સ્થળોને પોતાની મનમાનીથી કચરાપેટી બનાવી દેનારા કેટલાક બેજવાબદાર લોકો પણ એટલા જ જવાબદાર છે. પાલિકા દ્વારા ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની સુવિધા છતાં વેસુ જેવા પોશ વિસ્તારમાં લોકો જાહેરમાં કચરો ઠાલવી રહ્યા છે. હદ તો એ છે કે જ્યાં લોકો સારવાર લેવા આવે છે તેવા હેલ્થ સેન્ટરની બાજુમાં જ કચરાના ઢગલા ખડકાઈ રહ્યા છે. પાલિકા સફાઈ કર્યા બાદ ગણતરીના કલાકોમાં ફરી કચરો ઠલવાતો હોય તો માત્ર સફાઈ કર્મચારીઓની મહેનત વધારવાથી સમસ્યા ઉકેલવાની નથી. જાહેર સ્થળને કચરાપેટી સમજી ગંદકી ફેલાવનારા તત્વો સામે કડક દંડ અને સતત વોચ જેવી કાર્યવાહીની માંગ થઈ રહી છે.
સુરતના વેસુ VIP રોડ પર આવેલા ફાયર સ્ટેશન અને હેલ્થ સેન્ટરની આસપાસ છેલ્લા કેટલાક દિવસોથી કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. કચરાના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે અને આસપાસનો માહોલ પણ ખરાબ થઈ રહ્યો છે. હેલ્થ સેન્ટરમાં સારવાર માટે આવતા દર્દીઓ, સ્થાનિક રહીશો તેમજ નજીકના વિસ્તારમાંથી પસાર થતા લોકો માટે આ સ્થિતિ મુશ્કેલીરૂપ બની છે. જ્યાં સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ હોવું જોઈએ ત્યાં જ કચરો અને ગંદકી જોવા મળી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે પાલિકા દ્વારા વિસ્તારમાં સફાઈ કરવામાં આવે છે, પરંતુ સફાઈ થયાના થોડા જ કલાકોમાં કેટલાક લોકો ફરી જાહેર સ્થળે કચરો ફેંકી જાય છે. આ કારણે એક જ સ્થળ વારંવાર કચરાના ઢગલામાં ફેરવાઈ જાય છે. ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની વ્યવસ્થા હોવા છતાં લોકો ઘર કે દુકાનનો કચરો જાહેરમાં ફેંકતા હોય તો આવી માનસિકતા સામે કાર્યવાહી કરવી જરૂરી બની છે.
વેસુ હેલ્થ સેન્ટર પાસે કચરાના પોઈન્ટ પર ગાર્ડ અથવા પાલિકાના કર્મચારીની સતત નજર રાખવામાં આવે તો જાહેરમાં કચરો ફેંકનારાઓને અટકાવી શકાય તેમ સ્થાનિકોનું માનવું છે. આસપાસની સોસાયટીઓના આગેવાનો પણ હવે આ મુદ્દે એકત્ર થઈ આગામી દિવસોમાં પાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનરને રૂબરૂ મળી રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા છે. સ્થાનિકોની માગ છે કે કચરાના ઢગલાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે, આ સ્થળને ન્યૂસન્સ પોઈન્ટ બનતું અટકાવવા કાયમી વ્યવસ્થા કરવામાં આવે અને જાહેરમાં કચરો ફેંકનારા સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે. શહેરમાં વેસુ સહિત અનેક વિસ્તારોમાં આવા ન્યૂસન્સ પોઈન્ટ જોવા મળે છે. પાલિકા દ્વારા એક તરફ સ્વચ્છતા જાળવવા માટે સતત સફાઈ કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ કેટલાક લોકોની બેદરકારીના કારણે થોડા જ સમયમાં ફરી ગંદકી સર્જાઈ જાય છે. જેના કારણે પાલિકાના સફાઈ કર્મચારીઓની મહેનત પણ પાણીમાં જાય છે અને જાહેર નાણાંનો પણ બિનજરૂરી ખર્ચ થાય છે. આવા સ્થળોએ નિયમિત વોચ રાખી કચરો ફેંકનારા લોકોની ઓળખ કરવામાં આવે અને સ્થળ પર જ દંડની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
દારૂબંધીના કડક અમલના દાવા વચ્ચે વેસુમાં કચરાના ઢગલા પાસે ખાલી દારૂની બોટલો
વેસુ VIP રોડ પર હેલ્થ સેન્ટરની બાજુમાં કચરાના ઢગલા સાથે કેટલીક ખાલી દારૂની બોટલો પણ જોવા મળતી હોવાની સ્થાનિકોમાં ચર્ચા છે. દારૂબંધીના કડક અમલ અને ગેરકાયદે દારૂ સામે સતત કાર્યવાહી કરવામાં આવતી હોવાના સરકારી દાવા વચ્ચે જાહેર સ્થળે દારૂની ખાલી બોટલો મળી આવવી ગંભીર સવાલો ઊભા કરે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ કેટલાક લોકો રાત્રિના સમયે અહીં કચરો ઠાલવવાની સાથે ખાલી દારૂની બોટલો પણ મૂકી જાય છે. હેલ્થ સેન્ટર અને ફાયર સ્ટેશન જેવી જાહેર સુવિધાઓની નજીક આવી સ્થિતિ હોવા છતાં જવાબદારો સામે કોઈ કાર્યવાહી થતી નથી તેવી ફરિયાદ છે. હવે પાલિકા સાથે પોલીસ તંત્ર પણ આવા સ્થળોએ નજર રાખે અને ખાલી બોટલો ક્યાંથી આવે છે તેની તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરે તેવી માગ ઊઠી છે.









