Surat

સુરત પાલિકાના નવરાત્રિમાં ફૂડ સ્ટોલ પર દરોડા, ફાયર સેફ્ટીના નિયમો કાગળ પર: ગરબાના ડોમની સુરક્ષાની ચકાસણી કોણ કરશે?

By GS Team
14 Oct 20263 mins read
TukuTouch Logo
સુરતમાં નવરાત્રીના ગરબા આયોજનોમાં ફૂડ સ્ટોલ પર પાલિકાએ દરોડા પાડી ખાદ્ય પદાર્થોના નમૂના લીધા. જોકે, મોટા ડોમમાં ક્ષમતાથી વધુ ભીડ, ઇમરજન્સી એક્ઝિટ અને ફાયર સેફ્ટીના નિયમભંગની ફરિયાદો ઊઠી છે. ઊંચા ભાવ વસૂલતા વીડિયો પણ વાયરલ થયા છે. રાજકીય આગેવાનોની હાજરીવાળા આયોજનો સામે તંત્રની કાર્યવાહી ન થતા સવાલો ઉભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત પાલિકાના નવરાત્રિમાં ફૂડ સ્ટોલ પર દરોડા, ફાયર સેફ્ટીના નિયમો કાગળ પર: ગરબાના ડોમની સુરક્ષાની ચકાસણી કોણ કરશે?

Surat Food Safety : સુરતમાં નવરાત્રીના રંગેચંગે યોજાતા ધંધાદારી ગરબાના આયોજનોમાં હજારો લોકો ઉમટી રહ્યા છે, ત્યારે ફૂડ સ્ટોલ પર ખાદ્ય પદાર્થોની ચકાસણી માટે પાલિકાના દરોડા પડી રહ્યા છે, પરંતુ ગરબાના વિશાળ ડોમમાં લોકોની સુરક્ષા માટેના નિયમોનું કેટલું પાલન થાય છે તે સવાલ ચર્ચામાં આવ્યો છે.
ફૂડ વિભાગે ખાદ્ય પદાર્થોના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલ્યા છે, જ્યારે બીજી તરફ ક્ષમતા કરતાં વધુ ભીડ, ઇમરજન્સી એક્ઝિટ અને ફાયર સેફ્ટીની વ્યવસ્થા અંગે નિયમભંગની ફરિયાદો થઈ રહી છે. ખાણીપીણીના સ્ટોલ પર ઊંચા ભાવ વસૂલાતા હોવાના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. આમ છતાં, મોટા રાજકીય આગેવાનોની હાજરી ધરાવતા આયોજનો સામે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી થતી ન હોવાના આક્ષેપો ઊઠી રહ્યા છે. ફૂડ વિભાગની જેમ ફાયર વિભાગ પણ સ્થળ પર જઈને નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરે છે કે નહીં, અને કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોની રહેશે, તેવા સવાલો વચ્ચે પાલિકા, ફાયર વિભાગ અને પોલીસની કામગીરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. 
નવરાત્રી દરમિયાન ગરબાનાં મોટાં આયોજનોમાં ખાણીપીણીના સ્ટોલ મોટી સંખ્યામાં ઊભા કરવામાં આવે છે. અહીં વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જળવાય તે માટે પાલિકાના ફૂડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. સ્ટોલ પરથી નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જેથી ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગેની હકીકત બહાર આવી શકે. જોકે, ખાદ્ય પદાર્થોની ગુણવત્તાની તપાસની સાથે ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવતા ભાવ અંગે પણ ફરિયાદો ઊઠી રહી છે. ગરબાના સ્ટોલમાં ખાદ્ય પદાર્થોના ઊંચા ભાવ વસૂલવામાં આવતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ મામલે પણ તંત્ર દ્વારા તપાસ કરીને યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માગ ઊઠી રહી છે. 
પાલિકાના ફાયર વિભાગે નવરાત્રીનાં મોટાં આયોજનો માટે અગાઉથી જ સલામતીના નિયમો જાહેર કર્યા છે. મોટા ડોમ અને પંડાલમાં નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ લોકોને પ્રવેશ ન આપવો, દરેક વ્યક્તિ દીઠ ઓછામાં ઓછી એક ચોરસ મીટર જગ્યા રાખવી, ઇમરજન્સી એક્ઝિટની પૂરતી વ્યવસ્થા કરવી અને ફાયર બ્રિગેડનાં વાહનો સરળતાથી પહોંચી શકે તે માટે રસ્તો ખુલ્લો રાખવો ફરજિયાત છે. આ ઉપરાંત સ્ટેજ અને પંડાલની રચના, પ્રવેશદ્વાર તથા અગ્નિશામક સાધનોની વ્યવસ્થા અંગે પણ શરતો નક્કી કરવામાં આવી છે.જોકે, ધંધાદારી ગરબાનાં આયોજનોના વાયરલ થઈ રહેલા વીડિયો અને નિયમોના ભંગ અંગે ઊઠતી ફરિયાદોને પગલે આ નિયમોનો વાસ્તવિક અમલ થાય છે કે નહીં તે અંગે સવાલો ઊભા થયા છે. ડોમમાં પ્રવેશતા લોકોની સંખ્યા નિયંત્રણમાં કે નહીં, ઇમરજન્સી એક્ઝિટ કટોકટીના સમયે ઉપયોગમાં લઈ શકાય તેવી સ્થિતિમાં છે કે નહીં અને આગ જેવી દુર્ઘટના સર્જાય તો ફાયર બ્રિગેડનાં વાહનો સરળતાથી સ્થળ પર પહોંચી શકે તેવી વ્યવસ્થા છે કે નહીં તેની તપાસ જરૂરી બની છે.
નિયમો જાહેર કર્યા બાદ તેનું પાલન કરાવવાની જવાબદારી પણ તંત્રની જ છે. આમ છતાં, મોટા આયોજનોમાં નિયમભંગની ફરિયાદો વચ્ચે સ્થળ પર તપાસ અને કાર્યવાહી અંગે સ્પષ્ટતા ન હોવાથી પાલિકા તથા ફાયર વિભાગની કામગીરી સામે સવાલો ઊઠી રહ્યા છે. નવરાત્રીના કેટલાંક મોટાં આયોજનોમાં રાજકીય આગેવાનોની હાજરી રહેતી હોવાથી નિયમોના અમલમાં કોઈ છૂટછાટ રાખવામાં આવે છે કે કેમ તે અંગે પણ ચર્ચા થઈ રહી છે. મોટા આયોજકો સામે નિયમભંગ બદલ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના આક્ષેપો વચ્ચે તંત્રની ભૂમિકા સામે સવાલો ઊઠી રહ્યા છે.
હાલ ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થના નમૂના લેવાની કામગીરી થઈ રહી છે, પરંતુ તેની સાથે ફાયર વિભાગ દ્વારા દરેક મોટા ડોમમાં સલામતીનાં ધોરણનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી અંગે કોઈ કામગીરી થતી ન હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. ખાદ્ય પદાર્થોના નમૂના લેવાની કામગીરી આવકારદાયક છે, પરંતુ લોકોના આરોગ્યની સાથે તેમની સુરક્ષા પણ એટલી જ મહત્ત્વની છે. તેથી ફૂડ વિભાગના દરોડાની જેમ ફાયર વિભાગ પણ મોટા ગરબા આયોજનોમાં નિયમોનું પાલન થાય છે કે નહીં તેની સઘન તપાસ કરે અને નિયમભંગ જણાય તો કાર્યવાહી કરે તેવી માગ ઊઠી રહી છે.