ખાનગી મિલકતોની વેરા વસૂલાતમાં સુરત પાલિકા 'વાઘ', સરકારી મિલકતો પાસેથી વસૂલાતમાં 'બિલ્લી '
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સુરત પાલિકા ખાનગી મિલકતધારકો પાસેથી પ્રોપર્ટી ટેક્સની વસૂલાત માટે ટાંચથી માંડીને મિલકત સીલ કરવાની કાર્યવાહી સુધીની કડકાઈ દાખવે છે, પરંતુ સરકારી મિલકતો પાસેથી બાકી વેરાની વસૂલાતમાં જાણે બિલ્લી જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. પાલિકાના આંકડા મુજબ શહેરની 10,612 સરકારી મિલકતો પાસેથી 27.72 કરોડથી વધુનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો બાકી છે. ખાનગી મિલકતધારકો સામે બાકી વેરા માટે આક્રમક કાર્યવાહી કરતી પાલિકા હવે સરકારી મિલકતો પાસેથી કરોડોની આ બાકી વસૂલાત માટે શું પગલાં ભરે છે તે જોવાનું રહેશે.
ઓકટ્રોય નાબુદી બાદ પાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત મિલ્કત વેરો બની ગયો છે જેના કારણે સુરત પાલિકા મિલ્કત વેરાની વસુલાત આક્રમક રીતે કરે છે. જો કોઈ મિલકતદારો વેરો ભરપાઈ નહી કરે તો નળ-ગટર જોડાણ કાપવા સાથે મિલ્કત સીલ કરવા કે હરાજી કરવા સુધીની કામગીરી કરે છે. પાલિકા મિલકત વેરા વસુલાતમાં ખાનગી મિલ્કતો સામે જે કડકાઈ રાખે છે તેવી કડકાઈ સરકારી મિલ્કતોના બાકી વેરા વસુલાતમાં રાખતી નથી જેના પરિણામે સુરત પાલિકા વિસ્તારની સરકારી મિલકતોનો 27.72 કરોડની મિલકત વેરો પાલિકા ચોપડે બાકી બોલી રહ્યો છે.
નવાર સ્થિતિ જોવામાં આવે તો સરકારી મિલકતોના બાકી વેરામાં સેન્ટ્રલ ઝોન સૌથી આગળ છે. સેન્ટ્રલ ઝોનની 930 સરકારી મિલકતો પાસેથી 7.90 કરોડનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો બાકી છે. ત્યારબાદ કતારગામ ઝોનની 2,314 સરકારી મિલકતોનો 7.31 કરોડનો વેરો બાકી છે. ઉધના ઝોન-એમાં 2,570 સરકારી મિલકતો પાસેથી 5.42 કરોડની વસૂલાત બાકી છે. લિંબાયત ઝોનમાં 701 સરકારી મિલકતોનો 2.69 કરોડનો વેરો બાકી છે. અઠવા ઝોનમાં 1,450 સરકારી મિલકત પાસેથી 1.53 કરોડ અને રાંદેર ઝોનમાં 2,149 મિલકતો પાસેથી 1.51 કરોડનો પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો બાકી છે. બીજી તરફ વરાછા ઝોન-બીમાં 305 સરકારી મિલકતોનો 73 લાખ, ઉધના ઝોન-બીમાં 176 મિલકતોનો 35 લાખ અને વરાછા ઝોન-એમાં માત્ર 17 સરકારી મિલકતોનો પણ 30 લાખનો ટેક્સ બાકી છે. ખાનગી મિલકતધારકો સામે બાકી વેરા માટે કડક કાર્યવાહી કરતી પાલિકા હવે સરકારી મિલકતો પાસેથી બાકી વેરાની વસૂલાત માટે કઈ કાર્યવાહી કરે છે તે મહત્વનું બન્યું છે.
ઝોનવાર સરકારી મિલકતોનો બાકી પ્રોપર્ટી ટેક્સ
સેન્ટ્રલ | 930 | 7.90 કરોડ |
કતારગામ | 2,314 | 7.31 કરોડ |
ઉધના-એ | 2,570 | 5.42 કરોડ |
લિંબાયત | 701 | 2.69 કરોડ |
અઠવા | 1,450 | 1.53 કરોડ |
રાંદેર | 2,149 | 1.51 કરોડ |
વરાછા-બી | 305 | 73 લાખ |
ઉધના-બી | 176 | 35 લાખ |
વરાછા-એ | 17 | 30 લાખ |
કુલ | 10,612 | 27.72 કરોડ |




