VIDEO| અમદાવાદના વધુ એક બ્રિજના બાંધકામમાં બુદ્ધિનું દેવાળું!: નારોલ-સરખેજ હાઈવે બ્રિજનો મહાકાય પિલર 'આઉટ' થતાં તોડવો પડ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Narol Sarkhej Highway Bridge Pillar Demolished: અમદાવાદના નારોલથી સરખેજ વચ્ચે રૂપિયા 1,295 કરોડના ખર્ચે બની રહેલા એલિવેટેડ કોરિડોરના બાંધકામને લઈને હવે કામગીરી સામે સવાલો ઊભા થયા છે. બ્રિજના કામ દરમિયાન 15થી 20 ફૂટ જેટલો પિલર તૈયાર થયા બાદ તેને તોડવામાં આવી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. પિલર તોડવાની કામગીરી સામે બાંધકામમાં આયોજન અને ગુણવત્તા ચકાસણી અંગે પ્રશ્નો ઊભા થયા છે.
નારોલ-સરખેજ હાઈવે પર ચાલી રહેલા આ પ્રોજેક્ટની કુલ લંબાઈ 10.63 કિમી છે. કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ મોનિટરિંગ રેકોર્ડ મુજબ તેની કિંમત રૂપિયા 1,295 કરોડ છે અને પૂર્ણ કરવાની લક્ષિત તારીખ 15 ફેબ્રુઆરી, 2028 છે. પ્રોજેક્ટમાં હાલના 6-લેન રોડનું અપગ્રેડેશન અને સ્થળની જરૂરિયાત મુજબ એલિવેટેડ કોરિડોરનો સમાવેશ થાય છે.
પિલર બનાવ્યા બાદ તોડવાની નોબત
સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોમાં બ્રિજના બાંધકામ દરમિયાન તૈયાર કરવામાં આવેલા પિલ્લરને મશીનની મદદથી તોડવામાં આવતો હોવાનું જોવા મળે છે. સ્થળ પરના કર્મચારીને આ અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, પિલ્લર બનાવતા-બનાવતા 'આઉટ' થઈ ગયો હતો, જેના કારણે તેને તોડીને ફરીથી બનાવવામાં આવી રહ્યો છે. કર્મચારીના જણાવ્યા મુજબ આ કામગીરી પાછળનો ખર્ચ સરકાર તરફથી ચૂકવવામાં આવશે.

જો કે, પિલર 15થી 20 ફૂટ જેટલો ઊંચો તૈયાર થઈ ગયા બાદ તેમાં ખામી હોવાનું ધ્યાનમાં આવ્યું હોય તો બાંધકામ દરમિયાન તેની માપણી અને એલાઈનમેન્ટની ચકાસણી કેવી રીતે કરવામાં આવી હતી તે સવાલ બની રહ્યો છે. પિલર બનાવતા પહેલાં જ તેનું એલાઈનમેન્ટ અને ડિઝાઇન મુજબનું માપ ચકાસવામાં આવ્યું હતું કે નહીં તે અંગે પણ સ્પષ્ટતા જરૂરી બની છે.
ખોદકામમાં ડ્રેનેજ લાઈન તૂટતી હોવાની ફરિયાદ
બ્રિજના પિલર અને અન્ય સ્ટ્રક્ચર માટે ચાલી રહેલા ખોદકામને કારણે કેટલીક જગ્યાએ ડ્રેનેજ લાઈનોને નુકસાન થતું હોવાની પણ ફરિયાદો સામે આવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, હાઈવેના કામ દરમિયાન ખોદકામ થતાં ડ્રેનેજ વ્યવસ્થા ખોરવાઈ રહી છે અને તેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણીના નિકાલની સમસ્યા ઊભી થઈ રહી છે.
રોડનું લેવલ વધતાં સોસાયટીઓમાં પાણી ભરાવાની ફરિયાદ
આ ઉપરાંત હાઈવેના કામ દરમિયાન રોડનું લેવલ અગાઉની સરખામણીએ ઊંચું કરવામાં આવ્યું હોવાના કારણે આસપાસની સોસાયટીઓ નીચાણમાં આવી ગઈ હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડતાં કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયું હતું અને કેટલાક ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયાની ફરિયાદો થઈ હતી.

નારોલ-સરખેજ કોરિડોર પર બ્રિજના કામને કારણે ટ્રાફિક જામ અને રસ્તાની ખરાબ સ્થિતિ અંગે પણ અગાઉ અહેવાલો સામે આવી ચૂક્યા છે. સપ્ટેમ્બર 2026માં બ્રિજના કામ સાથે રસ્તા પરના ખાડાઓના કારણે નારોલ-સરખેજ માર્ગ પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયા હતા.
'20 ફૂટનો પિલર બન્યા પછી અધિકારીઓ શું કરતા હતા?' : કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી
કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી રાજેશ સોનીએ પિલર તોડવાના મુદ્દે સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, 15થી 20 ફૂટ ઊંચો પિલર બની ગયો હતો અને ત્યાર બાદ તેને તોડવામાં આવી રહ્યો છે. જ્યારે આટલો મોટો પિલર બની ગયો ત્યારે અધિકારીઓ શું કરતા હતા? તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે વિકાસના નામે ચાલી રહેલી કામગીરીમાં સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા બેદરકારી થઈ રહી છે અને સમગ્ર મામલો ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરતો હોવાનું જણાઈ રહ્યું છે.
અધિકારીઓએ કોઈ જવાબ ન આપ્યો
આ સંબંધમાં નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારી હાર્દિક શાહ અને ડી.આર.મિસ્ત્રી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તેમણે ફોન ઉપાડ્યો નહતો અને મેસેજનો પણ જવાબ આપ્યો નહોતો.
મહત્વનું છે કે તાજેતરમાં મકરબા રેલવે ઓવરબ્રિજની ડિઝાઇનને લઈને વિવાદ ઊભો થયો હતો. કોર્પોરેટર રોડના ચાર રસ્તા પર જ મકરબા બ્રિજ ઉતરે છે જેના કારણે પિક અવરમાં ભારે ટ્રાફિક જામ સર્જાય છે. આ ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી. હાલ તો કેપ્સ્યુલ ડિઝાઇન કરી યુ-ટર્ન આપી કરોડોના ખર્ચ બાદ સ્થિતિને ઠારવાનો પ્રયાસ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. ખામીયુક્ત ડિઝાઇનના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 6 સપ્ટેમ્બરના રોજ ડેલ્ફ નામની એજન્સીને શો કોઝ નોટીસ ફટકારવામાં આવી હતી, ત્રણ દિવસની અંદર જવાબ આપવા જણાવવામાં આવ્યું છે.




