સુરત પાલિકાની શાળાના શિક્ષકોએ નિવૃત્તિએ સન્માન નહીં, વિદ્યાર્થીઓનું ભવિષ્ય પસંદ કર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat : નિવૃત્તિના દિવસે મોટાભાગના શિક્ષકો શાલ, પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્નોના સન્માન સાથે વિદાય લેતા હોય છે. પરંતુ સુરત પાલિકા શાળાના બે શિક્ષકોએ સન્માન સ્વીકારવાના બદલે વિદ્યાર્થીઓના ભવિષ્યને પોતાની સૌથી મોટી ભેટ બનાવી દીધી. બેન્ચના અભાવે જમીન પર બેસીને અભ્યાસ કરતા બાળકોને જોઈ તેમનું શિક્ષક હૃદય દ્રવી ઉઠ્યું અને તેમણે પોતાની નિવૃત્તિ યાદગાર ક્ષણને વિદ્યાર્થીઓના ઉજ્જવળ આવતીકાલ સાથે જોડી દીધી. શાળાને 15 નવી બેન્ચ અર્પણ કરીને તેમણે માત્ર દાન જ નથી કર્યું, પરંતુ સાચો શિક્ષક ક્યારેય નિવૃત્ત થતો નથી, તે પોતાના સંસ્કાર, સેવાભાવ અને વિદ્યાર્થીઓના ભવિષ્યમાં સદાય જીવંત રહે છે તે ફરી એકવાર સાબિત દીધું છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત વરાછા સ્થિત મહારાણા પ્રતાપ શાળામાં લાંબા સમયથી સેવા બજાવતા વરિષ્ઠ શિક્ષકો હસમુખભાઈ લલ્લુભાઈ ચૌહાણ અને અરજણભાઈ આગામી 31 ઓક્ટોબરથી નિવૃત્ત થઈ રહ્યા છે. શાળા દ્વારા તેમના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ બંને શિક્ષકોએ પોતાના માટે સ્મૃતિચિહ્ન કે ભેટ સ્વીકારવાને બદલે શાળાના વિદ્યાર્થીઓને જ એવી ભેટ આપવાનું પસંદ કર્યું કે જેનો લાભ વર્ષો સુધી મળતો રહેશે.
તાજેતરમાં શિક્ષણ સમિતિની શાળામાં પ્રવેશ માટે વધી રહેલા ધસારાના કારણે મહારાણા પ્રતાપ શાળામાં પણ વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે કેટલાક વિદ્યાર્થીઓને બેન્ચના અભાવે જમીન પર બેસીને અભ્યાસ કરવો પડતો હતો. આ દૃશ્ય બંને શિક્ષકોને સતત વ્યથિત કરતું હતું. અંતે તેમણે પોતાના ખર્ચે શાળાને 15 નવી બેન્ચ ભેટ આપવાનો નિર્ણય લીધો. આ બેન્ચોથી તાત્કાલિક આશરે 50 વિદ્યાર્થીઓને લાભ મળશે, જ્યારે આગામી વર્ષોમાં હજારો વિદ્યાર્થીઓ આ સુવિધાનો ઉપયોગ કરી શકશે. આ બન્ને શિક્ષકોએ નિવૃત્ત પહેલા જ શાળાને બેન્ચનું દાન કરી દીધું હતું.
હસમુખભાઈ ચૌહાણ છેલ્લા બે દાયકાથી શાળામાં વિદ્યાર્થીઓના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. સમયપાલન, શિસ્ત અને નિષ્ઠા માટે તેઓ સમગ્ર શાળામાં ઓળખ ધરાવે છે. શાળાના ભૂતપૂર્વ આચાર્યને અચાનક પેરાલીસીસનો હુમલો આવતાં તેમણે જવાબદારી સ્વીકારી શાળાનું સુકાન સફળતાપૂર્વક સંભાળ્યું હતું. બીજી તરફ અરજણભાઈ પોતે દિવ્યાંગ હોવા છતાં પોતાની શારીરિક મર્યાદાને ક્યારેય ફરજની આડે આવવા દીધી નથી. એક હાથમાં ઘોડીનો ટેકો લઈને તેઓ વર્ષોથી નિયમિત રીતે વર્ગખંડમાં ઊભા રહી વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા રહ્યા છે. તેમણે ક્યારેય વર્ગખંડમાં ખુરશીનો સહારો લીધો નથી. સ્માર્ટ બોર્ડ સહિત આધુનિક શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરીને તેમણે વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ આપ્યું છે. ખાસ કરીને બાળકોના અક્ષરો સુંદર બને અને પાયાનું શિક્ષણ મજબૂત બને તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે.
બંને શિક્ષકોનું માનવું છે કે શિક્ષકની સાચી ઓળખ સન્માન પત્ર કે સ્મૃતિચિહ્નોમાં નથી, પરંતુ તેના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યમાં છે. તેથી જ તેમણે એવી ભેટ પસંદ કરી છે જે વર્ષો સુધી જીવંત રહેશે. મહારાણા પ્રતાપ શાળામાં યોજાયેલો આ વિદાય સમારંભ માત્ર નિવૃત્તિનો કાર્યક્રમ નહોતો, પરંતુ શિક્ષકત્વના સાચા મૂલ્યોનો જીવંત સંદેશ હતો. બેન્ચોનું આ દાન માત્ર શાળાને અપાયેલી ભૌતિક ભેટ નથી, પરંતુ શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા, વિદ્યાર્થી પ્રત્યેના અખૂટ પ્રેમ અને કર્મભૂમિ પ્રત્યેની કૃતજ્ઞતાનું પ્રેરણાદાયી પ્રતીક છે. સુરતના આ બે શિક્ષકો એ સાબિત કરી દીધું કે સાચો શિક્ષક સેવા પરથી નિવૃત્ત થઈ શકે, પરંતુ શિક્ષકત્વમાંથી ક્યારેય નિવૃત્ત થતા નથી. આ સાથે સાથે સુરત પાલિકાની શાળાના નિવૃત્ત થનારા શિક્ષકોએ આપી ગુરુદક્ષિણાની નવી વ્યાખ્યા પણ આપી ગયા છે.
સન્માન અને પ્રસિદ્ધિથી હંમેશાં દૂર રહ્યા ; આગ્રહ બાદ જ યાદગીરી માટે ખેંચાવ્યો એક ફોટો
સુરતની મહારાણા પ્રતાપ શાળાના નિવૃત્ત થઈ રહેલા હસમુખભાઈ લલ્લુભાઈ ચૌહાણ અને અરજણભાઈનું સમગ્ર શિક્ષક જીવન એક જ સિદ્ધાંત પર ચાલ્યું છે સેવા કરો, પરંતુ તેનો પ્રચાર નહીં કદાચ આ જ કારણ છે કે શાળાને 15 બેન્ચ ભેટ આપ્યા બાદ પણ બંને શિક્ષકો કોઇપણ પ્રકારની પ્રસિદ્ધિ કે સન્માનથી દૂર રહેવા માંગતા હતા. શાળા પરિવાર અને સહકર્મીઓએ આ અનોખી પહેલને યાદગાર બનાવવા માટે ફોટોગ્રાફ પાડવાનો આગ્રહ કર્યો હતો, પરંતુ બંને શિક્ષકોએ શરૂઆતમાં તેનો પણ સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. તેમનું માનવું હતું કે કરેલા કાર્યની જાહેરાત કરતાં તે કાર્યનો લાભ મેળવનારા વિદ્યાર્થીઓ વધુ મહત્વના છે. લાંબા આગ્રહ અને સમજાવટ બાદ માત્ર યાદગીરી અને શાળાના રેકોર્ડ માટે જ તેમણે એક ફોટોગ્રાફ પડાવવા સંમતિ આપી હતી. તેમની આ સાદગી અને નિઃસ્વાર્થ ભાવના વિદ્યાર્થીઓ માટે પણ એક જીવનપાઠ સમાન છે. તેમણે સંદેશ આપ્યો છે કે સાચી સેવા એ જ છે, જેમાં નામ કે પ્રસિદ્ધિની અપેક્ષા ન હોય, પરંતુ સમાજ અને વિદ્યાર્થીઓના કલ્યાણનો નિઃસ્વાર્થ ભાવ હોય છે.









