સુરત પાલિકાની તપાસમાં માવામાં ભેળસેળનો ભાંડો ફૂટ્યો : 16 માંથી 2 નમૂના સબ સ્ટાન્ડર્ડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Food Safety : રક્ષાબંધનના તહેવારને પગલે સુરતીઓની મીઠાઈની થાળીમાં ભેળસેળનું ઝેર ન ભળે તે માટે પાલિકાના ફૂડ વિભાગે માવા-મીઠાઈના વેપારીઓ સામે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પાલિકાની તપાસમાં માવાના કુલ 16 નમૂનામાંથી બે નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં માવાની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ બંને નમૂના નિષ્ફળ જાહેર થયા બાદ સંબંધિત સંસ્થાઓ સામે એડજયુડિકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગના અધિકારીઓએ શહેરની 12 સંસ્થાઓમાં સ્થળ તપાસ કરી માવા અને મીઠાઈના વધુ 23 નમૂના પૃથ્થકરણ માટે લીધા છે. આ નમૂનાઓના અહેવાલ આવ્યા બાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 તથા તેના નિયમો હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પાલિકાએ તા.24 ઓગસ્ટે લેવાયેલા સેમ્પલોમાંથી 2 ના રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયા છે. જેમાં કોટ સફીલ રોડ પર આવેલા 'નંદકિશોર એસ.માવાવાલા' અને ખટોદરા સ્થિત 'જય માં વૈષ્ણવી સ્વીટ' ના નમૂના ફેલ થયા છે. આ બંને સંસ્થામાંથી લેવામાં આવેલા દુધના માવાના સેમ્પલમાં મિલ્ક ફેટનું પ્રમાણ ઓછુ જણાયું છે. દુધના માવામાં મિલ્ક ફેટનું પ્રમાણ 30 ટકા હોવું જોઈએ પરંતુ આ સેમ્પલમાં મિલ્ક ફેટ 6 થી 8 ટકા ઓછું આવ્યું છે.
સબ સ્ટાન્ડર્ડ જાહેર થયેલા બંને નમૂનાના સંબંધિત સંસ્થાઓ વિરુદ્ધ એડજયુડિકેટિંગ ઓફિસર સમક્ષ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન માત્ર નમૂના લેવાની કાર્યવાહી સુધી જ પાલિકા અટકી નથી, પરંતુ અયોગ્ય અને શંકાસ્પદ ખાદ્યપદાર્થ સામે પણ કડક પગલાં લેવાયા છે. ફૂડ વિભાગે 419.78 કિલો જેટલો ખાદ્યપદાર્થ નાશ કર્યો છે, જેની અંદાજિત કિંમત રૂ.77,640 થાય છે. જ્યારે વધુ 170 કિલો શંકાસ્પદ ખાદ્યપદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, તેની અંદાજિત કિંમત 40,800 છે. સુરતીઓના તહેવારની મીઠાશમાં ભેળસેળનું ઝેર ભેળવી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામે પાલિકાએ લાલ આંખ કરી છે. રક્ષાબંધન પહેલાં લેવાયેલા 23 નવા નમૂનાના પૃથ્થકરણ અહેવાલમાં શું બહાર આવે છે તેના પર હવે મીઠાઈ વેપારીઓની સાથે ગ્રાહકોની પણ નજર રહેશે.
12 સંસ્થાઓમાંથી માવા-મીઠાઈના 23 નમૂના લેવાયા
અંબિકા માવાવાલા, અલથાણ ટેનામેન્ટ, ભટાર
રાજસ્થાન સ્વીટ એન્ડ ડેરી, શોપ નં. 1 થી 3, રામેશ્વરનગર, બમરોલી
જમનાદાસ ઘારી વાલા, ચોટા બજાર
રાજ મિલન મીઠાઈવાલા, પટેલ સ્ટ્રીટ, ડીંડોલી
શ્રી બાલાજી સ્વીટ એન્ડ બેકરી, રામીપાર્ક સર્કલ, ડીંડોલી
માધવી ડેરી પ્રા.લિ., મુક્તાનંદ નગર, અડાજણ
સૂર્યકિરણ સ્વીટ, બક્ષી ફળીયુ, કતારગામ
મુદીતાની મીઠાઈઓ, નાનપુરા
મા જસોલરાય મીઠાઈવાલા, સોમનાથ કો.ઓ.હા.સો., કાપડીયા હેલ્થ ક્લબ પાછળ, મજુરા
ન્યુ રાજસ્થાની મિષ્ટાન ભંડાર એન્ડ ડેરી, હીરા નગર, પાંડેસરા
અવધ ડેરી એન્ડ સ્વીટ, રોયલ પ્લાઝા, બાપાસીતારામ ચોક, સીમાડા
શ્રી મહાકાલ કેટરર્સ એન્ડ ટ્રેડર્સ, સેલિબ્રેશન ફાર્મ, બીઆરટીએસ રોડ, પુણાગામ




