Surat

સુરત પાલિકાની શાળાના વિદ્યાર્થીઓ જ બન્યા રિપોર્ટર : વિદ્યાર્થીઓ જ બનાવે છે શાળાના ન્યૂઝ બુલેટિન

By GS Team
6 Jul 20263 mins read
TukuTouch Logo
સુરતના ઉત્રાણની મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ક્રમાંક-334એ અનોખી પહેલ કરી છે. અહીં વિદ્યાર્થીઓ જ રિપોર્ટર, ફોટોગ્રાફર અને ન્યૂઝ એન્કર બની શાળાની શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રમતગમત પ્રવૃત્તિઓનું કવરેજ કરી સોશિયલ મીડિયા પર પ્રસારણ કરે છે. આચાર્ય ચેતન હીરપરાના આ પ્રયોગથી વિદ્યાર્થીઓમાં સમાચાર લેખન, સંવાદ અને ટેક્નોલોજીના ઉપયોગ જેવી અનેક આવડતો વિકસી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત પાલિકાની શાળાના વિદ્યાર્થીઓ જ બન્યા રિપોર્ટર : વિદ્યાર્થીઓ જ બનાવે છે શાળાના ન્યૂઝ બુલેટિન

Surat : આજના ડિજિટલ યુગમાં જ્યાં સોશિયલ મીડિયાનો પ્રભાવ સતત વધી રહ્યો છે, ત્યાં વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકી જ્ઞાન પૂરતું મર્યાદિત રાખવાને બદલે જવાબદાર ડિજિટલ નાગરિક તરીકે ઘડવાની જરૂરિયાત ઊભી થઈ છે. આ દિશામાં સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઉત્રાણની એક શાળાએ અનોખી પહેલ કરી છે. અહીં વિદ્યાર્થીઓ જ રિપોર્ટર, ફોટોગ્રાફર અને ન્યૂઝ એન્કર બની પોતાની જ શાળાની શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રમતગમત સહિતની તમામ પ્રવૃત્તિઓનું કવરેજ કરે છે અને સોશિયલ મીડિયા પર તેનું પ્રસારણ પણ કરે છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઉત્રાણની મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા, શાળા ક્રમાંક-334 વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અનેક પ્રયોગ કરી રહી છે. હાલમાં ઈન્ટરનેટ, સોશિયલ મીડીયા અને ડીજીટલ પ્લેટફોર્મના વધતા જતા પ્રભાવમાં સમિતિની શાળાના વિદ્યાર્થીઓ પાછળ ન રહી જાય તે માટે આ શાળાના આચાર્ય ચેતન હીરપરા દ્વારા અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ સમય સાથે આગળ વધે અને ટેકનોલોજીનો સર્જનાત્મક તથા જવાબદાર ઉપયોગ શીખે તે હેતુથી શાળામાં વિદ્યાર્થી સંચાલિત સોશિયલ મિડિયા ટીમની રચના કરી છે. આ ટીમ શાળામાં યોજાતી શૈક્ષણિક, સાંસ્કૃતિક, રમતગમત તેમજ વિવિધ સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું કવરેજ કરે છે. વિદ્યાર્થીઓ જાતે માહિતી એકત્રિત કરે છે, ફોટોગ્રાફી કરે છે, સમાચાર તૈયાર કરે છે અને ત્યારબાદ ન્યૂઝ બુલેટિનના સ્વરૂપમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેનું પ્રસારણ પણ કરે છે.
આચાર્યના જણાવ્યા મુજબ સમગ્ર પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ જ મુખ્ય ભૂમિકા ભજવે છે, જ્યારે શિક્ષકો માત્ર માર્ગદર્શક તરીકે તેમની સાથે રહે છે. પરિણામે વિદ્યાર્થીઓમાં સમાચાર લેખન, અસરકારક સંવાદ, પ્રેઝન્ટેશન સ્કિલ, ટીમવર્ક, નેતૃત્વ ક્ષમતા, સમય વ્યવસ્થાપન અને ટેક્નોલોજીના સર્જનાત્મક ઉપયોગ જેવી અનેક જીવન ઉપયોગી આવડતનો વિકાસ થઈ રહ્યો છે. શાળામાં માત્ર સોશિયલ મીડિયા ટીમ પૂરતી જ નવીનતા મર્યાદિત નથી. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રયોગાત્મક અને સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ સતત યોજવામાં આવે છે. બાળકોમાં આત્મવિશ્વાસ વધે, મંચ પર નિર્ભયતાથી પોતાની વાત રજૂ કરી શકે અને સમાજ સાથે તાલમેલ સાધી શકે તે માટે નિયમિત રીતે નવી પહેલ કરવામાં આવે છે.
અનોખા પ્રયોગથી સરકારી શાળામાં પ્રવેશ માટે વધી રહી છે માગ
ઉત્રાણની મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળામાં કરવામાં આવી રહેલા નવા અને સર્જનાત્મક પ્રયોગોનું સારું પરિણામ જોવા મળી રહ્યું છે. આજે ઉત્રાણ સહિત આસપાસના વિસ્તારોમાં ઘણા વાલીઓ પોતાના બાળકોને આ સરકારી શાળામાં પ્રવેશ અપાવવા માટે ઉત્સુક છે. દર વર્ષે અહીં પ્રવેશ માટે સારી માંગ રહે છે.જેના કારણે વેઈટીંગ લિસ્ટર બનાવવું પડી રહ્યું છે. શાળામાં ગુણવત્તાસભર શિક્ષણની સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. અભ્યાસ ઉપરાંત રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો, નવીન પ્રવૃત્તિઓ અને સોશિયલ મીડિયા ટીમ જેવા પ્રયોગોના કારણે બાળકોમાં આત્મવિશ્વાસ અને વિવિધ આવડતોનો વિકાસ થઈ રહ્યો છે. આચાર્ય અને શિક્ષકોના પ્રયાસોથી શાળાએ વિસ્તારના વાલીઓમાં વિશ્વાસ ઉભો કર્યો છે. જેના કારણે આજે આ સરકારી શાળા અનેક પરિવારો માટે પ્રથમ પસંદગી બની રહી છે.