સુરતમાં ખાડીપૂર બાદ કાદવ-કચરાનું સામ્રાજ્ય, આવતીકાલ સુધીમાં સફાઈ કરવા પાલિકા અધિકારીઓને સૂચન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News: સુરતમાં ખાડીપૂરની સ્થિતિને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું. અનેક વિસ્તારો, દુકાનોમાં પાણી ફરી વળ્યા, રસ્તાઓ પર કચરાની ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. આજે(10 જુલાઈ) સુરત પાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી. જેમાં અધિકારીઓને શનિવાર(11 જુલાઈ) સુધીમાં પ્રથમ તબક્કાની સફાઈ પૂર્ણ કર્યા બાદ તરત જ માઇક્રો ક્લિનિંગ શરૂ કરવા, આરોગ્ય સેવાઓને વધુ સઘન બનાવવાની સાથે અસરગ્રસ્ત એવા ડુંભાલ, ડીંડોલી અને ગોડાદરા સહિતના વિસ્તારોમાં વધારેલા પાણી પુરવઠા સાથે લોકોને તાત્કાલિક રાહત પહોંચાડવાની તાકીદ કરી હતી. તેવામાં ફાયર બ્રિગેડના હાઈ-પ્રેશર જેટથી સોસાયટીઓ અને રસ્તાઓની ધોવાણ કામગીરી હાથ ધરાઈ છે.
સ્થાયી સમિતિ અધ્યક્ષે શું કહ્યું?
સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું હતું કે, ખાડી પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને હાલ જે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેનું તાત્કાલિક નિરાકરણ લાવવાની કામગીરી શરૂ કરાઈ છે. જેમાં સફાઈ, આરોગ્ય અને આવશ્યક સેવાઓમાં કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. આવતીકાલ શનિવાર સુધીમાં પ્રથમ તબક્કામાં મુખ્ય માર્ગો, સોસાયટીઓ, રહેણાંક વિસ્તારો અને જાહેર સ્થળોએ જમા થયેલા કાદવ, કચરો અને ગંદકી દૂર કરાશે. ત્યારબાદ બીજા તબક્કામાં માઇક્રો ક્લિનિંગ હાથ ધરાશે. જેમાં આંતરિક રસ્તાઓ, ગલીઓ, ડ્રેનેજ લાઈનની આસપાસના વિસ્તારો અને અન્ય સ્થળોની ઝીણવટભરી સફાઈ કરવામાં આવશે.
પૂર બાદ રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગને સૂચના
સ્થાયી સમિતિમાં જણાવ્યા અનુસાર, પૂર બાદ રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગને પણ વિશેષ સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારમાં જંતુનાશક દવાનો છંટકાવ, ફોગિંગ, આરોગ્ય સર્વે, પીવાના પાણીની ગુણવત્તાની ચકાસણી તેમજ જરૂરિયાત મુજબ તબીબી ટીમ તૈનાત કરાશે. લોકોને સ્વચ્છ પાણી અને સ્વચ્છ વાતાવરણ મળી રહે તે માટે આરોગ્ય અને સફાઈ વિભાગો સંયુક્ત રીતે કામગીરી કરશે.
પાણી પુરવઠાનો રોજનો એક કલાક વધારાયો
અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીની વધેલી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડુંભાલ, ડીંડોલી અને ગોડાદરા વિસ્તારમાં ગઈકાલથી પાણી પુરવઠાનો સમય રોજ એક કલાક વધારવામાં આવ્યો છે. સફાઈ કામગીરી દરમિયાન લોકોને પીવાના પાણીની કોઈ મુશ્કેલી ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પાલિકા તંત્રએ જણાવ્યું છે.
બીજી તરફ, ફાયર બ્રિગેડના હાઈ-પ્રેશર વોટર જેટ દ્વારા સોસાયટીઓ, મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારમાં કાદવ અને ગંદકી ધોઈ કાઢવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સફાઈ કર્મચારીઓ પણ સતત મેદાનમાં રહી કચરો ઉપાડવા અને અસરગ્રસ્ત વિસ્તારોની ઝડપથી સ્વચ્છ બનાવવા પ્રયાસ કરી રહ્યા છે.









