સુરત પાલિકાની ફરજ નિભાવતા અધિકારીનું અવસાન, વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દેહદાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સુરત મહાનગર પાલિકાના સુમન સેલના વડા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઈન્ચાર્જ શાસનાધિકારી ધર્મેશ પટેલનું આજે વહેલી સવારે ટૂંકી માંદગી બાદ નિધન થતાં પાલિકાના વહીવટી તંત્રમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. અત્યંત શાંત, સૌમ્ય અને મૃદુ સ્વભાવના ધર્મેશ પટેલના અચાનક અવસાનથી તેમના પરિવારજનો, મિત્રો અને સાથી અધિકારીઓમાં દુઃખની લાગણી જોવા મળી હતી. જોકે, મૃત્યુ બાદ પણ વિદ્યાર્થીઓના અભ્યાસમાં તેમનો દેહ ઉપયોગી બને તે માટે પરિવાર દ્વારા દેહદાનનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ધર્મેશ પટેલ લાંબા સમયથી સુરત મહાનગર પાલિકામાં ફરજ બજાવતા હતા અને સુમન સેલની કામગીરી સંભાળતા હતા. થોડા સમય પહેલાં જ તેમની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઈન્ચાર્જ શાસનાધિકારી તરીકે પણ વરણી કરવામાં આવી હતી. પાલિકાની બંને મહત્વની જવાબદારી સંભાળતી વખતે તેઓ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સૌમ્ય વ્યવહાર તથા નિષ્ઠાપૂર્વકની કામગીરી માટે જાણીતા હતા.
મળતી માહિતી મુજબ, ગત શુક્રવારે ધર્મેશ પટેલ સરકારી કામ અર્થે ગાંધીનગર ગયા હતા. ગાંધીનગરથી પરત ફરતી વખતે તેમની તબિયત અચાનક નાદુરસ્ત થતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસથી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જોકે, આજે વહેલી સવારે સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. ધર્મેશ પટેલ મૂળ બારડોલી ખાતે રહેતા હોવાનું જાણવા મળ્યું છે. તેમના નિધનના સમાચારથી પાલિકાના વહીવટી તંત્રમાં ભારે આઘાતની લાગણી પ્રસરી હતી. સાથી અધિકારીઓ અને કર્મચારીઓએ તેમના નિધનથી પાલિકાએ એક નિષ્ઠાવાન અને સૌમ્ય અધિકારી ગુમાવ્યો હોવાનું જણાવ્યું હતું. દરમિયાન ધર્મેશ પટેલના પરિવાર દ્વારા તેમના પાર્થિવ દેહનું દેહદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓના અભ્યાસ અને તબીબી શિક્ષણમાં પાર્થિવ દેહ ઉપયોગી બને તે હેતુથી દેહદાન કરવામાં આવશે. આવતીકાલે સવારે 9 વાગ્યાથી તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. સગાં-સંબંધીઓ, મિત્રો, સાથી અધિકારીઓ તથા કર્મચારીઓ અંતિમ દર્શન કરી શકશે. ત્યારબાદ પાર્થિવ દેહને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે દેહદાનની પ્રક્રિયા માટે લઈ જવામાં આવશે. પાલિકાની ફરજ દરમિયાન નિષ્ઠા અને સેવાભાવ સાથે કામગીરી કરનાર ધર્મેશ પટેલે મૃત્યુ બાદ પણ દેહદાનના નિર્ણયથી સમાજ અને વિદ્યાર્થીઓ માટે સેવા કરવાની ભાવના જાળવી રાખી છે. તેમના દેહદાનના આ નિર્ણયને પાલિકા વર્તુળોમાં પણ સેવાભાવનું ઉદાહરણ ગણવામાં આવી રહ્યું છે.




