Surat

રક્ષાબંધન પૂર્વે સતત બીજા દિવસે સુરત પાલિકા તંત્ર એક્શનમાં ઃ માવા બાદ આજે મીઠાઈના એકમો પર દરોડા

By GS Team
25 Aug 20262 mins read
TukuTouch Logo
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે રક્ષાબંધન પૂર્વે સતત બીજા દિવસે કાર્યવાહી કરી હતી. ગઈકાલે માવાના હોલસેલ વિક્રેતાઓ પર દરોડા બાદ આજે શહેરના વિવિધ ઝોનમાં મિઠાઈનું વેચાણ કરતા 8થી વધુ એકમો પર ચેકિંગ હાથ ધરાયું હતું. 10 ટીમો દ્વારા સેન્ટ્રલ, અઠવા, કતારગામ સહિતના વિસ્તારોમાંથી મિઠાઈના સેમ્પલ લઈ તપાસ અર્થે લેબોરેટરી મોકલાયા. ભેળસેળ રોકવા આ કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રક્ષાબંધન પૂર્વે સતત બીજા દિવસે સુરત પાલિકા તંત્ર એક્શનમાં ઃ માવા બાદ આજે મીઠાઈના એકમો પર દરોડા

Surat Food Safety : રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગ સતત બીજા દિવસે એક્શન મોડમાં આવ્યું છે. ગઈકાલે માવાના હોલસેલ વિક્રેતાઓ સામે કાર્યવાહી કર્યા બાદ આજે વહેલી સવારથી શહેરમાં મિઠાઈનું વેચાણ કરતાં એકમો પર આરોગ્ય વિભાગની ટીમોએ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરના વિવિધ ઝોનમાં એકસાથે ચેકિંગ કરીને મિઠાઈના સેમ્પલ લેવામાં આવ્યા હતા.
આરોગ્ય વિભાગની કુલ 10 ટીમો દ્વારા સેન્ટ્રલ, અઠવા, કતારગામ, વરાછા, રાંદેર સહિતના ઝોનમાં મિઠાઈના એકમોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. બપોર સુધીમાં આઠથી વધુ એકમોમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તમામ નમૂનાઓને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આજે કરવામાં આવેલી કાર્યવાહીમાં રાંદેર ઝોન વિસ્તારમાં 24 કેરેટ, બાબુભાઈ, મોહન મિઠાઈ, મોતી હરજી, ઠાકોરની મિઠાઈ સહિતના મિઠાઈ વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. જ્યારે ઘોડદોડ રોડ વિસ્તારમાં શિવશક્તિ તથા રાંદેર વિસ્તારમાં વિજય ડેરીમાંથી પણ મિઠાઈના નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત ચોર્યાસી ડેરી અને સુમુલ ડેરીમાંથી પણ મિઠાઈના સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા. રક્ષાબંધન જેવા તહેવારો દરમિયાન મિઠાઈની માંગમાં મોટો વધારો થતો હોવાથી ભેળસેળ અને અખાદ્ય પદાર્થોના વેચાણને અટકાવવા પાલિકાના આરોગ્ય વિભાગે ચેકિંગનો ધમધમાટ શરૂ કર્યો છે. ગઈકાલે માવાનું વેચાણ કરતાં આશરે 15 એકમો સામે કાર્યવાહી કર્યા બાદ આજે મિઠાઈના એકમોને નિશાન બનાવવામાં આવ્યા છે. સેમ્પલના લેબોરેટરી રિપોર્ટ બાદ જો મિઠાઈમાં ભેળસેળ કે ગુણવત્તા અંગેની ખામી સામે આવશે તો નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
તહેવાર પહેલાં ‘માવા’ બાદ હવે ‘મિઠાઈ’ પર નજર ગઈકાલે માવાના જથ્થા અને ગુણવત્તાને લઈને દરોડા પાડ્યા બાદ આજે સીધી મિઠાઈની દુકાનો અને ઉત્પાદન-વેચાણ કરતાં એકમો સુધી આરોગ્ય વિભાગ પહોંચ્યો છે. સતત બે દિવસથી ચાલી રહેલી કાર્યવાહીને પગલે તહેવારની મિઠાઈમાં ભેળસેળ કરતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.