કોના બાપની દિવાળી! સુરત મનપાની સામાન્ય સભામાં 750 રૂપિયા કિલોના 1 લાખના ભજીયા ઝાપટી જવાયા, પ્રજાના પૈસામાં કરકસર નહીં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Municipal Corporation Bhajiya Controversy: સુરત પાલિકામાં પ્રજાના પૈસાનો ખર્ચ કરતી વખતે કરકસરના નિયમો જાણે ભૂલાઈ જતા હોય તેમ દિવાળી પહેલાંની છેલ્લી સામાન્ય સભામાં મોંઘા ભજીયાની મિજબાનીનો મામલો ચર્ચામાં આવ્યો છે. સામાન્ય સુરતીઓ બજારમાં 350થી 500 રૂપિયા કિલોના ભાવે ભજીયા ખરીદે છે, પરંતુ પાલિકાની સામાન્ય સભામાં નગરસેવકો અને અન્ય લોકો માટે 800 રૂપિયા કિલોના ભજીયા મંગાવવામાં આવ્યા હતા. તેમાં પણ માત્ર 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી 750 રૂપિયા કિલોના ભાવે 130 કિલોથી વધુ ભજીયા મંગાવાયા હોવાનું સામે આવ્યું છે. આમ, માત્ર ભજીયા પાછળ જ 1 લાખ રૂપિયાની આસપાસનો ખર્ચ થયો હોવાની ચર્ચાએ સવાલો ઊભા કર્યા છે.
પ્રજાના પૈસે મોંઘી મિજબાનીનો ઓડકાર!
ચંદની પડવાના તહેવાર નિમિત્તે ઘારીનું બિલ આશરે 20 હજાર રૂપિયા થયું, જ્યારે ભજીયાનું બિલ તેના કરતાં પાંચ ગણું હોવાનું કહેવાય છે. શહેરમાં અડધા ભાવે ભજીયા મળતા હોવા છતાં મેયર અને શાસકોને આટલા મોંઘા ભજીયા મંગાવવાની ફરજ કેમ પડી? પ્રજાની તિજોરીમાંથી ખર્ચ કરવાનો હોય એટલે ભાવ જોવાની જરૂર જ નહીં? તેવા સવાલો સાથે પાલિકામાં 'કોના બાપની દિવાળી?' અને 'દલાતરવાડી જેવો ઘાટ' થયાની કટાક્ષભરી ચર્ચા શરૂ થઈ છે.

બજારમાં 350થી 500 રૂપિયા કિલોના ભાવે ભજીયા મળે છે!
સુરતીઓ ખાવાપીવાના શોખીન છે અને તેમાં પણ ભજીયા સુરતીઓની ઓળખ સમાન છે. જોકે, પાલિકાની સામાન્ય સભામાં પીરસાયેલા ભજીયાનો ભાવ સાંભળીને ભજીયાના શોખીનો પણ ચોંકી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. દિવાળી પહેલાં યોજાયેલી છેલ્લી સામાન્ય સભામાં નગરસેવકો ઉપરાંત અધિકારીઓ અને અન્ય હાજર લોકો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમાં શહેરના સૌથી મોંઘા ગણાતા ભજીયા મંગાવવાનો નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે. બજારમાં સામાન્ય રીતે 350થી 500 રૂપિયા કિલોના ભાવે ભજીયા ઉપલબ્ધ હોવા છતાં 800 રૂપિયા કિલોના ભજીયા પસંદ કરવામાં આવ્યા હતા.
મોટો ઓર્ડર છતાં કિલોએ માત્ર 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ
આશ્ચર્યની વાત એ છે કે આટલી મોંઘી ખરીદીમાં પણ પાલિકાને કિલોએ માત્ર 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળ્યું હતું. આમ, 750 રૂપિયા કિલોના ભાવે 130 કિલોથી વધુ ભજીયા મંગાવાતાં તેનું બિલ 1 લાખ રૂપિયાની આસપાસ પહોંચ્યું હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ચંદની પડવાના તહેવાર નિમિત્તે સામાન્ય સભામાં ઘારી પણ પીરસવામાં આવી હતી. ઘારીનો કિલોદીઠ ભાવ પણ ભજીયાની નજીક હોવા છતાં તેનું કુલ બિલ આશરે 20 હજાર રૂપિયા હોવાનું કહેવાય છે. તેની સામે માત્ર ભજીયા પાછળ પાંચ ગણો ખર્ચ થયો હોવાની ચર્ચા છે.
પાલિકાની તિજોરીમાં જમા થતા નાણાં પ્રજાના વેરામાંથી આવે છે. ત્યારે સામાન્ય સભાના નાસ્તા માટે બજારભાવ કરતાં આટલા મોંઘા ભજીયા મંગાવવાની જરૂરિયાત શું હતી તે સવાલનો જવાબ મળવો જરૂરી છે. દિવાળીની ઉજવણીના નામે ખર્ચ કરવામાં વાંધો ન હોઈ શકે, પરંતુ પ્રજાના પૈસે મોંઘી મિજબાની યોજાય અને તેમાં કરકસરનો વિચાર જ ન થાય તો સવાલો ઊભા થાય તે સ્વાભાવિક છે. હવે આ ખર્ચને કોણે મંજૂરી આપી અને મોંઘા ભજીયાની પસંદગી કયા આધારે કરવામાં આવી તે અંગે સ્પષ્ટતા થાય તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.




