Sports

30 ઓક્ટોબરથી હોંગકોંગ સિક્સેસ ટુર્નામેન્ટ : ભારત-પાકિસ્તાન વચ્ચે જામશે મહામુકાબલો, જુઓ અનોખા નિયમો સહિત સંપૂર્ણ વિગત

By GS Team
29 Oct 20264 mins read
TukuTouch Logo
હોંગકોંગ સિક્સેસ 2026 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ 30 ઓક્ટોબરથી મોંગ કોક ખાતે થશે. આ 6-6 ખેલાડીઓની ટૂર્નામેન્ટમાં 12 ટીમો ભાગ લેશે. ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચ 30 ઓક્ટોબરે સવારે 11:45 વાગ્યે રમાશે. ભારતીય ટીમની કપ્તાની કૃણાલ પંડ્યા કરશે. પાકિસ્તાન 6 વખત ચેમ્પિયન બન્યું છે, જ્યારે ભારત 2005માં વિજેતા બન્યું હતું.

Summarized by AI; it may make mistakes. Check important info

30 ઓક્ટોબરથી હોંગકોંગ સિક્સેસ ટુર્નામેન્ટ : ભારત-પાકિસ્તાન વચ્ચે જામશે મહામુકાબલો, જુઓ અનોખા નિયમો સહિત સંપૂર્ણ વિગત

Hong Kong Sixes 2026, India Vs Pakistan Cricket Match : હોંગકોંગ સિક્સેસ 2026 ક્રિકેટ ટૂર્નામેન્ટનો રોમાંચક પ્રારંભ શુક્રવાર, 30 ઓક્ટોબરથી મોંગ કોકના મિશન રોડ ગ્રાઉન્ડ પર થઈ રહ્યો છે, જ્યાં ક્રિકેટ રસિકોને પહેલા જ તબક્કામાં ભારત-પાકિસ્તાન વચ્ચેની હાઈ-વોલ્ટેજ ટક્કર જોવા મળશે. ત્રણ દિવસ ચાલનારી આ ઝડપી અને મનોરંજક સ્પર્ધામાં 6-6 ખેલાડીઓની 12 ટીમો ટ્રોફી માટે મેદાનમાં ઉતરશે અને રવિવાર, 1 નવેમ્બરે ફાઈનલ મેચ રમાશે. ભારતીય ટીમની કપ્તાની કૃણાલ પંડ્યાને સોંપવામાં આવી છે. ટૂર્નામેન્ટના તમામ સમય ભારતીય સ્ટાન્ડર્ડ ટાઈમ (IST) મુજબ રહેશે.

ભારત-પાકિસ્તાન બંને ટીમોને એક જ ગ્રુપ Cમાં

ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ આ સમગ્ર ટૂર્નામેન્ટનું સૌથી મોટું આકર્ષણ બની રહેશે. બંને કટ્ટર હરીફ ટીમો શુક્રવારે સવારે 11:45 વાગ્યે આમને-સામને ટકરાશે. ભારત-પાકિસ્તાન બંને ટીમોને એક જ ગ્રુપ Cમાં રાખવામાં આવી છે. આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનનો દબદબો રહ્યો છે અને તે ડિફેન્ડિંગ ચેમ્પિયન હોવા ઉપરાંત 1997, 2001, 2002, 2011 અને 2025 સહિત કુલ 6 વખત ખિતાબ જીતી ચૂક્યું છે. ખાસ વાત એ છે કે, જ્યારે આ ટૂર્નામેન્ટ સૌપ્રથમ વખત યોજાઈ હતી ત્યારે પણ પાકિસ્તાને ભારતને હરાવીને જ ટ્રોફી જીતી હતી. પાકિસ્તાન રેકોર્ડ 12 વખત આ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચી ચૂક્યું છે, તેથી ભારતીય ટીમ સામે જૂનો બદલો લેવા સાથે વિજયી શરૂઆત કરવાનો મોટો પડકાર રહેશે.

ભારતીય ટીમ કુલ 3 વખત ફાઈનલમાં પહોંચી

ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં છેલ્લે 2005માં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું હતું. ભારતીય ટીમ કુલ 3 વખત ફાઈનલમાં પહોંચી છે, જેમાં 1 વખત વેસ્ટ ઈન્ડિઝ સામે અને 1 વખત પાકિસ્તાન સામે હાર મળી હતી. આ વખતે ભારતની ખૂબ સંતુલિત ટીમ મેદાનમાં ઉતરી રહી છે. અગાઉ ભુવનેશ્વર કુમારની પણ આ ટીમમાં પસંદગી થઈ હતી, પરંતુ ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણીમાં સ્થાન મળવાને કારણે તેઓ આ પ્રવાસમાંથી બહાર થયા હતા. કેપ્ટન કૃણાલ પંડ્યાની સાથે નીતિશ રાણા, ટી. નટરાજન, રાહુલ ત્રિપાઠી, રાહુલ તેવતિયા અને શશાંક સિંહ જેવા જાણીતા ખેલાડીઓ ભારત માટે 21 વર્ષ જૂનો ટ્રોફીનો દુકાળ ખતમ કરવા જોર લગાવશે. અન્ય દેશોની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ 5-5 વખત, શ્રીલંકા 2 વખત તેમજ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ 1-1 વખત વિજેતા બની ચૂક્યા છે.

ટુર્નામેન્ટમાં કુલ 12 ટીમો

આખી સ્પર્ધામાં ભાગ લેતી 12 ટીમોને 3-3 ટીમોના 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે.

  • ગ્રુપ Aમાં ઓસ્ટ્રેલિયા, યજમાન હોંગકોંગ અને ઈંગ્લેન્ડ છે.
  • ગ્રુપ Bમાં બાંગ્લાદેશ, સ્કોટલેન્ડ અને શ્રીલંકા સામેલ છે.
  • ગ્રુપ Cમાં ભારત અને પાકિસ્તાનની સાથે યુનાઈટેડ આરબ અમીરાત (UAE) મુકાબલો કરશે.
  • ગ્રુપ Dમાં દક્ષિણ આફ્રિકા, ઓમાન અને અફઘાનિસ્તાનની ટીમો ટકરાશે.

ઓસ્ટ્રેલિયા અને હોંગકોંગની મેચથી શરૂ થશે ટુર્નામેન્ટ

ટૂર્નામેન્ટની શરૂઆત શુક્રવારે ઓસ્ટ્રેલિયા અને હોંગકોંગ વચ્ચેની મેચથી થશે. ભારતીય ટીમ પોતાની બીજી ગ્રુપ મેચ 31 ઓક્ટોબરે રમશે. દરેક ગ્રુપમાં ટોચ પર રહેનારી ટીમ સીધી મુખ્ય સેમિફાઈનલમાં જશે, જ્યારે બીજા ક્રમની ટીમો પ્લેટ ગ્રુપની સેમિફાઈનલ અને ત્રીજા સ્થાને રહેનારી ટીમો બાઉલ ગ્રુપની સેમિફાઈનલમાં ભાગ લેશે.

ક્રિકેટના સામાન્ય નિયમોથી સાવ અલગ અને રોમાંચક ફોર્મેટ

હોંગકોંગ સિક્સેસના નિયમો સામાન્ય ક્રિકેટથી તદ્દન અલગ છે જેથી રમત વધુ ઝડપી અને સ્કોરિંગ બને. એક ટીમમાં માત્ર 6 ખેલાડીઓ હોય છે અને આખી ઇનિંગ્સ માત્ર 6 ઓવરની હોય છે. વિકેટકીપર સિવાય ટીમના બાકીના 5 ખેલાડીઓએ ફરજિયાતપણે 1-1 ઓવર ફેંકવી પડે છે. આ ફોર્મેટમાં નો-બોલ પર કોઈ ફ્રી હિટ આપવામાં આવતી નથી, પરંતુ નો-બોલ અને વાઈડ બોલ માટે 1ની જગ્યાએ સીધા 2 વધારાના રન મળે છે. આ ઉપરાંત કોઈ બેટ્સમેન અંગત 50 રન પૂરા કરે એટલે તેણે તરત રિટાયર થવું પડે છે, જોકે છેલ્લે ટીમના તમામ ખેલાડીઓ આઉટ થઈ જાય તો તે ફરીથી બેટિંગમાં આવી શકે છે.

તમામ 12 ટીમોની સંપૂર્ણ સ્ક્વોડ

  • ભારત: કૃણાલ પંડ્યા (કેપ્ટન), શશાંક સિંહ, રાહુલ તેવતિયા, નીતિશ રાણા, રાહુલ ત્રિપાઠી, ટી. નટરાજન અને કુલવંત ખેજરોલિયા.
  • પાકિસ્તાન: અબ્બાસ આફ્રિદી (કેપ્ટન), અબ્દુલ સમદ, અહમદ દાનિયાલ, મુહમ્મદ ઈરફાન ખાન, ખ્વાજા નફે, મુહમ્મદ શહેઝાદ અને સાદ મસૂદ.
  • ઓસ્ટ્રેલિયા: ક્રિસ ગ્રીન (કેપ્ટન), જેક વૂડ, મેક્સ બ્રાયન્ટ, નિક હોબસન, કેન રિચાર્ડસન, એલેક્સ રોસ અને મેટ કેલી.
  • હોંગકોંગ, ચીન: યાસિમ મુર્તઝા (કેપ્ટન), બાબર હયાત, અંશુમાન રથ, એહસાન ખાન, ઐઝાઝ ખાન, નિઝાકત ખાન અને નસરૂલ્લા રાણા.
  • બાંગ્લાદેશ: અબૂ હૈદર રોની (કેપ્ટન) (સાબિર રહેમાન), હબીબુર રહેમાન સોહાન, ચૌધરી મોહમ્મદ રિઝવાન, અહરાર અમીન, મોહમ્મદ સામિઉન બાસિર રતુલ અને મૃત્તુંજય ચૌધરી.
  • શ્રીલંકા: સંગીત કૂરાય (કેપ્ટન), સચિતા જયતિલકે, રવિંદુ ફર્નાન્ડો, વિશેન હલંબાગે, મોવિન સુબાસિંઘે, મુધિતા લક્ષણ અને ચમિન્દુ વિજેસિંઘે.
  • અફઘાનિસ્તાન: ગુલબદીન નૈબ (કેપ્ટન), સેડિઓ પાચા, ઈમરાન મીર, કરીમ જનત, નંગયાલઈ ખાન, ફરમાનુલ્લાહ સફી અને અબ્દુલ રહેમાન.
  • દક્ષિણ આફ્રિકા: અયાબુલેલા ગક્વામાને (કેપ્ટન), જોરિચ વાન શાલ્કવિક, સ્ટીવ સ્ટોલ્ક, અબ્દુલ્લા બાયૂમી, અલિંદિલે મ્લેતિવા, હીથ રિચાર્ડ્સ અને બ્લેક સિમ્પસન.
  • સંયુક્ત આરબ અમીરાત (UAE): ખાલિદ શાહ (કેપ્ટન), અંશ ટંડન, મારુફ મર્ચન્ટ, મોહમ્મદ ફરાજઉદ્દીન, મુહમ્મદ ફારૂક, મુહમ્મદ ઝુહૈબ અને ઝાહિદ અલી.
  • ઈંગ્લેન્ડ: જોન સિમ્પસન (કેપ્ટન), એડવર્ડ બાર્નાર્ડ, ફિન હડસન-પ્રેન્ટિસ, જેક કાર્સન, માર્ટિન એન્ડરસન, ડેનિયલ મૌસલી અને નાથન ગિલક્રિસ્ટ.