કરવા ચોથના તહેવારે સોના-ચાંદીના ભાવમાં કડાકો: ચાંદીમાં રૂ.4700 અને સોનામાં રૂ.700નો ઘટાડો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Today Gold-Silver Price : કરવા ચોથના પર્વ પર સોના અને ચાંદીના બજારમાં મોટો ઘટાડો નોંધાયો છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરો સ્થિર રાખવામાં આવ્યા હોવા છતાં સ્થાનિક અને વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓમાં ભારે નરમાઈ જોવા મળી હતી. ભારે પ્રોફિટ બુકિંગ અને વૈશ્વિક સંકેતો વચ્ચે ગઈકાલના બંધ ભાવની સરખામણીએ ચાંદીમાં પ્રતિ કિલો રૂ.4,710 સુધીનો મોટો કડાકો બોલી ગયો હતો, જ્યારે સોનાના ભાવમાં પણ પ્રતિ 10 ગ્રામ રૂ.717 નો ઘટાડો નોંધાયો છે.
MCX સોનાના ભાવમાં ઘટાડો
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના 04 ડિસેમ્બર 2026 કોન્ટ્રાક્ટમાં ગુરુવારે ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ગઈકાલે 1,43,705 ના સ્તરે બંધ થયેલું સોનું આજે 1,43,668 ના ભાવે ખૂલ્યું હતું. દિવસ દરમિયાન તે વધીને 1,43,920 ના ઊંચા સ્તર સુધી પહોંચ્યું હતું, જ્યારે નીચામાં 1,42,839 સુધી સરકી ગયું હતું. રાત્રે 9.00 વાગ્યા સુધીના અપડેટ અનુસાર, MCX પર 10 ગ્રામ સોનું 1,42,988 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું. આમ, ગઈકાલના બંધ ભાવની સામે સોનામાં પ્રતિ 10 ગ્રામ ચોખ્ખો રૂ.717 નો ઘટાડો નોંધાયો છે.
ચાંદીના ભાવમાં પ્રતિ કિલો રૂ.4,710 સુધીનો મોટો કડાકો
MCX પર ચાંદીના 04 ડિસેમ્બર 2026 કોન્ટ્રાક્ટમાં ભારે વેચવાલી જોવા મળી હતી. ગઈકાલે પ્રતિ કિલો 1,94,325 ના સ્તરે બંધ થયેલી ચાંદી આજે 1,92,643 પર ખૂલી હતી. કારોબાર દરમિયાન તે ઉપરમાં 1,93,912 સુધી ગયા બાદ અચાનક તૂટીને 1,89,615 ના નીચલા સ્તરે પહોંચી ગઈ હતી. ગઈકાલના બંધ ભાવ (1,94,325) ની સરખામણીએ ચાંદીમાં પ્રતિ કિલો મહત્તમ રૂ.4,710 સુધીનો મોટો કડાકો નોંધાયો હતો, જેના કારણે ચાંદીએ રૂ.1.90 લાખનું મહત્વનું સ્તર પણ ગુમાવ્યું હતું. જોકે રાત્રે 9.00 વાગ્યા સુધીના અપડેટ અનુસાર, નીચલા સ્તરેથી થોડો સુધારો થતાં ચાંદી પ્રતિ કિલો 1,90,432 ના સ્તરે ટ્રેડ થઈ રહી હતી, જે ગઈકાલના બંધ ભાવથી રૂ.3,893 નો ઘટાડો દર્શાવે છે.
ભાવમાં અચાનક મોટા ઘટાડા પાછળના કારણો
બજારના વિશ્લેષકો અનુસાર, આ ઘટાડા પાછળ મુખ્યત્વે નીચે મુજબના 4 મોટા પરિબળો જવાબદાર રહ્યા છે:
- યુએસ ફેડના વ્યાજદર અંગે આશંકા: યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજદરોને 3.75% થી 4% વચ્ચે સ્થિર રાખ્યા છે, પરંતુ બે સભ્યોએ 0.25 ટકા વધારવાનું સમર્થન કરતાં આગામી ડિસેમ્બરમાં વ્યાજદર વધવાની આશંકા ઊભી થઈ છે, જેના કારણે બુલિયન માર્કેટ પર દબાણ વધ્યું છે.
- બોન્ડ યીલ્ડ અને ડોલરમાં મજબૂતી: રોકાણકારો અમેરિકી બોન્ડ યીલ્ડ અને વૈશ્વિક બજારમાં મજબૂત થઈ રહેલા અમેરિકન ડોલર પર સતત નજર રાખી રહ્યા છે, જેના કારણે સોના-ચાંદીમાં નવી ખરીદી અટકી છે.
- મોટા પાયે પ્રોફિટ બુકિંગ: તાજેતરના સમયમાં કિંમતી ધાતુઓમાં આવેલા જંગી ઉછાળા બાદ રોકાણકારોએ ઊંચા મથાળે નફો વસૂલવા માટે મોટા પાયે વેચવાલી શરૂ કરી છે, જેનાથી કિંમતો નીચે આવી છે.
- ઔદ્યોગિક માંગ નબળી પડવાની ચિંતા: ઇલેક્ટ્રોનિક્સ અને સોલાર એનર્જી જેવા ક્ષેત્રોમાં ચાંદીની ઔદ્યોગિક માંગ ઘટવાની આશંકા ઊભી થતાં તેમજ બજારમાં જોખમ લેવાની ક્ષમતા ઘટવાને લીધે સોના કરતાં ચાંદી પર વધુ મોટું દબાણ જોવા મળ્યું છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીની સ્થિતિ
વૈશ્વિક બજારોમાં પણ બંને કિંમતી ધાતુઓમાં નબળાઈ જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 0.42% ઘટીને 4,034.45 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવમાં 2.47% નો મોટો કડાકો બોલાયો છે અને તે 52.355 ડોલર પ્રતિ ઔંસના સ્તરે આવી ગઈ છે.
શું અત્યારે ખરીદી કરવી યોગ્ય રહેશે?
બજારના નિષ્ણાતોનું માનવું છે કે માત્ર ભાવ ઘટવાના કારણે તાત્કાલિક ખરીદી કરવાની ઉતાવળ કરવી યોગ્ય નથી. આગામી દિવસોમાં યુએસ મોંઘવારીના આંકડા, ફેડના વ્યાજદર અંગેના વલણ અને વૈશ્વિક બજારની ચાલ પર નજર રાખવી જરૂરી છે. જો લગ્નપ્રસંગ કે તહેવાર માટે ખરીદી કરવાની યોજના હોય, તો સમગ્ર ખરીદી એકસાથે કરવાના બદલે અલગ-અલગ તબક્કામાં વહેંચીને કરવી વધુ સારો વિકલ્પ બની શકે છે.




