Sports

જાણીતા ફૂટબોલર નેમાર સામે મોટી કાર્યવાહી, મોઢું સંતાડી ઝઘડ્યો હતો, હવે 3 મેચનો બૅન મૂકાયો

By GS Team
29 Oct 20262 mins read
TukuTouch Logo
બ્રાઝિલના ફૂટબોલર નેમાર જુનિયરને 25 ઓક્ટોબરે બહિયા અને સેન્ટોસ મેચમાં મોઢું ઢાંકી ઝઘડવા બદલ 3 મેચનો પ્રતિબંધ લાગ્યો છે. યલો કાર્ડને કારણે એક મેચનો પ્રતિબંધ હતો, હવે બે વધારાનો પ્રતિબંધ લાગતા તે નવેમ્બરના અંત સુધી રમી શકશે નહીં. વિનીસિયસ જુનિયર વિવાદ બાદ બનેલા પ્રોટોકોલના ઉલ્લંઘન બદલ આ કાર્યવાહી થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જાણીતા ફૂટબોલર નેમાર સામે મોટી કાર્યવાહી, મોઢું સંતાડી ઝઘડ્યો હતો, હવે 3 મેચનો બૅન મૂકાયો

Neymar jr Banned 3 Matches: બ્રાઝિલના દિગ્ગજ ફૂટબોલર નેમાર જુનિયરને મેદાન પર પ્રતિસ્પર્ધી ખેલાડી સાથે ઝઘડો કરવા દરમિયાન મોઢું ઢાંકવું ભારે પડ્યું છે. બ્રાઝિલની સ્પોર્ટ્સ ટ્રિબ્યુનલે આ મામલે તેના પર બે મેચનો વધારાનો પ્રતિબંધ લગાવી દીધો છે. યલો કાર્ડ જમા હોવાને કારણે પહેલેથી જ એક મેચનો પ્રતિબંધનો સામનો કરી રહેલા નેમાર હવે કુલ ત્રણ મેચમાંથી બહાર રહેશે.

આ વિવાદ 25 ઓક્ટોબરે બહિયા અને સેન્ટોસ વચ્ચે યોજાયેલી મેચ દરમિયાન થયો હતો. આ મામલે કાર્યવાહીનું કારણ એક ખાસ પ્રોટોકોલ છે, જે રિયલ મેડ્રિડના સ્ટાર વિનીસિયસ જુનિયર સાથે જોડાયેલા વિવાદ બાદ બનાવવામાં આવ્યો હતો. ટ્રિબ્યુનલ મુજબ નેમાર જુનિયરનું મોઢું ઢાંકીને પ્રતિસ્પર્ધી સાથે ઝઘડો કરવો એ આ પ્રોટોકોલનું ઉલ્લંઘન હતું.

વાસ્તવમાં આ વર્ષની શરૂઆતમાં વિનીસિયસ જુનિયરે ચેમ્પિયન્સ લીગની એક મેચ દરમિયાન આરોપ લગાવ્યો હતો કે, એક પ્રતિસ્પર્ધી ખેલાડીએ જર્સીથી મોઢું ઢાંકીને તેમની વિરુદ્ધ જાતિવાદી ટીપ્પણી કરી હતી. આ ઘટના બાદ આવી પરિસ્થિતિઓમાં ખેલાડીઓ દ્વારા મોઢું ઢાંકવા સાથે જોડાયેલા વ્યવહાર પર રોક લગાવવા માટે પ્રોટોકોલ તૈયાર કરવામાં આવ્યો.

નવેમ્બરના અંતમાં થશે વાપસી

યલો કાર્ડને કારણે લાગેલા પ્રતિબંધ અંતર્ગત નેમાર જુનિયર બુધવારે (28 ઓક્ટોબર) પાલ્મેરાસ વિરુદ્ધ બ્રાઝિલિયન લીગનો મુકાબલો રમ્યો નહોતો. ત્યારબાદ મોઢું ઢાંકવાના મામલામાં લગાવવામાં આવેલા બે મેચના પ્રતિબંધને કારણે પણ તેને બહાર રહેવું પડશે. જેના કારણે તેની વાપસી નવેમ્બરના અંત સુધી ટળી શકે છે.

જોકે, નેમાર જુનિયર અને સેન્ટોસ પાસે આ નિર્ણય વિરુદ્ધ અપીલ કરવાનો વિકલ્પ છે. અપીલ પર નિર્ણય આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે પ્રતિબંધમાં કોઈ ફેરફાર થાય છે કે નહીં. હાલમાં આ કાર્યવાહીએ સેન્ટોસની મુશ્કેલીઓ વધારી દીધી છે, કારણ કે ટીમને પોતાના અનુભવી સ્ટાર વગર આગામી મેચ રમવી પડશે.