દબાણ દૂર કરવા પહોંચેલા સુરત પાલિકાના કર્મચારીઓને ફેરિયાઓએ ઘેરી લીધા : ઉગ્ર બોલાચાલીથી વાતાવરણ તંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સુરતના ભેસ્તાન વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ફેરિયાઓએ પાલિકાના કર્મચારીઓને ઘેરી લીધા હતા. એક તબક્કે ઉગ્ર બોલાચાલી થતાં સ્થળ પર ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સુરત પાલિકાના દબાણ વિભાગ દ્વારા શહેરમાં જાહેર માર્ગો અને જાહેર જગ્યાઓ પરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મંગળવારે ભેસ્તાન વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. પાલિકાની ટીમ લારી-ગલ્લા સહિતના દબાણો દૂર કરવા પહોંચતાં ફેરિયાઓમાં દોડધામ મચી હતી. કામગીરી દરમિયાન દબાણનો સામાન જપ્ત કરવામાં આવતાં કેટલાક ફેરિયાઓએ પાલિકાની ટીમ સામે વિરોધ શરૂ કર્યો હતો.
આ દરમિયાન લારી-ગલ્લા સાથે કેટલાક ફેરિયાઓના વજનકાંટા પણ પાલિકાના કર્મચારીઓ દ્વારા જપ્ત કરવામાં આવ્યા હતા. વજનકાંટા જપ્ત કરાતાં ફેરિયાઓએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન રોજગાર માટે ઉપયોગમાં લેવાતા વજનકાંટા પણ લઈ જવામાં આવ્યા છે. આ મુદ્દે સ્થાનિકો અને ફેરિયાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા અને પાલિકાના કર્મચારીઓને ઘેરી લીધા હતા.
પાલિકાની ટીમને ઘેરીને વિરોધ કરવામાં આવતાં સ્થળ પર થોડા સમય માટે તંગદિલીભર્યું વાતાવરણ સર્જાયું હતું. ફેરિયાઓ અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. એક તબક્કે મામલો ઘર્ષણ સુધી પહોંચે તેવી સ્થિતિ સર્જાતાં સ્થળ પર હોબાળો મચી ગયો હતો. જોકે પાલિકાની ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.
બીજી તરફ ફેરિયાઓએ જપ્ત કરવામાં આવેલા વજનકાંટા સહિતના સામાન પરત કરવાની માંગ કરી હતી. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ફેરિયાઓ દ્વારા કરવામાં આવેલા વિરોધને કારણે ભેસ્તાન વિસ્તારમાં આ કામગીરી ચર્ચાસ્પદ બની હતી. પાલિકા દ્વારા જાહેર જગ્યા પરના દબાણો દૂર કરવાની કામગીરી સામે ફેરિયાઓના વિરોધ અને કર્મચારીઓને ઘેરી લેવાની ઘટનાએ પણ સ્થળ પરની સ્થિતિને વધુ ગંભીર બનાવી હતી.




