Surat

સુરત મેયરની સીલિંગ નહીં કરવાની સૂચના, તંત્રની જાહેર નોટિસમાં કામ બંધ કરવાનો આદેશ

By GS Team
2 Sep 20263 mins read
TukuTouch Logo
સુરતમાં હોટફિક્સ વેસ્ટના નિકાલ મુદ્દે મેયર અને પાલિકા તંત્ર વચ્ચે ફરી સંકલનનો અભાવ જોવા મળ્યો છે. મેયરે સીલિંગ નહીં કરવા સૂચના આપી, જ્યારે પાલિકાએ જાહેર નોટિસ દ્વારા હોટફિક્સના ઉત્પાદન, સંગ્રહ અને ઉપયોગ પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે. પાલિકાએ કાયદેસરની કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારી છે, જેથી શાસકો અને વહીવટી તંત્ર વચ્ચે વિરોધાભાસ ઉભો થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત મેયરની સીલિંગ નહીં કરવાની સૂચના, તંત્રની જાહેર નોટિસમાં કામ બંધ કરવાનો આદેશ

Surat Corporation : સુરતમાં હોટફિક્સ વેસ્ટના નિકાલ અને તેના ઉત્પાદન સામે કાર્યવાહી મુદ્દે શાસકો અને પાલિકા તંત્ર વચ્ચે સંકલનનો અભાવ વધુ એક વખત સામે આવ્યો છે. એક તરફ મેયરે હોટફિક્સના યુનિટો સામે સીલિંગની કામગીરી નહીં કરવા સૂચના આપી પાલિકા તંત્રને પ્રતિબંધિત કચરાના નિકાલ માટે વ્યવસ્થા કરવા જણાવ્યું છે, ત્યારે બીજી તરફ પાલિકા તંત્ર દ્વારા તમામ ઝોન માટે જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી હોટફિક્સ સહિતના પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, વિતરણ અને ઉપયોગ સામે તાત્કાલિક રોક લગાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, નોટિસ બાદ પણ કામગીરી ચાલુ હોવાનું જણાશે તો ફોજદારી રાહે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી છે. જેના કારણે એક જ મુદ્દે શાસકીય પદાધિકારીની સૂચના અને વહીવટી તંત્રના જાહેર આદેશ વચ્ચે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.
સુરતમાં છેલ્લા કેટલાક દિવસથી હોટ ફિક્સના કચરાનો વિવાદ ચાલી રહ્યો છે હવે આ વિવાદ આગળ વધી રહ્યો છે મોટાભાગના લોકો કચરો ફેંકનારા સામે પગલાં ભરવાની માંગણી કરે છે તો બીજી તરફ હોટ ફિક્સ સાથે સંકળાયેલા રોજગારીની વાત કરી રહ્યાં છે. આજે સુરતના મેયરને મળવા માટે હોટફ્કિસના કેટલાક સંચાલકો આવ્યા હતા ત્યાર બાદ મેયર માયાબહેન માવાણીએ અધિકારીઓને હોટ ફિક્સના યુનિટ પર સીલીંગની કામગીરી ન કરવા માટે સુચના આપી છે એટલું જ નહી પરંતુ આ કચરાના નિકાલ માટે પણ સુચના આપી છે. તો બીજી તરફ સુરત પાલિકાએ એક જાહેર નોટિસ થકી હોટ ફિક્સ વેસ્ટ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ જાહેર કર્યો છે. મેયરની સુચના વચ્ચે આ જાહેર નોટિસથી વિવાદ ઉભો થયો છે.

2.jpg


પાલિકા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેર નોટિસમાં જણાવ્યા મુજબ સુરત શહેરના રહેણાંક વિસ્તારોમાં ચાલતા ગૃહઉદ્યોગને કારણે ઉત્પન્ન થતા સિંગલ યુઝ પ્લાસ્ટિક હોટફિક્સ વેસ્ટ પર સ્થાયી સમિતિના ઠરાવ નં. 17/2021, તા.30/03/2021થી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પાલિકાના જણાવ્યા પ્રમાણે હોટફિક્સ વેસ્ટ ચોમાસા દરમિયાન નાળા, ગટરલાઇનો, સ્ટોર્મ વોટર ડ્રેનેજ તથા વરસાદી પાણીના નિકાલના માર્ગોમાં પહોંચી જઈ અવરોધ ઊભો કરી શકે છે. જેના પરિણામે પાણીના નિકાલમાં અડચણ ઊભી થવાની સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાની અને જાહેર ઉપદ્રવની સ્થિતિ સર્જાવાની સંભાવના રહે છે. હોટફિક્સ વેસ્ટ સિંગલ યુઝ પ્લાસ્ટિક હોવાથી તેનો અયોગ્ય નિકાલ મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિને પણ વેગ આપી શકે છે અને જાહેર આરોગ્ય માટે જોખમ ઊભું કરી શકે છે, તેવી દલીલ તંત્ર દ્વારા કરવામાં આવી છે.
આ કારણોસર જીપીએમસી એક્ટ-1949ની કલમ 376(ક)(અ) હેઠળ જાહેર આરોગ્યને ધ્યાને લઈ હોટફિક્સનું કામ અને તેના માટે વપરાતી મશીનરીનો ઉપયોગ તાત્કાલિક અસરથી બંધ કરવા જાહેર નોટિસમાં જણાવાયું છે. નોટિસ મળ્યા બાદ પણ કામગીરી ચાલુ હોવાનું તંત્રના ધ્યાને આવશે તો સંબંધિતો સામે ફોજદારી રાહે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી સ્પષ્ટ ચીમકી પણ આપવામાં આવી છે.
અહીં મહત્વની બાબત એ છે કે આ નોટિસ કોઈ ચોક્કસ હોટફિક્સ યુનિટને આપવામાં આવેલી નોટિસ નથી, પરંતુ પાલિકાના તમામ ઝોન વિસ્તારમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક અને હોટફિક્સ વેસ્ટના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, વિતરણ તથા ઉપયોગને અટકાવવા માટે જાહેર કરવામાં આવેલી નોટિસ છે. આમ, મેયર દ્વારા નાના યુનિટો સામે સીલિંગની કાર્યવાહી નહીં કરવાની સૂચના આપવામાં આવ્યા બાદ તંત્ર દ્વારા જાહેર નોટિસ મારફતે કામગીરી બંધ કરવાનો આદેશ કરાતા બંને અભિગમ વચ્ચેનો તફાવત સ્પષ્ટ થયો છે.
એક તરફ નાના ગૃહઉદ્યોગો અને તેમાં સંકળાયેલા કારીગરોની રોજગારીને ધ્યાનમાં રાખીને સીલિંગ જેવી આકરી કાર્યવાહી નહીં કરવાની વાત કરવામાં આવી રહી છે, તો બીજી તરફ જાહેર આરોગ્ય અને પર્યાવરણના જોખમને આગળ ધરીને પાલિકા તંત્ર પ્રતિબંધિત હોટફિક્સના ઉત્પાદનથી ઉપયોગ સુધી રોક લગાવતો જાહેર આદેશ પ્રસિદ્ધ કરી રહ્યું છે. જેના કારણે હવે હોટફિક્સ મુદ્દે શાસકો અને વહીવટી તંત્ર વચ્ચે એકસૂત્રતા ક્યારે સ્થાપિત થશે અને પ્રતિબંધિત કચરાના નિકાલ માટે વ્યવહારુ વિકલ્પ ક્યારે અમલમાં આવશે તે પ્રશ્ન ચર્ચાનો વિષય બન્યો છે.