Surat

સુરત: જય આદ્યાશક્તિ મા, અખંડ બ્રહ્માંડ દીપાવ્યા… આરતી પાછળ જોડાયેલી છે સદીઓ જૂની પરંપરા.અંતિમ પંક્તિમાં મળે છે રચયિતાની ઓળખ, માતાજીની આરતી સાથે જોડાયેલો શહેરનો ઇતિહાસ

By GS Team
18 Oct 20264 mins read
TukuTouch Logo
સુરતમાં જન્મેલા શિવાનંદ સ્વામીએ નવરાત્રિની જાણીતી 'જય આદ્યાશક્તિ' આરતીની રચના કરી હતી. ઈ.સ. 1541માં સુરતના નાગર ફળિયામાં જન્મેલા શિવાનંદ વામદેવ પંડ્યાએ નર્મદા કિનારે, અંકલેશ્વર નજીક આ આરતીની રચના કરી હતી. આ આરતીની અંતિમ પંક્તિ "ભણે શિવાનંદ સ્વામી"માં તેમનું નામ છુપાયેલું છે. આ માહિતી સુરતના સાંસ્કૃતિક વારસાનું ગૌરવ વધારે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: જય આદ્યાશક્તિ મા, અખંડ બ્રહ્માંડ દીપાવ્યા… આરતી પાછળ જોડાયેલી છે સદીઓ જૂની પરંપરા.અંતિમ પંક્તિમાં મળે છે રચયિતાની ઓળખ, માતાજીની આરતી સાથે જોડાયેલો શહેરનો ઇતિહાસ

Surat: નવરાત્રિમાં ગરબાની રમઝટ શરૂ થાય તે પહેલાં સુરત સહિત ગુજરાતભરમાં માતાજીની આરતીના સૂર ગુંજી ઊઠે છે. ‘જય આદ્યાશક્તિ મા, અખંડ બ્રહ્માંડ દીપાવ્યા…’ની આરતી સાથે ભક્તિભાવમાં તરબોળ થઈને ખેલૈયાઓ ગરબે ઘૂમી રહ્યા છે. પરંતુ નવરાત્રિના આ પવિત્ર પર્વમાં લાખો ભક્તો જે આરતી સાથે માતાજીની આરાધના કરે છે તેના રચયિતા શિવાનંદ સ્વામી સુરતના હતા, એ વાતથી ઘણા લોકો અજાણ છે. સુરતના નાગર ફળિયામાં જન્મેલા શિવાનંદ સ્વામીએ રચેલી આ આરતીની અંતિમ પંક્તિમાં જ તેમનું નામ છુપાયેલું છે. નવરાત્રિના ગરબા સાથે અતૂટ રીતે જોડાયેલી આ આરતી પાછળનો ઇતિહાસ જાણીએ તો માતાજીની આરાધના સાથે સુરતના સાંસ્કૃતિક વારસાનું ગૌરવ પણ ઉજાગર થાય છે.

નવરાત્રિના પર્વ માં શક્તિની આરાધના અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળે છે. પરંપરાગત ગરબામાં દીવાની આસપાસ વર્તુળાકારે ફરતી મહિલાઓથી લઈને આજના આધુનિક ગરબા મંડપોમાં સંગીતના તાલે ઝૂમતા ખેલૈયાઓ સુધી, સમય સાથે ગરબાનું સ્વરૂપ બદલાયું છે. ઓરકેસ્ટ્રા, આધુનિક સંગીત અને વિવિધ લોકનૃત્યના પ્રકાર વચ્ચે પણ માતાજીની આરતીનું સ્થાન યથાવત્ છે. ગરબાની શરૂઆત પહેલા ગવાતી ‘જય આદ્યાશક્તિ’ આરતી ગુજરાતની ધાર્મિક પરંપરાનો અભિન્ન હિસ્સો બની ગઈ છે. સુરતના ઇતિહાસ ના જાણકાર સંજય ચોકસી પાસેથી મળેલી માહિતી મુજબ, આ લોકપ્રિય આરતીના રચયિતા શિવાનંદ સ્વામીના જીવન અને તેમના સર્જન સાથે સુરતનો ગૌરવશાળી ઇતિહાસ જોડાયેલો છે.

શિવાનંદ સ્વામી નું મૂળ નામ શિવાનંદ વામદેવ પંડ્યા હતું. તેમનો જન્મ ઈ.સ. 1541 માં સુરતના અંબાજી માર્ગ પર આવેલા નાગર ફળિયામાં થયો હોવાનું સંશોધનમાં જણાવાયું છે. તેમના પિતા વામદેવ હરિહર પંડ્યા કર્મકાંડી બ્રાહ્મણ હતા. નાની વયે પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ તેમના કાકા સદાશિવ પંડ્યાએ તેમનો ઉછેર કર્યો હતો. સદાશિવ વિદ્વાન હતા અને પોતાના ઘરે પાઠશાળા ચલાવી બાળકોને શિક્ષણ આપતા હતા. કાકા ના માર્ગદર્શન હેઠળ શિવાનંદ સ્વામીને ધાર્મિક સંસ્કાર અને શાસ્ત્રોના અભ્યાસનો વારસો મળ્યો.સંજય ચોકસી પાસેથી મળેલી વિગતો અનુસાર, સદાશિવ પંડ્યાએ અંતિમ સમય નજીક આવતાં પોતાના બે પુત્રો અને ભત્રીજા શિવાનંદને જીવનમાં શું મેળવવાની ઇચ્છા છે તે પૂછ્યું હતું. બંને પુત્રોએ સંપત્તિની ઇચ્છા વ્યક્ત કરી હતી, જ્યારે શિવાનંદે નિર્ણય કાકા પર છોડ્યો હતો. ત્યારબાદ સદાશિવે તેમને પંચાક્ષરી મંત્ર આપીને ભક્તિના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપી હતી. શિવાનંદ સ્વામીએ લાંબા સમય સુધી અભ્યાસ અને સાધના કરી સંસ્કૃત ગ્રંથોમાં પારંગતતા મેળવી હતી. આજે નવરાત્રિમાં ગરબા શરૂ થાય તે પહેલાં ગવાતી ‘જય આદ્યાશક્તિ’ આરતી ભક્તોને માતાજીની આરાધના સાથે જોડે છે. આધુનિક સંગીત અને બદલાતા ગરબાના સ્વરૂપ વચ્ચે પણ આ આરતીનું મહત્ત્વ યથાવત્ છે. સદીઓ પહેલાં સુરતના એક સંતે રચેલા શબ્દો આજે પણ ગુજરાતભરમાં ગુંજે છે. આરતીની અંતિમ પંક્તિમાં રહેલું શિવાનંદ સ્વામી નું નામ માત્ર રચયિતાની ઓળખ નથી, પરંતુ સુરતના ધાર્મિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસાની યાદ અપાવતી એક મહત્ત્વપૂર્ણ કડી પણ છે.

નર્મદા કિનારે આરતીની રચના થયાની પરંપરા

શિવાનંદ સ્વામીના જીવન સાથે જોડાયેલી વિગતોમાં નર્મદા કિનારે આવેલા અંબા માતાના મંદિરનો વિશેષ ઉલ્લેખ જોવા મળે છે. સંજય ચોકસી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, શિવાનંદ સ્વામી ના પૂર્વજો નો સંબંધ અંકલેશ્વર નજીક ના માંડવા બુઝર્ગ ગામ સાથે હતો. આ ગામમાં અંબાજીમાતાનું મંદિર અને માર્કંડ મુનિ આશ્રમ આવેલાં હતાં. પૂર્વજો સાથે જોડાયેલા આ ધાર્મિક સ્થળે જતા શિવાનંદ સ્વામી નર્મદા કિનારે માતાજીના મંદિરમાં બેઠા હતા. સૂર્યોદયના સમયે તેમને આધ્યાત્મિક સ્ફુરણા થઈ અને માતાજીની સ્તુતિ ના શબ્દો તેમના મુખેથી સરી પડ્યા હોવાની પરંપરા પ્રચલિત છે. આ પ્રસંગને ‘જય આદ્યાશક્તિ’ આરતીની રચના સાથે જોડવામાં આવે છે.

આરતીની રચના સમય અંગે સંશોધનમાં ઈ.સ. 1601 નો ઉલ્લેખ મળે છે. તે સમયે શિવાનંદ સ્વામીની ઉંમર આશરે 60 વર્ષ હોવાનું જણાવાય છે. માતાજીના વિવિધ સ્વરૂપો અને મહિમાનું વર્ણન કરતી આ આરતી ધીમે ધીમે લોકજીવનમાં પ્રચલિત બની અને ગુજરાતના ઘર, મંદિર તથા ધાર્મિક ઉત્સવોમાં ગવાવા લાગી. ત્યારબાદ તેના વિવિધ ભારતીય ભાષાઓમાં રૂપાંતર થયાં હોવાનું પણ જણાવવામાં આવે છે.

અંતિમ પંક્તિમાં રચયિતાની ઓળખ

‘જય આદ્યાશક્તિ મા, અખંડ બ્રહ્માંડ દીપાવ્યા…’થી શરૂ થતી આ આરતીની વિશેષતા તેની ભક્તિપૂર્ણ રચનાની સાથે તેની અંતિમ પંક્તિમાં પણ છે. ‘ભણે શિવાનંદ સ્વામી…’ શબ્દો દ્વારા રચયિતાની ઓળખ મળે છે. નવરાત્રિ દરમિયાન ગુજરાતભરમાં ગવાતી આ આરતીમાં ભક્તો વર્ષોથી આ પંક્તિનું ગાન કરે છે, પરંતુ તેની પાછળ સુરતના સંતનું નામ જોડાયેલું છે તેની જાણકારી ઘણા લોકોને નથી.

શિવાનંદ સ્વામીએ અંબિકા માતાની આરતી ઉપરાંત શિવ સ્તુતિ, ઢોળ, વસંત પૂજા અને હિંડોળાનાં પદ સહિત અન્ય ધાર્મિક રચના પણ કરી હોવાનું સંશોધનમાં જણાવાયું છે. જોકે, સમય જતાં તેમનું મોટાભાગનું સાહિત્ય ઉપલબ્ધ રહ્યું નથી. તેમની આરતી લોકપરંપરા દ્વારા પેઢી દર પેઢી આગળ વધતી રહી અને ગુજરાતની ધાર્મિક સંસ્કૃતિમાં કાયમી સ્થાન પામતી ગઈ.