વિશ્વમાં ભૂખમરાનું સંકટ: ટોચના 10 દેશોની યાદીમાં પાકિસ્તાન, ભારતમાં શું છે સ્થિતિ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Global Hunger Index 2026 : ખોરાક એ દરેક માનવીની મૂળભૂત જરૂરિયાત છે, પરંતુ આજના આધુનિક યુગમાં પણ કરોડો લોકો દરરોજ રાત્રે ભૂખ્યા પેટે સૂવા માટે મજબૂર છે. ‘ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2026’ના આંકડા કહે છે કે દુનિયાના 26.6 કરોડ લોકો આજે પણ ગંભીર ભૂખમરાનો સામનો કરી રહ્યા છે, એ ચિંતાજનક બાબત છે. આબોહવા પરિવર્તન, આર્થિક મંદી અને યુદ્ધોએ આ વૈશ્વિક સંકટને વધુ ઘેરું બનાવ્યું છે. આપણા પડોશી દેશ પાકિસ્તાનની સ્થિતિ અત્યંત દયનીય છે. ભારત અનાજ ઉત્પાદનમાં આત્મનિર્ભર હોવા છતાં 'છૂપી ભૂખ' (કુપોષણ) સામે લડી રહ્યું છે.
વિશ્વમાં ભૂખમરાની ગંભીર સ્થિતિ
વિશ્વ ખાદ્ય દિવસ નિમિત્તે 'એક્શન અગેન્સ્ટ હંગર' નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા “Ten largest global food crisis” (દસ સૌથી મોટા વૈશ્વિક ખાદ્ય સંકટ) નામનો અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે, જે મુજબ, છેલ્લા એક દાયકામાં તીવ્ર ભૂખમરાથી પીડાતા લોકોની સંખ્યા બમણી થઈ ગઈ છે. આજે વિશ્વના 47 દેશોમાં આશરે 26.6 કરોડ લોકો ગંભીર ખાદ્ય કટોકટીનો સામનો કરી રહ્યા છે. આ સંકટ પાછળ મુખ્યત્વે ગૃહયુદ્ધ, સશસ્ત્ર સંઘર્ષ, વિસ્થાપન, આર્થિક મુશ્કેલીઓ અને પૂર કે દુષ્કાળ જેવી આબોહવા પરિવર્તનની આફતો જવાબદાર છે.
ભૂખમરાથી સૌથી વધુ પ્રભાવિત ટોચના 10 દેશો
વિશ્વના કુલ ભૂખ્યા લોકોમાંથી લગભગ બે તૃતીયાંશ લોકો (આશરે 17.7 કરોડ લોકો) માત્ર આ 10 દેશોમાં રહે છે.
- નાઇજીરીયા (સૌથી વધુ ખરાબ સ્થિતિ, આશરે 3 કરોડ લોકો)
- ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (DRC)
- સુદાન
- યમન
- અફઘાનિસ્તાન
- મ્યાનમાર
- બાંગ્લાદેશ
- પાકિસ્તાન
- દક્ષિણ સુદાન
- સીરિયા
પાકિસ્તાનમાં ભૂખમરાનું ભયાવહ સ્વરૂપ
પાકિસ્તાનમાં 1. 1 કરોડથી વધુ લોકો ભૂખમરાથી પીડિત છે. અન્ન સંકટના મુખ્ય કારણો નીચે મુજબ છે.
- રેકોર્ડબ્રેક મોંઘવારી: પાકિસ્તાનમાં ખાદ્યપદાર્થોનો ફુગાવો 30% થી 40% ની વચ્ચે રહ્યો છે. લોટ, ચોખા અને દાળ જેવી જીવનજરૂરી વસ્તુઓના ભાવ સામાન્ય નાગરિકોની પહોંચની બહાર થઈ ગયા છે.
- આબોહવા અને કુદરતી આફતો: 2022 ના વિનાશક પૂરે પાકિસ્તાનનો ત્રીજા ભાગનો કૃષિ વિસ્તાર નષ્ટ કરી દીધો હતો. જમીનની ફળદ્રુપતા ઘટવી અને સિંચાઈ વ્યવસ્થા ખોરવાઈ જવાની અસર હજુ પણ ત્યાંના કૃષિ ઉત્પાદન પર દેખાઈ રહી છે.
- આર્થિક અને રાજકીય અસ્થિરતા: દેશ પર વિદેશી દેવાનો મોટો બોજ છે અને વિદેશી હૂંડિયામણની અછત છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) ની કડક શરતોને કારણે સરકારે સબસિડી કાપવી પડી છે, જેનો સીધો માર ગરીબ પ્રજા પર પડ્યો છે.
- આંતરરાષ્ટ્રીય સહાયનો અભાવ: વૈશ્વિક સ્તરે યુક્રેન અને મધ્ય-પૂર્વના સૈન્ય-સંઘર્ષો તરફ ધ્યાન કેન્દ્રિત થવાથી પાકિસ્તાનને મળતા આંતરરાષ્ટ્રીય ભંડોળમાં મોટો ઘટાડો નોંધાયો છે.
ભારત: અનાજનો ભંડાર, પણ પોષણનો પડકાર
પાકિસ્તાનની સરખામણીમાં ભારતની સ્થિતિ ઘણી અલગ છે. ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને અનાજની નિકાસ પણ કરે છે. આમ છતાં, ગ્લોબલ હંગર ઇન્ડેક્સ (GHI 2026) માં 122 દેશોની યાદીમાં ભારત 100મા ક્રમે છે અને તેનો 24.1 નો સ્કોર દેશને હજુ પણ 'ગંભીર' (Serious) શ્રેણીમાં રાખે છે. 20 થી 34.9 વચ્ચેનો સ્કોર ગંભીર ગણાય છે. વૈશ્વિક સરેરાશ સ્કોર 18.1 છે.
ભારતમાં ભૂખમરા અને કુપોષણની વાસ્તવિકતા
- 'છૂપી ભૂખ' (Hidden Hunger): ભારત પાસે કેલરી (ઘઉં-ચોખા) ની કમી નથી, પરંતુ વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીનની ઉણપ મોટી છે. સંયુક્ત રાષ્ટ્ર (SOFI 2026) ના અહેવાલ મુજબ ભારતના 520 મિલિયન (લગભગ 35.5%) લોકો મોંઘવારીને કારણે પૌષ્ટિક અને સ્વસ્થ આહાર ખરીદી શકતા નથી.
- બાળ બગાડ (Child Wasting): ભારત માટે આ સૌથી મોટી ચિંતાનો વિષય છે. બાળકોનું વજન તેમની ઊંચાઈના પ્રમાણમાં ખૂબ ઓછું છે, કેમ કે બાળકોને પૂરતું પોષણ મળી રહ્યું નથી.
- સ્વસ્થ આહારનો અભાવ: આજે પણ ભારતની 35.5% વસ્તી (લગભગ 52 કરોડ લોકો) મોંઘવારીને કારણે પૌષ્ટિક અને સ્વસ્થ આહાર ખરીદી શકતી નથી.
- આબોહવા પરિવર્તનની અસર: અનિયમિત ચોમાસું અને વધતા તાપમાન (હીટવેવ) ને કારણે ઘઉં અને કઠોળના ઉત્પાદન પર નકારાત્મક અસર પડી છે, જેનાથી બજારમાં ખાદ્યપદાર્થોના ભાવમાં ઉતાર-ચઢાવ આવે છે.
ભારતની સિદ્ધિઓ અને સુધારા
પોષણયુક્ત અન્ન વિતરણ સંબંધિત અનેક યોજનાઓ થકી ભારતમાં ભૂખમરાની સ્થિતિમાં સુધારા આવ્યા છે.
- કુપોષિત લોકોની સંખ્યા 2000 માં 18.4% હતી, જે ઘટીને 9.8% થઈ છે. ભારતે 100 મિલિયનથી વધુ લોકોને ભૂખમરામાંથી બહાર કાઢ્યા છે.
- 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં સ્ટંટિંગ (ઊંચાઈ ન વધવી) 50% થી ઘટીને 29.3% થયું છે.
- બાળ મૃત્યુદર 9.2% થી ઘટીને 2.7% થઈ ગયો છે.




