સુરતમાં ફરી એક વાર ખાડી પૂરનું સંકટ : ભેદવાડ ખાડીનું પાણી 6.80 મીટરની ભયજનક સપાટીએ પહોંચતા તંત્ર ઍલર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Rain Update : 7 અને 23 જુલાઈએ ભારે વરસાદ બાદ ખાડી પૂરનો સામનો કરનાર સુરત શહેર પર શુક્રવારે ફરી એક વખત એ જ પ્રકારનું સંકટ મંડરાયું છે. શહેરમાં સવારથી પડેલા ધોધમાર વરસાદના કારણે ખાડીઓના જળસ્તરમાં ઝડપથી વધારો થયો છે. ભેદવાડ ખાડીનું જળસ્તર સવારે 11 વાગ્યે 6.80 મીટરે પહોંચ્યું હતું, જ્યારે તેનું ભયજનક સ્તર 7.20 મીટર છે. એટલે કે ખાડી હવે ડેન્જર લેવલથી નજીક પહોંચી છે. બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા સુરક્ષા કારણોસર BRTS સેવાની સંપૂર્ણ કામગીરી પણ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે.
સુરતમાં છેલ્લા કેટલાક વર્ષોથી એવી સ્થિતિ જોવા મળી રહી છે કે ખાડીઓ સત્તાવાર ભયજનક સપાટીએ પહોંચે તે પહેલાં જ કિનારાના વિસ્તારોમાં પાણી ફરી વળે છે. આથી ભલે અન્ય ખાડીઓ હજુ ડેન્જર લેવલથી નીચે હોય, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો અને પાલિકા તંત્રની ચિંતા વધી ગઈ છે. વરસાદ યથાવત રહે તો ખાડી કિનારાના વિસ્તારોમાં ફરી પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે તેવી આશંકા વ્યક્ત થઈ રહી છે.
શહેરના વેસુ, અડાજણ, કતારગામ, વરાછા, ઉધના સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહારને અસર પહોંચી હતી. ઓછી દૃશ્યતા અને માર્ગો પર પાણી ભરાવાના કારણે સુરત મહાનગરપાલિકાએ સત્તાવાર રીતે BRTS સેવાની કામગીરી હાલ પૂરતી સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. મુસાફરોને જરૂરી હોય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા અપનાવવા અપીલ કરવામાં આવી છે.
હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હોવાથી પાલિકા તંત્રે તમામ ઝોનમાં કંટ્રોલ રૂમ, સ્ટોર્મ ડ્રેનેજ અને રાહત ટીમોને એલર્ટ પર રાખી છે. ખાસ કરીને ખાડી કિનારાના વિસ્તારમાં સતત પેટ્રોલિંગ અને જળસ્તરનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. વરસાદની તીવ્રતા યથાવત રહેશે તો આગામી કલાકોમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે તેવી શક્યતા વચ્ચે સમગ્ર તંત્ર સતર્ક બન્યું છે.
સવારે 11 વાગ્યે સુરતમાંથી પસાર થતી ખાડીની સ્થિતિ
ખાડીનું નામ | હાલની સપાટી | ભયજનક સપાટી |
કાંકરા ખાડી | 5.20 | 8.48 |
ભેદવાડ ખાડી | 6.80 | 7.20 |
મીઠી ખાડી | 6.55 | 9.35 |
ભાઠેના | 6.50 | 8.28 |
સીમાડા | 2.50 | 4.50 |




