Surat

સુરત: માત્ર 30 સેકન્ડમાં 30 લાખના દાગીના લઈ ફરાર, કારીગર જ હાથ ફેરો કરતો CCTVમાં કેદ

By GS Team
29 Jun 20262 mins read
TukuTouch Logo
સુરતના મહિધરપુરામાં સાંધા જ્વેલર્સમાં ચોંકાવનારી ચોરી થઈ છે. બંગાળી કારીગર સંજીબે નોકરીના 12મા જ દિવસે લોકરમાંથી 30.42 લાખ રૂપિયાના સોના-ડાયમંડના દાગીના 30 સેકન્ડમાં ચોરી લીધા. પોલીસે ગુનો નોંધી, CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત: માત્ર 30 સેકન્ડમાં 30 લાખના દાગીના લઈ ફરાર, કારીગર જ હાથ ફેરો કરતો CCTVમાં કેદ

Surat Jewellery Theft: સુરતના મહિધરપુરા વિસ્તારમાં ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભવાની વડ ખાતે આવેલા સાંધા જ્વેલર્સમાં નોકરીએ જોડાયાના માત્ર 12મા જ દિવસે એક બંગાળી કારીગરે માત્ર 30 સેકન્ડના સમયમાં લોકરમાંથી સોનાના દાગીના અને ડાયમંડ મળી કુલ 30.42 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી રફુચક્કર થઈ ગયો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે.

અગાઉ 5 વર્ષ કામ કરી ચૂક્યો હતો બંગાળી કારીગર

મળતી માહિતી અનુસાર, મહિધરપુરા ભવાની વડ મેઇન રોડ પર સ્થિત સાંધા નિવાસના ગ્રાઉન્ડ ફ્લોરમાં 'સાંધા જ્વેલ્સ' નામે સોના તથા ડાયમંડના દાગીના બનાવવાનું કારખાનું આવેલું છે. આ કારખાનાના માલિક પ્રદીપકુમાર માઇતી (મૂળ પશ્ચિમ બંગાળ)એ ગત પાંચમી જૂનના રોજ પશ્ચિમ બંગાળના જ વતની સંજીબ ઉર્ફે બાપન સ્વપન સાધ્યને માસિક 25 હજાર રૂપિયાના પગારે નોકરીએ રાખ્યો હતો. સંજીબ અગાઉ પણ પ્રદીપકુમારને ત્યાં પાંચ વર્ષ નોકરી કરી ચૂક્યો હોવાથી અને દાગીનામાં ડાયમંડ લગાવવાનું કામ જાણતો હોવાથી તેને રાખવામાં આવ્યો હતો, તેમજ તેને રહેવા માટે દુકાનની પાછળ કારીગરોની રૂમમાં વ્યવસ્થા પણ કરી આપવામાં આવી હતી.

ગત 16મી જૂનના રોજ રાત્રે કારખાનાના મેનેજર સુદીપકુમાર દાસ નિયત સમયે ઘરે નીકળી ગયા હતા, જેથી કારીગર સંજીબે ગ્રાહકોના સોના અને હીરા પોતાના લોકરમાં મૂકી દીધા હતા. બીજા દિવસે સવારે મેનેજરે આવીને સંજીબને તેના લોકરમાંથી દાગીના કાઢીને કામ શરૂ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ મેનેજર કોઈ કામ અર્થે ઉપરના માળે ગયા હતા.

મેનેજર ઉપર ગયાની સાથે જ સંજીબે માત્ર 30 સેકન્ડના ગાળામાં લોકરમાંથી ગ્રાહકોના સોનાના 111.56 ગ્રામના દાગીના અને 62.38 કેરેટના ડાયમંડ મળી કુલ 30.42 લાખ રૂપિયાની મત્તા ચોરી લીધી હતી અને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. મેનેજર માત્ર 10 જ મિનિટમાં નીચે આવ્યા ત્યારે સંજીબ ત્યાંથી ગાયબ હતો. તેના ટેબલ અને લોકરની તપાસ કરતા સોનું અને હીરા પણ ગાયબ જોવા મળ્યા હતા.

સીસીટીવીના આધારે તપાસ શરૂ

આ ચોરી અંગે મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 173 હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. કારખાનામાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે પશ્ચિમ બંગાળ તરફ ભાગી ગયેલા આરોપી કારીગર સંજીબ ઉર્ફે બાપનને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.