સુરત: ભાજપના રાજ્યસભા સાંસદના પુત્ર સાથે ₹76.44 લાખની છેતરપિંડી! ઈ-સ્ટેમ્પ વેન્ડર પતિ-પત્નીની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Crime News: સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને ભાજપના રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાના પરિવાર સાથે જમીનના ઈ-સ્ટેમ્પ ખરીદવાના બહાને 76.44 લાખ રૂપિયાની છેતરપિંડી થયાની ઘટના સામે આવ્યો છે. સાંસદના પુત્ર શ્રેયાંશ ધોળકિયા પાસેથી રકમ મેળવી લઈ ઈ-સ્ટેમ્પ ન આપી અંગત વપરાશમાં લઈ લેનાર સરકાર માન્ય અધિકૃત સ્ટેમ્પ વેન્ડર દંપતી સામે સુરત શહેર ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી તેની ઘરપકડ કરી છે.
પલસાણાની જમીનના દસ્તાવેજ માટે 76.44 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા
મળતી માહિતી અનુસાર, સુરતના કતારગામ સ્થિત શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ (SRK)ના મેનેજર કનુ માલવિયાએ સાંસદના પુત્ર શ્રેયાંશ ધોળકિયા વતી ફરિયાદ નોંધાવી છે. શ્રેયાંશ ધોળકિયાને પલસાણા વિસ્તારમાં ખરીદેલી જમીનના દસ્તાવેજ માટે 76,44,900 રૂપિયાના ઈ-સ્ટેમ્પની જરૂરિયાત હતી. વર્ષ 2020થી આ જ વેન્ડર પાસેથી સ્ટેમ્પ પેપર ખરીદતા હોવાથી ડિસેમ્બર 2025માં રામકૃષ્ણ મેવાવાલા અને તેની પત્ની સલોની મેવાવાલા (રહે. શિલ્પી સોસાયટી, રાંદેર)ના ખાતામાં RTGSથી રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.
બીજા લોકોને સ્ટેમ્પ ઇસ્યુ કરી દીધા
નાણાં મેળવ્યા બાદ દંપતીએ સમયસર સ્ટેમ્પ ન આપી બહાનાબાજી શરૂ કરી હતી. તપાસ દરમિયાન ઘટસ્ફોટ થયો હતો કે, આરોપીઓએ સાંસદના પુત્ર પાસેથી મેળવેલી રકમમાંથી બીજા જ લોકોને સ્ટેમ્પ ઇસ્યુ કરી તે નાણાં પોતાના અંગત મોજશોખમાં વાપરી નાખ્યા હતા. ઉઘરાણી વધતાં આરોપીઓએ આપ્ર આપેલો 76.44 લાખ રૂપિયાનો બેન્ક ચેક પણ ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાને કારણે બાઉન્સ થયો હતો.
ક્રાઈમ બ્રાંચે દંપતીની કરી ધરપકડ
છેતરપિંડીનો ભોગ બન્યાની ખાતરી થતાં મામલો સુરત પોલીસ કમિશનર સમક્ષ રજૂ કરાયો હતો. પોલીસ કમિશનરની મંજૂરી બાદ ડીસીબી ક્રાઈમ બ્રાન્ચે ગવર્નમેન્ટ સ્ટેમ્પ વેન્ડર 36 વર્ષીય રામકૃષ્ણ મેવાવાલા અને 32 વર્ષીય સલોની મેવાવાલા સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, અગાઉ પણ દંપતી સામે પાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું છે.




