સુરત: ફીજીબિલિટી રિપોર્ટ પહેલાં જ બ્રિજના નામે ભાજપમાં ઘમાસાણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat: સુરતના અશ્વિનીકુમાર-ઉત્રાણને જોડતા તાપી રિવર બ્રિજને લઈને ભાજપમાં જ મતભેદ હવે સપાટી પર આવ્યા છે. ખાસ કરીને બ્રિજની ફીજીબિલિટી અંગેનો રિપોર્ટ હજુ આવ્યો નથી ત્યાં જ બ્રિજ બનાવવો કે નહીં તે મુદ્દે રાજકીય ખેંચતાણ શરૂ થતાં આ સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. પાલિકાની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરે બ્રિજની જરૂરિયાત, ખર્ચ અને ફીજીબિલિટી અંગે સવાલો ઉઠાવી પહેલા રિપોર્ટની વાત કરી હતી. ત્યારબાદ પૂર્વ શાસક પક્ષના નેતાઓએ પણ પાલિકા તંત્રને પત્ર લખી બ્રિજ અંગે રજૂઆત કરી હતી. હવે વરાછાના ધારાસભ્યએ મેયરને પત્ર લખી કામગીરી તરત શરુ કરવા માંગણી કરી છે. એટલું જ નહીં, બ્રિજના વિરોધ પાછળ કોર્પોરેટરના અંગત સ્વાર્થ હોવાની શંકા પણ પત્રમાં વ્યક્ત થતાં વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. પરિણામે હવે સવાલ માત્ર બ્રિજ બનાવવો કે નહીં બનાવવો પૂરતો રહ્યો નથી, પરંતુ બ્રિજના સમર્થન અને વિરોધ પાછળ ખરેખર કોનો અંગત સ્વાર્થ છે કોર્પોરેટરનો કે ધારાસભ્યનો? તે પણ તપાસનો વિષય બન્યો છે.
સુરતના અશ્વિનીકુમાર-ઉત્રાણને જોડતા તાપી રિવર બ્રિજને લઈને ભાજપમાં જ મતભેદ હવે ખુલીને બહાર આવ્યા છે. પાલિકાની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર ભુપેન્દ્ર રાઠોડે બ્રિજના ખર્ચ અને જરૂરિયાત અંગે સવાલ ઉઠાવી પહેલા જરૂરિયાત નું મૂલ્યાંકન કરવા તેમજ ફીજીબિલિટી રિપોર્ટ મેળવવાની વાત કરી હતી ત્યાર બાદ પુર્વ શાસક પક્ષ નેતા આર.કે. લાઠીયાએ બ્રિજ ન બને તો આંદોલનની ચીમકી આપી છે. હવે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ મેયરને પત્ર લખી બ્રિજનું કામ તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી છે.
કાનાણીએ પત્રમાં જણાવ્યું છે કે અશ્વિનીકુમાર-ઉત્રાણને જોડતો તાપી રિવર બ્રિજ છેલ્લા ત્રણ વર્ષથી પાલિકાના બજેટમાં સમાવિષ્ટ છે અને તેને હવે તાત્કાલિક શરૂ કરવો જોઈએ. તેમના મતે અશ્વિનીકુમાર-ઉત્રાણ બ્રિજ બનવાથી ઉત્રાણ, મોટાવરાછા, વેલંજા અને ઉમરાના લોકોને સુરત શહેર તથા કતારગામ તરફ જવા માટે સીધો માર્ગ મળી શકે છે. જેના કારણે વરાછા મેઇન રોડ પરનું ટ્રાફિકનું ભારણ ઘટવાની સાથે લોકોના સમય અને ઈંધણની પણ બચત થઈ શકે છે. આથી આ બ્રિજની જરૂરિયાત હોવાનું તેમણે પત્રમાં ભારપૂર્વક જણાવ્યું છે.
પત્રમાં પોતાના પત્રમાં કોર્પોરેટરના વલણ સામે આકરો પ્રહાર કરતાં જણાવ્યું છે કે વરાછા, ઉત્રાણ, મોટાવરાછા, વેલંજા અને ઉમરામાં રહેતા લાખો લોકોને બ્રિજની જરૂરિયાત છે કે નહીં તે નક્કી કરવાનો અધિકાર કોર્પોરેટરને નથી. ‘અમે છીએ નક્કી કરવા વાળા, અમે નક્કી કરીશું,’ તેવો ઉલ્લેખ તેમણે કર્યો છે. આમ, એક તરફ પાલિકાની સામાન્ય સભામાં ભાજપના જ કોર્પોરેટર દ્વારા બ્રિજની જરૂરિયાત અને ફીજીબિલિટી રિપોર્ટ અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે, જ્યારે બીજી તરફ ધારાસભ્ય દ્વારા બ્રિજને તાત્કાલિક શરૂ કરવાની માંગ સાથે વિરોધ પાછળ અંગત સ્વાર્થ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. ફીજીબિલિટી રિપોર્ટ આવ્યા પહેલાં જ બ્રિજના સમર્થન અને વિરોધનો મુદ્દો રાજકીય રંગ પકડી રહ્યો છે. હવે પાલિકા તંત્ર ફીજીબિલિટી રિપોર્ટ અને ટ્રાફિકની જરૂરિયાતના આધારે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.
અશ્વિનીકુમાર-ઉત્રાણ બ્રિજ અંગે હાલમાં સૌથી મહત્વનો સવાલ એ છે કે જ્યારે ફીજીબિલિટી રિપોર્ટ જ હજુ આવ્યો નથી ત્યારે બ્રિજ બનાવવાનો કે નહીં બનાવવાનો નિર્ણય કયા આધારે થઈ રહ્યો છે? માત્ર બ્રિજની જરૂરિયાતનો જ નહીં, પરંતુ બ્રિજ બનાવવો કે નહીં બનાવવો તે પાછળ ખરેખર કોનો અંગત સ્વાર્થ છે-કોર્પોરેટરનો કે ધારાસભ્યનો? તે પણ તપાસનો વિષય બની ગયો છે. અંતે ફીજીબિલિટી રિપોર્ટ જ નક્કી કરશે કે આ બ્રિજ ખરેખર શહેરની જરૂરિયાત છે કે પછી રાજકીય દાવપેચ નો મુદ્દો બની રહ્યો છે.




