સુરત: શિક્ષકોને બિનશૈક્ષણિક કામગીરીમાંથી મુક્ત કરવાની ચર્ચા વચ્ચે નવી ફરજ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat: શિક્ષકોને બિનશૈક્ષણિક કામગીરી માંથી મુક્ત કરવાની ચર્ચા વચ્ચે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો પર એક પછી એક નવી કામગીરીનો બોજો નાખવામાં આવી રહ્યો છે. SIR કામગીરી, પ્રવેશોત્સવ, વસ્તી ગણતરી-2026, બેક ટુ સ્કૂલ સર્વે બાદ હવે સિગ્નલ સ્કૂલના કાર્યક્રમમાં પણ શિક્ષકોને જોડવામાં આવ્યા છે. સંજીવકુમાર ઓડિટોરિયમમાં શનિવારે સિગ્નલ સ્કૂલના ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરાયું હતું, પરંતુ સમિતિના શિક્ષકોને વિદ્યાર્થીઓની જેમ દોઢ કલાક અગાઉ હાજર કરી ઓડિટોરિયમમાં બેસાડી રાખવામાં આવ્યા હતા. એક તરફ અતિવૃષ્ટિની રજાઓની ભરપાઈ અને બાકી રહેલો અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે વર્ષોથી ચાલતી વાસી બળેવની રજા પણ રદ કરવામાં આવી છે, ત્યારે બીજી તરફ બચાવેલો શૈક્ષણિક સમય જ આવા કાર્યક્રમોમાં ખર્ચાઈ રહ્યો હોવાનો સવાલ ઉઠ્યો છે.
સુરત શહેરના વિવિધ ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા બાળકોને શિક્ષણ ના પ્રવાહમાં લાવી તેમના ભવિષ્યને નવી દિશા આપવાના હેતુથી સુરત પાલિકા અને સુરત ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસિસ ઓથોરિટી ના સહયોગથી સિગ્નલ સ્કૂલ શરૂ કરવામાં આવી છે. આ માટેનો કાર્યક્રમ પાલ-અડાજણના સંજીવકુમાર ઓડિટોરિયમ માં કાર્યક્રમનો સમય બપોરે ત્રણ વાગ્યાનો હતો, જોકે, શિક્ષકોને વિદ્યાર્થીઓની જેમ દોઢ કલાક વહેલા એટલે કે 1.30 વાગ્યે બોલાવી ઓડિટોરિયમમાં બેસાડી રાખવામાં આવ્યા હતા જેના કારણે વિવાદ ઉભો થયો છે.
વિદ્યાર્થીઓને કોઈ કાર્યક્રમમાં વ્યવસ્થા માટે થોડા સમય વહેલા બોલાવવામાં આવે તે સમજી શકાય, પરંતુ શાળામાં નિયમિત રીતે વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા શિક્ષકોને પણ વિદ્યાર્થીઓની જેમ લાંબો સમય અગાઉ બોલાવી ઓડિટોરિયમમાં બેસાડી રાખવામાં આવતા શિક્ષકોમાં નારાજગી જોવા મળી હતી. ખાસ કરીને જે શિક્ષકોની મુખ્ય જવાબદારી વર્ગખંડમાં વિદ્યાર્થીઓને ભણાવવાની છે, તેમને કાર્યક્રમમાં આટલો સમય અગાઉ શા માટે હાજર રહેવાનું કહેવામાં આવ્યું તે અંગે પણ સવાલો ઊભા થયા છે.
મહત્વનું એ છે કે ચાલુ વર્ષે અતિવૃષ્ટિના કારણે શાળાઓમાં રજાઓ વધી જતાં બાકી રહેલો અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે શિક્ષણ સમિતિએ રવિવારે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. સપ્ટેમ્બર મહિનાના ચાર રવિવારે શાળા ચાલુ રાખવાની સાથે વર્ષોથી આપવામાં આવતી વાસી બળેવની રજા પણ રદ કરવામાં આવી છે. રજા રદ કરવા પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓનો બાકી રહેલો અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો અને શિક્ષણ કાર્ય માટે વધુ સમય ઉપલબ્ધ કરાવવાનો હોવાનું માનવામાં આવે છે.પરંતુ એક તરફ રજા રદ કરીને શૈક્ષણિક સમય વધારવાનો નિર્ણય લેવાય છે અને બીજી તરફ એ જ શિક્ષકોને વિવિધ બિનશૈક્ષણિક કામગીરી અને કાર્યક્રમોમાં જોડવામાં આવે છે તો નિર્ણયની અસરકારકતા સામે સવાલ ઊભા થાય છે. શિક્ષકનો મહત્તમ સમય વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સાથે પસાર થાય અને વિદ્યાર્થીઓના અભ્યાસમાં તેનો સીધો ઉપયોગ થાય તે શિક્ષણની ગુણવત્તા માટે જરૂરી છે. ત્યારે શિક્ષકોને સતત તાલીમ, સરકારી કામગીરી, સર્વે, અભિયાન અને વિવિધ કાર્યક્રમોમાં જોડવામાં આવતા વર્ગખંડમાં શિક્ષણ માટે ઉપલબ્ધ સમય પર તેની સીધી અસર થતી હોવાનો શિક્ષકોમાં ગણગણાટ છે.જો વિદ્યાર્થીઓનો બાકી રહેલો અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે વાસી બળેવની વર્ષો જૂની રજા પણ રદ કરવી પડે અને રવિવારે શાળા શરૂ કરવી પડે, તો પછી એ જ શિક્ષકોને શૈક્ષણિક કાર્યથી દૂર રાખીને કાર્યક્રમોમાં બેસાડવાનો હેતુ શું? શિક્ષકોનો સમય વર્ગખંડમાં વિદ્યાર્થીઓને આપવાને બદલે આવા કાર્યક્રમોમાં પસાર થતો રહેશે તો રજા રદ કરીને વધારવામાં આવેલા શૈક્ષણિક સમયનો વાસ્તવિક લાભ વિદ્યાર્થીઓને કેટલો મળશે તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.




