સુરત: બસેરા નગરમાં ગભેણી ચોકડી નજીક દુકાનમાં ભીષણ આગ લાગતાં કેમિકલ ડ્રમ ફાટ્યા, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Fire News: સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ગભેણી ચોકડી નજીક બસેરા નગરમાં બુધવારે (બીજી સપ્ટેમ્બર) સવારે એક દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. દુકાનમાં રાખવામાં આવેલા કેમિકલના ડ્રમ જોરદાર ધડાકા સાથે ફાટતાં આસપાસના વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
કેમિકલના ડ્રમ ધડાકાભેર ફાટતાં અફરાતફરી
પ્રાથમિક માહિતી અનુસાર, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. કેમિકલના ડ્રમે આગ પકડતાં થયેલા ધડાકાને કારણે આગે ઝડપથી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ધડાકા એટલા તીવ્ર હતા કે દુકાનની છતના પતરાં ઉડી ગયાં હતાં. આ ઘટનામાં દુકાનની બહાર પડેલા ભંગારના વાહનો અને અન્ય સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી.
ઘટના અંગે જાણ થતાં જ ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ સાથે સચિન જીઆઈડીસી પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. હાલ પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગના ચોક્કસ કારણો અને થયેલા આર્થિક નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.




