Surat

SMIMER બહાર ગટરિયા પૂર : પાલિકાની હોસ્પિટલ પાસે જ ગંદકીનું સામ્રાજ્ય, ગંદકીનો ‘ઇલાજ’ કોણ કરશે?

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
સુરતની SMIMER હોસ્પિટલ બહાર ગંદકી અને ગટરના પાણી ભરાતા દર્દીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાંથી આવતા દર્દીઓ અને તેમના સગાઓને રોગમાંથી મુક્ત થવા હોસ્પિટલ પહોંચતા પહેલા ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. પાલિકા શહેરમાં સ્વચ્છતા માટે ઝુંબેશ ચલાવે છે, પરંતુ 750 બેડની આ હોસ્પિટલ બહારની ગંદકી દૂર કરવામાં નિષ્ફળ રહી છે. આનાથી ચેપી રોગોનું જોખમ વધ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

SMIMER બહાર ગટરિયા પૂર : પાલિકાની હોસ્પિટલ પાસે જ ગંદકીનું સામ્રાજ્ય, ગંદકીનો ‘ઇલાજ’ કોણ કરશે?

Surat SMIMER Hospital : સુરતમાં લોકોને સ્વચ્છતા જાળવવા સમજાવતી અને જાહેરમાં ગંદકી કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરતી પાલિકા પોતાની જ સંચાલિત હોસ્પિટલની બહારની ગંદકી દૂર કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાંથી સારવાર માટે આવતા દર્દીઓ અને તેમની સાથે આવતા સગાઓ માટે SMIMER હોસ્પિટલની બહાર ગટરિયા પૂર અને ગંદકીની સ્થિતિ ગંભીર મુશ્કેલી બની છે. રોગમાંથી મુક્તિ મેળવવા હોસ્પિટલ પહોંચતા દર્દીઓએ જ ગંદા પાણી અને અસ્વચ્છ વાતાવરણમાંથી પસાર થવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. હોસ્પિટલની બહારની આ ગંદકીથી દુર્ગંધ, મચ્છર-માખી અને ચેપજન્ય રોગોનું જોખમ ઊભું થવાની ભીતિ વચ્ચે પાલિકાની સ્વચ્છતા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊઠી રહ્યા છે.
સુરત પાલિકા દ્વારા સંચાલિત SMIMER હોસ્પિટલ શહેર જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતના દર્દીઓ માટે સારવારનું મહત્વનું કેન્દ્ર છે. 750 બેડની આ તૃતીયકક્ષાની હોસ્પિટલમાં રોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવે છે. પાલિકાના સત્તાવાર આંકડા મુજબ 2026માં જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન જ OPDમાં લાખો દર્દીઓની હાજરી નોંધાઈ છે
આવી મહત્વની હોસ્પિટલની બહાર જ ગટરિયા પૂર અને ગંદકીની ગંભીર સ્થિતિ હોવાના કારણે દર્દીઓ અને તેમના સગાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલમાં સારવાર માટે આવનારા દર્દીઓને ગંદા પાણી અને કચરાવાળા વાતાવરણ વચ્ચેથી પસાર થવાની ફરજ પડી રહી છે. ખાસ કરીને ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ, વૃદ્ધો, બાળકો અને મહિલાઓ માટે આ સ્થિતિ વધુ મુશ્કેલીજનક બની રહી છે.
વિડંબના એ છે કે એક તરફ સુરત પાલિકા શહેરમાં જાહેર સ્થળે ગંદકી કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરે છે અને સ્વચ્છતા જાળવવા માટે સતત ઝુંબેશ ચલાવે છે, જ્યારે બીજી તરફ પાલિકાની જ હોસ્પિટલની બહાર ગંદકી અને ગટરિયા પાણીની સમસ્યા લાંબા સમય સુધી જોવા મળે તો જવાબદારી કોની તેવો સવાલ ઊભો થાય છે. SMIMERમાં જનરલ મેડિસિન સહિતના વિભાગોમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓની સારવાર થાય છે અને હોસ્પિટલમાં 24 કલાક ઇમરજન્સી સેવા પણ ઉપલબ્ધ છે. આવા સંજોગોમાં હોસ્પિટલના પ્રવેશ અને બહારના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવી એ માત્ર સુવિધાનો પ્રશ્ન નહીં પરંતુ જાહેર આરોગ્યની મૂળભૂત જવાબદારી છે.
ગટરિયા પાણી ભરાવાથી દુર્ગંધ ઉપરાંત મચ્છર-માખીનો ઉપદ્રવ વધવાની અને ચેપજન્ય રોગો ફેલાવાની શક્યતા રહે છે. સારવાર માટે હોસ્પિટલમાં આવનાર દર્દી કે તેની સાથે રહેનાર સગાને હોસ્પિટલની બહારના અસ્વચ્છ વાતાવરણના કારણે વધારાનું આરોગ્ય જોખમ ઊભું થાય તો તે અત્યંત ગંભીર બાબત છે.
પાલિકા આરોગ્ય ક્ષેત્રે મોટા પ્રમાણમાં સેવાઓ પૂરી પાડવાનો દાવો કરે છે ત્યારે તેની જ હોસ્પિટલના પ્રવેશદ્વાર પાસે સ્વચ્છતાની આવી સ્થિતિ પાલિકાની કામગીરી પર પ્રશ્નાર્થ ઊભો કરે છે. હોસ્પિટલની બહાર ગટરિયા પૂર સર્જાવાનું કારણ શોધી તાત્કાલિક સફાઈ, ડ્રેનેજની યોગ્ય વ્યવસ્થા અને નિયમિત દેખરેખ ગોઠવવાની જરૂર છે.