Surat

મીઠી ખાડીના પૂરથી ત્રસ્ત પરવત પાટીયાના રહેવાસીઓનો કલેક્ટર-પાલિકાને પોકાર : એક ડઝનથી વધુ સોસાયટીઓનું આવેદન

By GS Team
5 Aug 20264 mins read
TukuTouch Logo
સુરતના લિંબાયત ઝોનના પરવત પાટીયા વિસ્તારમાં મીઠી ખાડીના પૂરથી પરેશાન 12થી વધુ સોસાયટીના રહીશોએ કલેક્ટર અને મનપાને આવેદનપત્ર આપ્યું. તેમણે મીઠી ખાડીનું વૈજ્ઞાનિક આયોજન કરી, ગેરકાયદે દબાણો હટાવી, ઉચ્ચસ્તરીય તપાસ કરાવી અને પૂરગ્રસ્તોને વળતર ચૂકવી કાયમી ઉકેલની માંગ કરી છે. દર વર્ષે ઘરોમાં પાણી ઘૂસવાથી ભારે નુકસાન થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મીઠી ખાડીના પૂરથી ત્રસ્ત પરવત પાટીયાના રહેવાસીઓનો કલેક્ટર-પાલિકાને પોકાર : એક ડઝનથી વધુ સોસાયટીઓનું આવેદન

Surat Flood : સુરતમાં લિંબાયત ઝોનના પરવત પાટીયા વિસ્તારમાં દર વર્ષે સર્જાતી મીઠી ખાડીના પૂરથી કંટાળેલા એક ડઝનથી વધુ સોસાયટીઓના પ્રમુખો અને રહેવાસીઓએ બુધવારે જિલ્લા કલેક્ટર અને સુરત મહાનગરપાલિકાને આવેદનપત્ર આપીને કાયમી ઉકેલની માંગ કરી છે.
આવેદનમાં મીઠી ખાડીનું વૈજ્ઞાનિક આયોજન કરી તેને મૂળ પહોળાઈમાં પુનઃસ્થાપિત કરવા, આસપાસના ગેરકાયદે દબાણો દૂર કરવા, સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરાવવા તેમજ પૂરગ્રસ્ત પરિવારો અને ઉદ્યોગોને વાસ્તવિક નુકસાનના આધારે યોગ્ય વળતર ચુકવવાની માંગ કરવામાં આવી છે. રહેવાસીઓએ દર વર્ષે સર્જાતી પૂર પરિસ્થિતિને હવે માત્ર તાત્કાલિક નહીં પરંતુ કાયમી ધોરણે ઉકેલવા માટે સમયબદ્ધ આયોજન જાહેર કરવાની પણ અપીલ કરી છે. લિંબાયત ઝોનના પરવત પાટીયા વિસ્તારના વોર્ડ નં.18 અને 19 ની એક ડઝનથી વધુ રહેણાંક સોસાયટીના પ્રમુખ અને રહેવાસીઓએ મીઠી ખાડીના કારણે દર વર્ષે સર્જાતી પૂર પરિસ્થિતિથી કંટાળી આજે રેલી કાઢવા જાહેરાત કરી હતી પરંતુ પોલીસ પરવાનગી ન મળતા રેલી કાઢ્યા વિના જ અસરગ્રસ્ત સોસાયટીના રહીશો સીધા પહેલા કલેક્ટર કચેરી અને ત્યારબાદ પાલિકા કચેરી જઈને આ સ્થિતિથી મુક્તિ આપવા માટે આવેદનપત્ર આપ્યું હતું.
આવેદનમાં જણાવાયું છે કે છેલ્લા 15 વર્ષથી મીઠી ખાડીના કારણે પરવત પાટીયા અને આસપાસના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે. છેલ્લા કેટલાક વર્ષોથી તો ચોમાસામાં આ સમસ્યા નિયમિત બની ગઈ છે. દર વર્ષે ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરી, વાહનો અને રોજગારને ભારે નુકસાન થાય છે, છતાં સમસ્યાનો સ્થાયી ઉકેલ આવ્યો નથી. રહેવાસીઓએ રજૂઆતમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે વર્ષ 2019-20 દરમિયાન અન્ય ખાડીઓનું પાણી મીઠી ખાડીમાં ડાયવર્ટ કરવામાં આવ્યા બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની હોઈ શકે છે. આ નિર્ણય નિયમો મુજબ લેવાયો હતો કે નહીં તેની સ્વતંત્ર અને ઉચ્ચસ્તરીય તપાસ કરાવવા, સંબંધિત મંજૂરીઓ અને તકનીકી અહેવાલો જાહેર કરવા તેમજ જો કોઈ બેદરકારી સામે આવે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
આવેદનમાં વધુમાં જણાવાયું છે કે દર વર્ષે મીઠી ખાડીના ડ્રેજિંગ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં પૂરની સમસ્યા યથાવત્ છે. તેથી મીઠી ખાડીને તેની મૂળ પહોળાઈમાં પુનઃસ્થાપિત કરવી, ખાડી કિનારાના ગેરકાયદે દબાણો દૂર કરવા, નિષ્ણાત સંસ્થાઓ પાસેથી વૈજ્ઞાનિક અભ્યાસ કરાવવો અને સમગ્ર વિસ્તાર માટે સમયબદ્ધ આયોજન જાહેર કરવું જરૂરી હોવાનું જણાવાયું છે. રહેવાસીઓએ પૂરથી અસરગ્રસ્ત તમામ પરિવારો અને ઉદ્યોગોને વાસ્તવિક નુકસાનના આધારે યોગ્ય વળતર ચૂકવવાની માંગ પણ કરી છે. સાથે જ જિલ્લા કલેક્ટર જાતે સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કરે અને સમસ્યાના કાયમી ઉકેલ માટે તાત્કાલિક પગલાં ભરે તેવી અપીલ કરવામાં આવી છે. આવેદનના અંતે રહેવાસીઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે તેઓ વિકાસના વિરોધી નથી, પરંતુ દર વર્ષે હજારો પરિવારોને નુકસાન પહોંચાડતી મીઠી ખાડીની સમસ્યાનો હવે કાયમી ઉકેલ લાવવાનો સમય આવી ગયો છે. "દર વર્ષે પૂર નહીં, હવે કાયમી ઉકેલ જોઈએ"ના સૂત્ર સાથે તેમણે વહીવટી તંત્ર પાસે ઝડપી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
રેલીને મંજૂરી નહીં, રહેવાસીઓએ આવેદન આપી વ્યક્ત કર્યો રોષ
મીઠી ખાડીના કારણે દર વર્ષે સર્જાતી ખાડીપૂરની સમસ્યાના વિરોધમાં પરવટ પાટીયા અને આસપાસની સોસાયટીઓના રહેવાસીઓએ બુધવારે વિશાળ બાઈક રેલી યોજવાનું આયોજન કર્યું હતું. જોકે સ્થાનિક પોલીસે રેલી માટે પરવાનગી આપવાનો ઈન્કાર કરતાં આયોજકોએ રેલી રદ કરી હતી. સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવતા સ્થિતિ શાંતિપૂર્ણ રહી હતી.
આયોજકોના જણાવ્યા મુજબ સવારે 9.30 વાગ્યે સત્યમ શિવમ એપાર્ટમેન્ટથી મોડલ ટાઉન, મેટ્રો રોડ, રોકડિયા હનુમાન, ઉધના દરવાજા અને વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ થઈ જિલ્લા કલેક્ટર કચેરી સુધી બાઈક રેલી કાઢવાનું આયોજન હતું. પરંતુ પોલીસ દ્વારા પરવાનગી ન મળતાં રેલી યોજાઈ શકી નહોતી. રેલી રદ થયા બાદ એક ડઝનથી વધુ સોસાયટીઓના પ્રમુખો અને આગેવાનો જિલ્લા કલેક્ટર અને ત્યાર બાદ પાલિકા મળ્યા હતા અને મીઠી ખાડીની કાયમી સમસ્યાના ઉકેલ, ઉચ્ચસ્તરીય તપાસ અને પૂરગ્રસ્તોને યોગ્ય વળતર આપવા અંગે આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆત કરી હતી. પોલીસ દ્વારા રેલીને મંજૂરી ન અપાતા કેટલાક સ્થાનિકોમાં નારાજગી પણ જોવા મળી હતી.
ખાડીનું ડાયવર્ઝન રદ કરો, દબાણો દૂર કરો : રહેવાસીઓની રજૂઆત
મીઠી ખાડીની કાયમી સમસ્યાના ઉકેલ માટે રહેવાસીઓએ આવેદનપત્રમાં અનેક મહત્વપૂર્ણ માંગણીઓ પણ કરી છે. સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ વાલક પાટીયા વિસ્તારની ખાડીઓનું જે પાણી મીઠી ખાડીમાં ડાયવર્ટ કરવામાં આવ્યું છે તેને તાત્કાલિક તાપી નદી તરફ વાળવામાં આવે, જેથી મીઠી ખાડી પર વધતો પાણીનો ભાર ઘટે. આ ઉપરાંત સરકારી રેકોર્ડ મુજબ આશરે 90 મીટરની પહોળાઈ ધરાવતી મીઠી ખાડીને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવામાં આવે અને ખાડીની બંને બાજુ છેલ્લા કેટલાક વર્ષોમાં ઉભા થયેલા ગેરકાયદે દબાણો કોઈપણ ભેદભાવ વગર તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.