સુરતમાં ભાજપના નેતાઓના જાહેર વિવાદમાં કાર્યવાહીને બદલે સમાધાન થતાં સવાલો ઊભા થયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat BJP Controversy: શિસ્તબદ્ધ પક્ષ હોવાના નામે અન્ય રાજકીય પક્ષોને આડે હાથ લેતી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) હવે સુરતમાં પોતાના જ નેતાઓના જાહેર વિવાદમાં કડક કાર્યવાહી કરવાને બદલે 'સમાધાન'નો માર્ગ અપનાવતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. ધારાસભ્યની ઓફિસમાં કોર્પોરેટર દંપતિ અને ટીપી કમિટીના અધ્યક્ષ વચ્ચે થયેલી બોલાચાલી અને મારામારીના વિવાદ બાદ ખુલ્લેઆમ એકબીજા પર ગંભીર આક્ષેપો થયા છતાં, પક્ષ દ્વારા કોઈ જ શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા નથી.
ધારાસભ્યની ઓફિસમાં બબાલ અને સોશિયલ મીડિયા પર સામસામે આક્ષેપો
સુરતના ધારાસભ્યની ઓફિસમાં બનેલી આ ઘટનામાં બંને પક્ષના સમર્થકો સોશિયલ મીડિયામાં સામસામે આવી ગયા હતા. ઈજા, સારવાર અને અન્ય વિવાદિત મુદ્દાઓને લઈને ખુલ્લેઆમ એકબીજા સામે વિરોધ પ્રદર્શન અને આક્ષેપ-પ્રત્યારોપ કરવામાં આવ્યા હતા. આ ઘટનાને કારણે પક્ષની અંદરોઅંદરની ખેંચતાણ જાહેરમાં આવી ગઈ હતી અને સોશિયલ મીડિયા પર પક્ષની આબરૂના ધજાગરા ઊડ્યા હતા.

કાર્યવાહીના બદલે સમાધાનનો માર્ગ
આવા ગંભીર મામલે સામાન્ય રીતે ભાજપ કારણદર્શક નોટિસ (Show Cause Notice) કે સસ્પેન્શન જેવા કડક પગલાં ભરતો હોય છે. પરંતુ આ કેસમાં કોઈ સામે સત્તાવાર કાર્યવાહી કરવાને બદલે પ્રદેશ મહામંત્રીની મધ્યસ્થીથી બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવી દેવામાં આવ્યું. આ પગલાને કારણે ભાજપ પણ હવે કડક શિસ્તના બદલે કોંગ્રેસની જેમ ‘સમાધાનવાદી’ કાર્યશૈલી અપનાવી રહ્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
સમાધાનની સોશિયલ મીડિયા પોસ્ટ પર યુઝર્સની તીખી પ્રતિક્રિયા
સુરત ભાજપના સત્તાવાર સોશિયલ મીડિયા પેજ પર જ્યારે આ વિવાદમાં સમાધાન થયાની માહિતી પોસ્ટ કરવામાં આવી, ત્યારે કોમેન્ટ સેક્શનમાં લોકોની તીખી પ્રતિક્રિયાઓ જોવા મળી હતી.
અનેક યુઝર્સે સવાલ ઉઠાવ્યો હતો કે 'જાહેરમાં પક્ષની છબી ખરાબ કરનારાઓ સામે શિસ્તભંગના પગલાં કેમ ન લેવાયા?' જ્યારે કેટલાક લોકોએ પક્ષની શિસ્તબદ્ધ છબી સામે પણ પ્રશ્નો ખડા કર્યા હતા. જોકે, બીજી તરફ પક્ષના કેટલાક સમર્થકોએ વિવાદનો અંત લાવવાના આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો.
હવે રાજકીય ક્ષેત્રે એ જોવાનું રહેશે કે પક્ષ આ મામલાને સમાધાન સાથે પૂર્ણ થયેલો ગણશે કે પછી આગળ જતાં કોઈ સત્તાવાર કાર્યવાહી કરીને શિસ્તનો સંદેશ આપશે.









