સુરતમાં ગણેશ વિસર્જનના દિવસે શહેરની જાહેર પરિવહન સેવા બંધ રહેશે : BRTS-સીટી બસના પૈડા થંભી જશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Ganesh Visharjan : ગણેશ વિસર્જનને પગલે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાવાની શક્યતાને ધ્યાનમાં રાખી પાલિકાએ 25 સપ્ટેમ્બરે તમામ BRTS અને સીટી બસ સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ દિવસે રોજિંદા ધોરણે જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરતા 2.5 લાખથી વધુ મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે.
ગણેશ વિસર્જનને પગલે સુરત શહેરમાં 25 સપ્ટેમ્બરના રોજ વિવિધ માર્ગો પર મોટી સંખ્યામાં પ્રતિમાઓની વિસર્જન યાત્રા નીકળનાર હોવાથી ટ્રાફિક વ્યવસ્થા ખોરવાવાની અને બસોના સંચાલનમાં અડચણ ઊભી થવાની શક્યતાને ધ્યાનમાં રાખી સુરત પાલિકાએ એક દિવસ માટે સમગ્ર જાહેર પરિવહન સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વિસર્જન યાત્રાના રૂટને ધ્યાનમાં રાખીને સલામતીના કારણોસર BRTS તેમજ સીટી બસનું સંચાલન સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.
સુરત શહેરમાં પાલિકા દ્વારા શહેરીજનોને રાહત દરે BRTS અને સીટી બસની સેવા આપવામાં આવે છે. દેશના સૌથી લાંબા 108 કિલોમીટરના ડેડિકેટેડ BRTS કોરિડોર પર 13 રૂટમાં 385 BRTS બસ દોડાવવામાં આવે છે. જ્યારે 45 સીટી બસ રૂટ પર 440 બસનું સંચાલન થાય છે. આમ કુલ 825 બસ દ્વારા 418 કિલોમીટરના રૂટ પર જાહેર પરિવહન સેવા આપવામાં આવે છે અને દૈનિક આશરે 2.5 લાખથી વધુ મુસાફરો તેનો લાભ લે છે. પોલીસ વિભાગ તરફથી મળેલી સૂચના મુજબ 25 સપ્ટેમ્બરે શહેરના અનેક મુખ્ય માર્ગો, ઓવરબ્રિજ, સર્કલ અને વિસર્જન સ્થળો તરફના રસ્તાઓ પર પ્રતિમાઓની અવરજવર રહેશે.
અઠવાગેટ, એસવીએનઆઇટી, રાહુલરાજ મોલ, અઠવા ઓવરબ્રિજ, સરદાર તાપી બ્રિજ, અડાજણ, સ્ટાર બજાર, પાલ આરટીઓ, ભાઠા, ઓએનજીસી સર્કલ, ક્રિભકો ઓવરબ્રિજ, મોરા સર્કલ, એલ એન્ડ ટી, ડભોલી, પરવત પાટિયા, ભાઠેના, ઉધના-મગદલ્લા રોડ, ભટાર, અણુવ્રત દ્વાર, વેસુ, રાજહંસ ચાર રસ્તા, આભવા સહિતના વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા બદલાશે.
વિસર્જન યાત્રા દરમિયાન બસોના રૂટ પર વાહનવ્યવહાર ધીમો પડવાની અથવા કેટલાક માર્ગો બંધ થવાની સંભાવના હોવાથી બસ ઓપરેશન ચાલુ રાખવાથી મુસાફરો અટવાઈ શકે તેમજ વિસર્જન યાત્રામાં પણ અડચણ ઊભી થઈ શકે તેમ છે. આથી કોઈ અણબનાવ ન બને અને વિસર્જનની કામગીરી સલામત રીતે પૂર્ણ થાય તે માટે 25 સપ્ટેમ્બરે તમામ BRTS અને સીટી બસ રૂટનું સંચાલન બંધ રાખવામાં આવશે. પાલિકાએ શહેરીજનોને આ નિર્ણયની ખાસ નોંધ લેવા અને 25 સપ્ટેમ્બરે જાહેર પરિવહન સેવાના વિકલ્પો અગાઉથી નક્કી કરી લેવા અપીલ કરી છે.




