સુરતમાં ખાડી પૂર બાદ ઉકળ્યો જનાક્રોશ: પ્રજાના રોષની અડફેટમાં આવ્યા ભાજપના વધુ એક ધારાસભ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Heavy Rain : સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને ખોબે ખોબે મત આપનારી જનતા હવે એ જ ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિ-નેતાઓને ખુલ્લેઆમ ઘેરી રહી છે. ખાડી પૂરે માત્ર ઘરોમાં પાણી નથી ભર્યાં, પરંતુ વર્ષોની અવગણના સામેનો દબાયેલો જનઆક્રોશ પણ ઉકાળી નાખ્યો છે. ચાર દિવસ સુધી પાણીમાં જીવવા મજબૂર બનેલા લોકો હવે ખાલી આશ્વાસનથી સંતોષ માનવા તૈયાર નથી. પરિણામે ડુંભાલમાં અધિકારીઓ અને કોર્પોરેટરો બાદ પાંડેસરામાં ભાજપના ધારાસભ્ય મનુ પટેલ પણ પુરગ્રસ્તોના ઉગ્ર વિરોધ અને કડવા સવાલનો સામનો કરવા મજબૂર બન્યા હતા.
ગઈકાલે સવારે લિંબાયત ઝોનના ડુંભાલ-ગીતાનગર વિસ્તારમાં પુરગ્રસ્તોની મુલાકાતે ટ્રેક્ટરમાં પહોંચેલા પાલિકાના અધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટરો સામે લોકોનો ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ત્રણ દિવસ સુધી ઘૂંટણસમા પાણીમાં જીવન પસાર કરનારા લોકોએ મોડી મુલાકાતે પહોંચેલા અધિકારીઓ અને જનપ્રતિનિધિઓને ઘેરી લીધા હતા. વિરોધ એટલો ઉગ્ર બન્યો હતો કે ટ્રેક્ટરમાં બેઠેલા અધિકારીઓ અને કોર્પોરેટરોને નીચે ઉતરી પાણીમાં પગપાળા ચાલવાની ફરજ પડી હતી. સ્થાનિકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, લોકો પાણીમાં ત્રાહિમામ પોકારી રહ્યા હતા ત્યારે કોઈ જોવા આવ્યું નહોતું અને હવે માત્ર ઔપચારિક મુલાકાતોનો કોઈ અર્થ નથી. ડુંભાલની ઘટનાના થોડા જ કલાકોમાં મોડી સાંજે ઉધના વિધાનસભા વિસ્તારના પાંડેસરામાં પણ આવું જ દૃશ્ય જોવા મળ્યું હતું.
પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચેલા ભાજપના ધારાસભ્ય મનુ પટેલને સ્થાનિકોએ, ખાસ કરીને મહિલાઓએ, ઘેરી લીધા હતા. કેશ ડોલ અને રાહત અંગે સમજાવવા પહોંચેલા ધારાસભ્ય સામે મહિલાઓએ વર્ષોથી રસ્તા, ડ્રેનેજ અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો મુદ્દો ઉઠાવી ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. વાયરલ થયેલા વીડિયોમાં એક મહિલા ધારાસભ્યને સ્પષ્ટ શબ્દોમાં કહેતા સંભળાય છે કે, હવે અમારો મત અમારી પાસે જ રહેશે. તેના જવાબમાં ધારાસભ્ય મનુ પટેલે "હું મત લેવા આવ્યો નથી તેમ કહ્યું હતું. જોકે મહિલાઓએ તરત જ વળતો જવાબ આપતાં કહ્યું હતું કે, મત લેવા આવ્યા ત્યારે તો બહેનજી, મને મત આપજો કહીને તમે જ ઘર સુધી આવ્યા હતા. હવે લોકો મુશ્કેલીમાં છે ત્યારે માત્ર સમજાવવાથી કામ નહીં ચાલે. મહિલાઓના આ સવાલો અને રોષ સામે ધારાસભ્ય પણ થોડી વાર માટે ચૂપ થઈ ગયા હતા.
સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે ચોમાસું આવે એટલે પાંડેસરા સહિતના અનેક વિસ્તારોમાં રસ્તાઓ તૂટી જાય છે, ડ્રેનેજ ઉભરાય છે અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. અનેક રજૂઆતો અને ફરિયાદો છતાં કાયમી ઉકેલ આવ્યો નથી. પરિણામે આ વખતે ખાડી પૂરે લોકોનો વર્ષોનો દબાયેલો અસંતોષ પણ બહાર લાવી દીધો છે. ખાડી પૂરની આફત બાદ સુરતમાં ઊભો થયેલો આ જનઆક્રોશ હવે માત્ર કુદરતી આપત્તિ સામેનો રોષ નથી રહ્યો. લોકો વર્ષોથી ચાલતી નાગરિક સમસ્યાઓ, વિકાસના દાવા અને તંત્રની કામગીરી અંગે પણ ખુલ્લેઆમ સવાલો ઉઠાવી રહ્યા છે. ડુંભાલમાં અધિકારીઓ અને કોર્પોરેટરો બાદ પાંડેસરામાં ધારાસભ્ય સામે થયેલો વિરોધ એ સ્પષ્ટ સંકેત છે કે પુરગ્રસ્ત વિસ્તારોમાં હવે લોકો માત્ર આશ્વાસનથી સંતોષ માનવા તૈયાર નથી. તેઓ પોતાના મતના બદલામાં કામ અને જવાબદારીનો સ્પષ્ટ હિસાબ માંગવા લાગ્યા છે.









