સુરતમાં પ્રિ-મોન્સૂન કામગીરીના ધજાગરા: 3 દિવસના વરસાદમાં રસ્તાઓ ધોવાયા, ડિંડોલીમાં રોડની વચ્ચે ટેન્કર ફસાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Pre-Monsoon Work Exposed: સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસા પહેલાં કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવતી પ્રિ-મોન્સૂન કામગીરી અને રોડ-રસ્તાના ટકાઉપણાના દાવાઓ માત્ર ત્રણ જ દિવસના વરસાદમાં ધોવાઈ ગયા છે. શહેરમાં ચોમાસાની એન્ટ્રી સાથે જ સતત ત્રીજા દિવસે જુદા જુદા વિસ્તારોમાં રસ્તાઓ બેસી જવાની અને ડ્રેનેજ-પાણીની લાઈનોની ટ્રેન્ચો ધસી પડવાની ગંભીર ઘટનાઓ સામે આવી છે. પહેલા જ વરસાદે સાબિત કરી દીધું છે કે પાલિકાના રોડ કામો, ડ્રેનેજ લાઈન નાખ્યા બાદ કરાતું પુરાણ અને ટ્રેન્ચ બનાવવાની કામગીરી અત્યંત નબળી ગુણવત્તાની છે, જે હવે લોકો માટે આફત સમાન બની રહી છે.
શહેરમાં 3 દિવસમાં 3 મોટી ઘટનાઓ
સુરતમાં વરસાદ શરૂ થયે હજુ માત્ર ત્રણ જ દિવસ થયા છે, પરંતુ ડ્રેનેજ અને પાણીની નવી લાઈનો નાંખ્યા બાદ કોન્ટ્રાક્ટરો દ્વારા યોગ્ય રીતે પુરાણ ન કરવામાં આવ્યું હોવાથી આખો રોડ બેસી જવાની ઘટનાઓ વધી રહી છે. મંગળવારે (30મી જૂન) મોટા વરાછા વિસ્તારમાં રોડ બેસી ગયો હતો. બુધવાર (પહેલી જુલાઈ) ઉધના બસ સ્ટેન્ડ અને ડિંડોલી ગરનાળા પાસે મુખ્ય રસ્તાઓ ધસી પડ્યા હતા. ગુરૂવારે (બીજી જુલાઈ) ડિંડોલી અને ઉધના વિસ્તારમાં રસ્તાઓ બેસી જતાં પાલિકાની કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે.
જી-નાઈન બિઝનેસ હબ નજીક ટેન્કર ફસાયુ હતું
ગુરૂવારે વહેલી સવારે લિંબાયત ઝોનના ડિંડોલી વિસ્તારમાં આવેલા જી-નાઈન બિઝનેસ હબ નજીક રોડ રક મોટો ખાડો પડી ગયો હતો. આ ખરાબ રસ્તાના કારણે ત્યાંથી પસાર થઈ રહેલું પાણીનું ટેન્કર ખાડામાં ફસાઈ ગયું હતું. હજુ આ ટેન્કરને બહાર કાઢવાની મથામણ ચાલતી જ હતી, ત્યાં જ ઉધના ઝોન ઓફિસની બિલકુલ નજીક આવેલા ત્રીસલા એપાર્ટમેન્ટની બહાર આખી ટ્રેન્ચ બેસી ગઈ હતી. ઝોન ઓફિસની નાકની નીચે જ રસ્તો તૂટતાં પાલિકાના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.
અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચે માત્ર 'નોટિસ નોટિસ'ની રમત
પાલિકાએ ટ્રેન્ચ બેસી જાય તો કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામા આવશે તેવી મોટા ઉપાડે જાહેરાત કરી છે પરંતુ નાસીર નગર વિવાદમાં થી પાલિકા તંત્ર બહાર આવતું નથી તેથી નબળી કામગીરી કરનારા કોન્ટ્રાક્ટર કે જવાબદાર અધિકારીઓ સાથે માત્ર નોટિસ નોટિસની રમત શરુ કરી દીધી છે. જો નબળી કામગીરી કરનારા કોન્ટ્રાક્ટર કે નબળું સુપરવિઝન કરનારા અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં નહીં ભરવામાં આવે તો હજી પણ સુરતમાં ટ્રેન્ચ બેસવાની ઘટના બંધ થશે નહીં તેવું લોકોનું માનવું છે.









