સુરતમાં રેડ એલર્ટ વચ્ચે રાજકીય શક્તિ પ્રદર્શનનો રંગ ફિક્કો : વરસાદે પાલિકાના નવા અધ્યક્ષોના શક્તિ પ્રદર્શનના સપના ધોઈ નાખ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સુરત પાલિકાની સમિતિઓના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક બાદ પદગ્રહણ સમારોહને ભવ્ય બનાવી પોતાની રાજકીય તાકાત દર્શાવવાના કેટલાક આગેવાનો ના તમામ અભરખા પર મેઘરાજાએ પાણી ફેરવી દીધું હતું. એક દિવસ પહેલા સોશિયલ મીડિયામાં મોટી સંખ્યામાં કાર્યકરોને પદગ્રહણ સમારોહમાં હાજર રહેવા જાહેર અપીલ કરવામાં આવી હતી, પરંતુ મંગળવારે શહેરમાં રેડ એલર્ટ વચ્ચે સર્જાયેલી વરસાદી આફતને પગલે આખું દૃશ્ય બદલાઈ ગયું હતું. પાલિકાના મુખ્ય પદાધિકારીઓએ સમારોહ કરતાં શહેરની સ્થિતિને વધુ મહત્વ આપતાં પદગ્રહણ કાર્યક્રમ ઔપચારિકતા પૂરતો જ સીમિત રહી ગયો હતો.
સોમવારની જેમ મંગળવારે પણ શહેરમાં સતત ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ બન્યા હતા. રસ્તા પર વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો દરમિયાન આજે સવારથી પાલિકામાં વિવિધ સમિતિના અધ્યક્ષ-ઉપાધ્યક્ષની સત્તાવાર નિમણૂક થવાની હતી. આ નિમણૂક પહેલા કેટલાક થનારા અધ્યક્ષોએ વડાપ્રધાનની ઈંધણ બચાવવાની અપીલને બાજુએ મૂકીને શુભેચ્છકોને મોટી સંખ્યામાં હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું હતું જેના કાણે વિવાદ થયો હતો. જોકે, આજે પડેલા દેમાર વરસાદે નિમણુંક પામનારાઓની વટ પાડવાના અભરખા પર વરસાદે પાણી ફેરવી દીધું હતું.
આવી ગંભીર પરિસ્થિતિ વચ્ચે કેટલાક નવા નિયુક્ત થયેલા સમિતિ અધ્યક્ષોના સમર્થકો દ્વારા સોશિયલ મીડિયામાં કાર્યકરો, શુભેચ્છકો અને આગેવાનોને મોટી સંખ્યામાં સમારોહમાં હાજર રહેવા આમંત્રણ અપાયા હતા. જોકે શહેરની સ્થિતિને ધ્યાનમાં રાખીને પાલિકાના મુખ્ય પદાધિકારીઓએ નિમણુંક સમારોહમાં ન જવાનો નિર્ણય કરવા સાથે શહેરની સ્થિતિને સામાન્ય બનાવવા માટે કર્મચારીઓ સાથે મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો હતો.
સ્થાયી સમિતિના અધ્યક્ષની સૂચના બાદ નક્કી કરવામાં આવ્યું હતું કે પાલિકાના પદાધિકારીઓ પદગ્રહણ સમારોહમાં હાજરી આપવાના બદલે પોતાના વિસ્તારમાં જઈ વરસાદી સ્થિતિનું નિરીક્ષણ કરવા સાથે અધિકારી-કર્મચારીઓને સૂચના આપી સ્થિતિ સામાન્ય બનાવવાની કામગીરી શરુ કરી હતી.
પાલિકામાં એવી ચર્ચા ચાલી રહી છે કે સમિતિની નિમણૂક બાદ પોતાની લોકપ્રિયતા અને સમર્થનમાં પ્રદર્શન કરવા માટે જે રીતે શક્તિ પ્રદર્શનની તૈયારી થઈ રહી હતી, તેના પર કુદરતે જ બ્રેક મારી દીધો હતો. એક દિવસ પહેલા સુધી જે સમારોહ રાજકીય શક્તિ દર્શાવવાનો અવસર માનવામાં આવતો હતો, તે વરસાદી આફત વચ્ચે સંપૂર્ણપણે ફિક્કો પડી ગયો હતો. અંતે, નવા અધ્યક્ષ-ઉપાધ્યક્ષની નિમણૂકમાં વટ પાડવાના તમામ અભરખા પર મેઘરાજાએ સાચા અર્થમાં પાણી ફેરવી દીધું હતું. ત્યારબાદ આજે ગણતરીની મિનિટોમાં ઘણા ઓછા સમર્થકો વચ્ચે સમારોહ પૂરો કરી દેવામા આવ્યો હતો. એટલું જ નહી પરંતુ મેયર-સ્થાયી અધ્યક્ષની સુચના બાદ નવ નિયુક્ત અધ્યક્ષ-ઉપાધ્યક્ષોએ ફિલ્ડમાં જવું પડ્યું હતું. જેના કારણે નવ નિયુક્ત અધ્યક્ષો માટે 'દિલ કે અરમા આસુઓમે બહ ગયે' જેવો ઘાટ થયો હતો જે પાલિકામાં ચર્ચાનો વિષય બન્યો હતો.









