કાળા કોટ હેઠળ હેવાનિયત! દુષ્કર્મ પીડિત બાળાના આધેડ વકીલે પણ દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Lawyer Minor Rape Case: સુરતના સચિન જીઆઈડીસી પોલીસના દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીનો કોર્ટમાં કેસ લડી રહેલા વકીલે જ બાળકીને માસિક રૂ. 15 હજારના પગારે ઘરકામ માટે રાખવાનું કહી પોતાની સાથે લઈ જઈ દારૂના નશામાં સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય અને દુષ્કર્મ આચરી હવસનો ખેલ ખેલ્યાની ચોંકાવનારી ઘટના બનવા પામી છે. વકીલના કાળા કોટ હેઠળ વકીલની હેવાનિયત સુરત કોર્ટ કેમ્પસમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
શું છે સમગ્ર કેસ?
સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારની 12 વર્ષીય રવિના (નામ બદલ્યું છે) ગત 19 સપ્ટેમ્બર 2025ના રોજ ભેદી સંજોગોમાં ગુમ થઈ હતી. સચિન જીઆઈડીસી પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાય હતી. પોલીસ તપાસ દરમિયાન 23 નવેમ્બર 2025ના રોજ રવિનાને શોધી કાઢી હતી અને લગ્નની લાલચ આપી ભગાડી જનાર પ્રેમીએ દુષ્કર્મ કર્યું હોવાથી પોલીસે પોક્સો એક્ટની કલમનો ઉમેરો કર્યો હતો. રવિનાના પિતાએ પોક્સો એક્ટના કેસ માટે વકીલ તરીકે પ્રણયરાજ ગોવિંદ રણવીર (ઉ.વ. 43 રહે. 42, વેદાંતવીલા, ઉમિયા ચોક, ડિંડોલી અને રનોડા, તા. ધોળકા, અમદાવાદ) રોક્યો હતો.
સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય અને દુષ્કર્મ કર્યું
કોર્ટમાં ચાલી રહેલા કેસ અંતર્ગત ગત રવિવારે વકીલ પ્રણયરાજે હાલ 13 વર્ષ અને 6 મહિનાની રવિનાના પિતાને ફોન કરી તમારી દીકરીને ઘરકામ માટે મારા ઘરે મોકલો, દર મહિને રૂ. 15 હજાર આપીશ, જો નહીં મોકલાવો તો હું તમારો કેસ કોર્ટમાં લડું છું તેમાં નુકસાન થશે તેવી ધમકી આપી હતી. જેથી પિતા ડરી ગયા હતા અને ઘરકામ માટે મોકલવા તૈયાર થતા પ્રણયરાજ પોતાની કારમાં રવિનાને તેના ઘરેથી લઈ ગયો હતો. જ્યાં રવિના ઘરકામ કરી રહી હતી ત્યારે પ્રણયરાજે દારૂનો નશો કર્યા બાદ બે તમાચા મારવાની સાથે ધાક-ધમકી આપી નગ્ન કરી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય અને દુષ્કર્મ કર્યું હતું અને તેનો વીડિયો પણ ઉતાર્યો હતો. ઉપરાંત આ બાબતની જાણ કોઈને કરશે તો તારો વીડિયો મારી પાસે છે ધ્યાન રાખજે તેવી ધમકી આપી હતી.
દારૂના નશામાં ચૂર પ્રણયરાજે તેના જ રૂમમાં ગોંધી બાળકીએ માતાને જાણ કરી
ઘરકામના બહાને પોતાની સાથે ડિંડોલીના રહેણાંક ખાતે લઈ જઈ હવસનો ખેલ ખેલનાર વકીલ પ્રણયરાજ રણવીરે રવિના સાથે જઘન્ય કૃત્ય આચરવા પૂર્વે દારૂનો નશો કર્યો હતો. રવિના સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય અને દુષ્કર્મ કર્યા બાદ પ્રણયરાજ બેડરૂમમાં હતો ત્યારે ચાલાકી પૂર્વક રવિના રૂમની બહાર નીકળી ગઈ હતી અને દરવાજો બહારથી બંધ કરી તુરંત જ માતાને ફોન કર્યો હતો. ફોનમાં કહ્યું હતું કે હાલ હું ક્યાં છું મને ખબર નથી પરંતુ પોતાની સાથે થયેલા કુકર્મથી વાકેફ કરતા માતા તુરંત જ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે દોડી ગઈ હતી. જે બાદ પોલીસે બાબતને ગંભીરતાથી લઈ તુરંત જ કાર્યવાહી હાથ ધરી રવિનાને મુક્ત કરાવી વકીલના કાળા કોટ હેઠળ આરોપી વકીલ પ્રણયરાજની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીના બે દિવસના રિમાન્ડ, અન્ય મહિલા કે બાળકીને નિશાન બનાવ્યાની પણ આશંકા
દુષ્કર્મ કેસમાં વકીલ તરીકે કેસ લડી રહેલો પ્રણયરાજ રણવીર ખુદ પોતાના જ અસીલ સાથે દુષ્કર્મ કરતા આરોપી બની ગયો છે. જેને સચિન જીઆઈડીસી પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટ સમક્ષ એપીપીએ દલીલ કરી હતી કે દુષ્કર્મનો જે વીડિયો ઉતાર્યો છે તે કોઈ સોશિયલ મીડિયા, ક્લાઉડ, ઈ-મેઈલ કે અન્ય કોઈ ડિજિટલ પ્લેટફોર્મમાં અપલોડ કર્યો છે કે નહીં, પુરાવા માટે આરોપી પ્રણયરાજે ગુનાના સમયે પહેરેલા કપડા ઉપરાંત બેડશીટ, તકીયા વગેરે કબજે લેવા, ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન, છ મહિનાથી પોક્સો કેસમાં વીથ પ્રોસીક્યુશન વકીલ હોવાથી અગાઉ દુષ્કર્મ કર્યું છે કે નહીં, વકીલના હોદ્દાનો દુરુપયોગ કરી અન્ય મહિલા કે બાળકીને ભોગ બનાવી છે કે નહીં, ગુનામાં અન્ય કોઈએ મદદ કરી છે કે નહીં, વકીલ હોવાથી કાયદાની આંટીઘૂંટીથી વાકેફ હોવાથી તપાસમાં સહકાર નહીં આપતા હોવાથી પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પરંતુ કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.









