Surat

સુરતના રાંદેર ઝોનમાં જાહેર રસ્તા પર હોટલના એઠવાડના ઢગલા : સુરતમાં આરોગ્ય સામે જોખમ

By GS Team
25 Aug 20263 mins read
TukuTouch Logo
સુરતમાં ડુમસ બીચ પર ભજીયામાં મંકોડા મળ્યા બાદ રાંદેર ઝોનમાં હોટલ સંચાલકોની વધુ એક બેદરકારી સામે આવી છે. હોટલોનો એઠવાડ જાહેરમાં ઠાલવાતા ગંદકી અને દુર્ગંધ ફેલાઈ છે. પાલિકાના નિયમ મુજબ કોન્ટ્રાક્ટરને એઠવાડ આપવાને બદલે રસ્તા અને ફૂટપાથ પર ઢગલા થતા આરોગ્ય જોખમાયું છે. સ્થાનિકોએ પેનલ્ટી અને કડક કાર્યવાહીની માંગ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતના રાંદેર ઝોનમાં જાહેર રસ્તા પર હોટલના એઠવાડના ઢગલા : સુરતમાં આરોગ્ય સામે જોખમ

Surat Corporation : સુરતના ડુમસ બીચ પર ટામેટાના ભજીયામાંથી મંકોડા નીકળવાની ઘટનાનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં સુરતમાં હોટલ સંચાલકોની બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. રાંદેર ઝોન વિસ્તારમાં હોટલોના એઠવાડનો જાહેરમાં જ નિકાલ કરવામાં આવતો હોવાની ફરિયાદથી ગંદકી અને દુર્ગંધની સાથે લોકોના આરોગ્ય સામે પણ જોખમ ઊભું થયું છે. પાલિકાના નિયમ મુજબ હોટલનો એઠવાડ અને વેસ્ટ કોન્ટ્રાક્ટરને સોંપવાનો હોય છે, પરંતુ તેના બદલે જાહેર રસ્તા અને ફૂટપાથ પાસે એઠવાડના ઢગલા ખડકાતા હોવાની ગંભીર ફરિયાદ બહાર આવી છે.
સુરતના પુણા વિસ્તારમાં ફૂડ પોઈઝનીંગની ઘટના બાદ પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા હોટલ રેસ્ટોરન્ટમાં સફાઈ અંગે તપાસ કરવામાં આવી રહી છે. જેમાં આટલા દિવસમાં છ હજાર કિલો જેટલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામા આવ્યો છે. આ કામગીરી દરમિયાન ગઈકાલે ડુમસ બીચના ફેમસ ટામેટા ભજીયામાં મંકોડો નિકળવાની ઘટના બની હતી. આ વિવાદ શાંત થાય તે પહેલાં રાંદેર ઝોનમાં હોટલ સંચાલકો સામે એક ગંભીર ફરિયાદ બહાર આવી છે. જેમાં ઘણાં હોટલ સંચાલકો એઠવાડ તથા કીચનના કચરાનો જાહેરમાં નિકાલ કરતા હોવાની ફરિયાદ થઈ રહી છે. હોટલ અને ખાણી-પીણીની દુકાનોમાંથી દરરોજ મોટી માત્રામાં ખાદ્ય પદાર્થોનો એઠવાડ નીકળે છે. આ એઠવાડનો યોગ્ય નિકાલ કરવામાં આવે તો જાહેર સ્વચ્છતા જળવાઈ રહે, પરંતુ કેટલીક જગ્યાએ નિયમોને અવગણીને વેસ્ટ જાહેરમાં નાખવામાં આવતો હોવાના આક્ષેપ છે. રસ્તાની બાજુમાં પડેલા એઠવાડના કારણે આસપાસ ગંદકી ફેલાય છે અને દુર્ગંધથી રાહદારીઓ તથા સ્થાનિક રહેવાસીઓને પણ પરેશાનીનો સામનો કરવો પડે છે. ખાદ્ય પદાર્થોના એઠવાડના ઢગલા લાંબા સમય સુધી પડ્યા રહે તો રખડતા પશુઓ તથા જીવાતોનો ઉપદ્રવ વધવાની શક્યતા રહે છે. જેના કારણે માત્ર સ્વચ્છતાનો જ નહીં પરંતુ જાહેર આરોગ્યનો પ્રશ્ન પણ ઊભો થાય છે.
ફરિયાદ મુજબ હોટલનો એઠવાડ નિયમ મુજબ કોન્ટ્રાક્ટરને સોંપવાનો હોય છે. તેમ છતાં કેટલીક જગ્યાએ હોટલનો વેસ્ટ જાહેર રસ્તા, ફૂટપાથ અથવા માર્જિન પર ઠાલવવામાં આવતો હોવાના કારણે કચરાના ઢગલા સર્જાય છે. આ સ્થિતિને કારણે ગંદકી અને દુર્ગંધ ફેલાવાની સાથે રાહદારીઓને પણ મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક લોકો અને પૂર્વ કોર્પોરેટર ઉષાબેન પટેલ દ્વારા પાલિકાના સંબંધિત વિભાગોને આ મામલે સ્થળ તપાસ કરી નિયમોનો ભંગ કરનાર હોટલ સંચાલકો સામે પેનલ્ટી વસૂલવા માંગણી કરવામાં આવી છે અને આ પ્રકારની પ્રવૃત્તિ કડકાઈથી બંધ કરાવવા માટેની માંગણી થઈ રહી છે.
ફૂટપાથ-માર્જિન પર દબાણ દૂર કરવા સાથે પેનલ્ટીની માંગ
રાંદેર ઝોનમાં હોટલોના એઠવાડના જાહેરમાં નિકાલની ફરિયાદ વચ્ચે કેટલીક હોટલો દ્વારા ફૂટપાથ અને માર્જિન પર કરવામાં આવતા દબાણનો મુદ્દો પણ સામે આવ્યો છે. હોટલના વેસ્ટ ઉપરાંત લારીઓ અને અન્ય સામગ્રી જાહેર જગ્યામાં રાખવામાં આવતી હોવાના આક્ષેપને પગલે સ્થાનિકો દ્વારા પાલિકા સમક્ષ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ ફૂટપાથ રાહદારીઓ માટે હોવા છતાં કેટલીક હોટલોની બહાર તેનો ઉપયોગ વેપાર અને સામાન રાખવા માટે થતો હોવાના કારણે લોકોને રસ્તા પર ચાલવાની ફરજ પડે છે. બીજી તરફ માર્જિન વિસ્તારમાં પણ દબાણ થવાથી જાહેર જગ્યા સાંકડી બની રહી છે.