ડિંડોલીમાં પાણી પુરવઠાના સમયમાં કાયમી ફેરફાર : ચાર તબક્કામાં પાણી વિતરણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સુરત શહેરના છેવાડે આવેલા ડિંડોલી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઓછા પ્રેશર, અપૂરતા અને અનિયમિત પાણી પુરવઠાની ફરિયાદો ઉઠી રહી હતી. જેને પગલે પાલિકાના હાઈડ્રોલિક વિભાગ દ્વારા ડિંડોલી જળ વિતરણ મથક સાથે સંકળાયેલા વિસ્તારોમાં પાણી પુરવઠાના સમયમાં કાયમી ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે.
નવા સમયપત્રકના અમલથી પાણીના દબાણ સહિત અપૂરતા અને અનિયમિત પુરવઠાની સમસ્યામાં ઘટાડો થાય તેવી આશા છે. લિંબાયત ઝોનમાં સમાવિષ્ટ ડિંડોલી વિસ્તારમાં પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે પાલિકા દ્વારા વિસ્તારોને અલગ-અલગ તબક્કામાં વિભાજિત કરવામાં આવ્યા છે. ડિંડોલી ગામતળ, મહાદેવ નગર, સાંઈ નગર, હરિદ્વાર, લક્ષ્મીનારાયણ, યોગેશ્વર પાર્ક અને રામી પાર્ક સહિતના વિસ્તારોમાં સવારે 5થી 9 વાગ્યા સુધી પાણી અપાશે. જ્યારે ભક્તિનગર, રોયલ પેલેસ, શુભ વાટિકા, પ્રિયંકા સિટી, શિવદર્શન, ગાયત્રી નગર, ખોડિયાર નગર, શ્રદ્ધા સોસાયટી અને સુમુખ સર્કલ સહિતના વિસ્તારોમાં સવારે 9થી બપોરે 12 વાગ્યા સુધી પાણી વિતરણ કરાશે.
આ ઉપરાંત ઓમનગર, મિલેનિયમ પાર્ક, ઉમિયા બંગલો, અંબિકા નગર, મધુરમ સર્કલ, તિરૂપતિ નગર, કૃષ્ણ કુંજ અને સરસ્વતી નગર સહિતના વિસ્તારોમાં બપોરે 12થી સાંજે 4 વાગ્યા સુધી પાણી મળશે. જ્યારે માનસી રેસિડેન્સી, મોદી એસ્ટેટ, મોર્યા નગર, યોગેશ્વર પાર્ક, રાધાકૃષ્ણ, ગાંધીનગર, પ્રિયંકા સોસાયટી, ચેતન નગર અને ઢાકોર નગર સહિતના વિસ્તારોમાં સાંજે 6થી રાત્રે 10 વાગ્યા સુધી પાણી પુરવઠો કરવામાં આવશે.




