Surat

સુરતમાં સવારથી અવિરત વરસાદને પગલે જનજીવન પ્રભાવિત : શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, કેટલાક રસ્તાઓ પર પાણી ભરાતા ટ્રાફિક જામ

By GS Team
14 Sep 20262 mins read
TukuTouch Logo
સુરતમાં સવારથી અનરાધાર વરસાદ વરસતાં જનજીવન પ્રભાવિત થયું હતું. 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી. નોકરી-ધંધા પર જતા લોકોને ટ્રાફિક અને પાણી ભરાવાથી મુશ્કેલી પડી. સહારા દરવાજાથી ઉધના-નવસારી રોડ સુધી પાણી ભરાયા હતા. સેન્ટ્રલ ઝોનમાં 15 મીમી, વરાછા ઝોન-એમાં 17 મીમી વરસાદ નોંધાયો. વાતાવરણમાં ઠંડક પ્રસરતાં ગરમીથી રાહત મળી.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં સવારથી અવિરત વરસાદને પગલે જનજીવન પ્રભાવિત : શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, કેટલાક રસ્તાઓ પર પાણી ભરાતા ટ્રાફિક જામ

Surat Rain Update : સુરત શહેરમાં સવારથી અવિરત વરસાદ વરસતાં જનજીવન પર તેની સીધી અસર જોવા મળી હતી. નોકરી-ધંધા માટે વહેલી સવારથી ઘરેથી નીકળેલા વાહનચાલકો અને રાહદારીઓને વરસાદી પાણી અને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. પીક અવર્સ દરમિયાન શહેરના કેટલાક મુખ્ય માર્ગો પર વાહનોની લાંબી કતારો લાગી હતી, જેના કારણે વાહનચાલકોને પોતાના ગંતવ્ય સુધી પહોંચવામાં વધુ સમય લાગ્યો હતો. રાજ્યમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.
આજે પણ સવારથી શહેર અને જિલ્લામાં હળવાથી ભારે વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અગાઉ વરસાદમાં વિરામને કારણે ગરમી અને બફારાથી લોકો પરેશાન થયા હતા ત્યારે ફરી મેઘરાજાની પધરામણી થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ સવારે 8થી બપોરે 12 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 15 મીમી, રાંદેરમાં 3 મીમી, કતારગામમાં 8 મીમી, વરાછા ઝોન-એમાં 17 મીમી, વરાછા ઝોન-બીમાં 13 મીમી, લિંબાયતમાં 12 મીમી, અઠવામાં 12 મીમી અને ઉધના ઝોનમાં 10 મીમી વરસાદ નોંધાયો હતો.
સવારથી ધીમી ધારે શરૂ થયેલા વરસાદે સમય જતાં કેટલાક વિસ્તારોમાં જોર પકડતાં શહેરના નીચાણવાળા અને વાહનવ્યવહારના માર્ગો પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. સહારા દરવાજા ગરનાળાથી લઈને ઉધના-નવસારી રોડ સુધી વરસાદી પાણીના કારણે વાહનચાલકોને ખાસ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક માર્ગો પર પાણી ભરાતા વાહનચાલકોએ ધીમી ગતિએ પસાર થવું પડ્યું હતું. દરમિયાન પીક અવર્સમાં વરસાદ અને માર્ગો પર વધેલા વાહન વ્યવહારના કારણે રિંગરોડ પર પણ એક તબક્કે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. મુખ્ય માર્ગો પર વાહનોની સંખ્યા વધતા વરસાદ સાથે ટ્રાફિકનું દબાણ પણ વધ્યું હતું. નોકરી-ધંધા અને અન્ય કામ માટે નીકળેલા લોકો ટ્રાફિકમાં અટવાતા તેમની મુશ્કેલીમાં વધારો થયો હતો. વરસાદી માહોલને કારણે શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. એક તરફ વરસાદથી ગરમી અને બફારામાંથી રાહત મળી હતી, તો બીજી તરફ રસ્તાઓ પર પાણી ભરાવા અને ટ્રાફિક જામના કારણે રોજિંદા જનજીવનને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદનું જોર યથાવત રહેતા આગામી કલાકોમાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પર પણ નજર રાખવામાં આવી રહી છે.