સુરત મેયરની ચેમ્બરમાં રજૂઆત વખતે મીડિયાની એન્ટ્રી પર ‘નો એન્ટ્રી’ : જવાબ ના આપી શકતા હોવાથી નિર્યણની ચર્ચા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : લોકોની રજૂઆત સાંભળતી વખતે પત્રકારો હાજર ન રહે તે માટે સુરક્ષા કર્મીઓને સૂચના આપવાનો મેયરનો નિર્ણય હવે ચર્ચાનો વિષય બન્યો છે. અત્યાર સુધી સુરતના કોઈ મેયરે રજૂઆત દરમિયાન મીડિયાની એન્ટ્રી પર આવો પ્રતિબંધ મૂક્યો ન હતો. લોકોની સમસ્યાઓ અને તેના પર મેયરનો પ્રતિભાવ જાહેરમાં આવે તે સ્વાભાવિક પ્રક્રિયા હોવા છતાં પત્રકારોને ચેમ્બરની બહાર રાખવાથી પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ખાસ કરીને આકરા સવાલો ટાળવા માટે મીડિયાને દૂર રાખવામાં આવી રહ્યું હોવાની ચર્ચાએ નિર્ણયને વધુ વિવાદાસ્પદ બનાવ્યો છે.
સુરત પાલિકામાં લોકો પોતાની ફરિયાદો અને સમસ્યાઓ લઈને મેયરને રજૂઆત કરવા આવે છે ત્યારે તેમની સાથે પત્રકારો પણ મેયરની ચેમ્બરમાં જઈ શકે નહીં તેવી સૂચના સુરક્ષા કર્મચારીઓને આપવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. રજૂઆતકારો પોતાની સમસ્યા મેયર સમક્ષ રજૂ કરે અને તે અંગે સવાલ-જવાબ થાય તે દરમિયાન મીડિયા હાજર ન રહે તે રીતે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
મેયરની ચેમ્બરમાં લોકોની રજૂઆત દરમિયાન અગાઉ કોઈ મેયર દ્વારા મીડિયાના પ્રવેશ પર આ પ્રકારનું નિયંત્રણ મૂકવામાં આવ્યું હોવાની ચર્ચા નથી. આથી હાલના નિર્ણયને લઈને પાલિકા વર્તુળોમાં પણ સવાલો ઉઠી રહ્યા છે. લોકોની રજૂઆત જાહેર જીવન સાથે જોડાયેલી બાબત છે ત્યારે પત્રકારોને દૂર રાખવાથી રજૂઆત દરમિયાન શું ચર્ચા થઈ અને મેયરે કયા જવાબ આપ્યા તેની જાણકારી લોકો સુધી કેવી રીતે પહોંચશે તેવો પ્રશ્ન પણ ઊભો થયો છે.
ખાસ કરીને મેયર સમક્ષ રજૂઆત કરવા આવતા લોકો કેટલીક વખત પોતાની સમસ્યાના ઉકેલ અંગે સીધા અને આકરા સવાલો કરે છે. આવા સમયે પત્રકારોની હાજરી રહે તો રજૂઆત અને મેયરના જવાબો જાહેરમાં આવે છે. મીડિયાની એન્ટ્રી જ રોકી દેવામાં આવે તો આ સમગ્ર પ્રક્રિયા બંધ બારણે થઈ જાય છે. આ નિર્ણય પાછળ ખરેખર કોઈ વહીવટી કારણ છે કે રજૂઆત દરમિયાન થતા સવાલ-જવાબથી બચવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે તે અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.
બીજી તરફ મેયર મોડી રાત સુધી ચેમ્બરમાં બેસી રહેતા હોવાને કારણે પણ પાલિકાના સેક્રેટરી વિભાગના કેટલાક કર્મચારીઓને ફરજિયાત મોડે સુધી રોકાવું પડતું હોવાની ચર્ચા છે. મેયરની હાજરીના સમયને લઈને અગાઉ પણ કર્મચારીઓમાં અસંતોષની વાતો સામે આવી છે. હવે રજૂઆત દરમિયાન મીડિયાની એન્ટ્રી રોકવાના નિર્ણય સાથે આ બંને બાબતો ચર્ચામાં આવી છે.
લોકોની સમસ્યાઓ સાંભળવા માટે મેયરની ચેમ્બર ખુલ્લી હોય અને રજૂઆતકારોને પ્રવેશ મળે, પરંતુ તેમની રજૂઆત દરમિયાન મીડિયાને બહાર રાખવામાં આવે તે વ્યવસ્થાએ પારદર્શિતા અંગે સવાલ ઊભો કર્યો છે. પાલિકામાં પ્રજાની રજૂઆત અને ચૂંટાયેલા પદાધિકારીના જવાબ વચ્ચે કોઈ પડદો ન હોવો જોઈએ તેવી ચર્ચા વચ્ચે હવે મીડિયાની એન્ટ્રી પરનો આ પ્રતિબંધ કેટલો યોગ્ય છે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.




