Surat

સુરતમાં ગેરકાયદે તપેલા ડાઈંગ સામે 3 દિવસમાં સીલિંગની જાહેરાતને પખવાડિયું વીતવા છતાં કાર્યવાહી નહીં

By GS Team
29 Sep 20263 mins read
TukuTouch Logo
સુરત પાલિકાના કતારગામ ઝોનમાં 274 તપેલા ડાઈંગ એકમોને ડ્રેનેજમાં કેમિકલયુક્ત પાણી છોડવા બદલ નોટિસ અપાઈ હતી. ડેપ્યુટી કમિશનરે 3 દિવસમાં સીલિંગની જાહેરાત કરી, પરંતુ પખવાડિયું વીત્યા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. સર્વે અને રિપોર્ટ તૈયાર હોવા છતાં તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો ઉભા થયા છે, જેનાથી ગેરકાયદે ડાઈંગ સાથે સમાધાનની ચર્ચાએ જોર પકડ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં ગેરકાયદે તપેલા ડાઈંગ સામે 3 દિવસમાં સીલિંગની જાહેરાતને પખવાડિયું વીતવા છતાં કાર્યવાહી નહીં

Surat Corporation : સુરત પાલિકાના કતારગામ ઝોનના નાની બહુચરાજી અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં ડ્રેનેજમાં કેમિકલયુક્ત પાણી છોડતા 274 જેટલા તપેલા ડાઈંગ એકમોને નોટિસ ફટકાર્યા બાદ હવે તંત્રની કામગીરી સામે જ સવાલો ઉભા થયા છે. સર્વે પૂર્ણ થઈ ગયો, નોટિસની મુદત પણ પૂરી થઈ ગઈ અને કાર્યવાહી અંગેનો રિપોર્ટ પણ તૈયાર થઈ ગયો હોવા છતાં હજી સુધી એક પણ તપેલા ડાઈંગ સામે સીલિંગ સહિતની નક્કર કાર્યવાહી જાહેર કરવામાં આવી નથી.
સૌથી ગંભીર બાબત એ છે કે ડેપ્યુટી કમિશનર દ્વારા નોટિસના ત્રણ દિવસ બાદ સીલીંગ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ જાહેરાતને પખવાડિયું વીતી જવા છતાં કાર્યવાહીનું કોઈ પરિણામ દેખાતું નથી. જેના કારણે હવે તંત્ર કાર્યવાહી કરવામાં વામણું પુરવાર થયું છે કે પછી ગેરકાયદે તપેલા ડાઈંગ સાથે કોઈ પ્રકારનું સમાધાન થયું છે, તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
કતારગામ ઝોનમાં નાની બહુચરાજી સહિતના વિસ્તારોમાં મોટી સંખ્યામાં તપેલા ડાઈંગ ચાલે છે. આ એકમોમાંથી નીકળતું કેમિકલયુક્ત અને રંગવાળું પાણી નિયમોનું પાલન કર્યા વિના પાલિકાની ડ્રેનેજ લાઈનમાં છોડવામાં આવતું હોવાની ફરિયાદો લાંબા સમયથી ઉઠી રહી છે. અનેક સ્થળોએ ડ્રેનેજ લાઈનમાંથી દુર્ગંધ મારતું અને રંગીન પાણી રસ્તા પર ફરી વળતું હોવાથી સ્થાનિક રહેવાસીઓ, રાહદારીઓ અને વાહનચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડે છે. ફરિયાદોને પગલે કતારગામ ઝોનના આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો હતો.
સર્વે દરમિયાન આશરે 274 તપેલા ડાઈંગ એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસમાં જરૂરી મંજૂરી અને નિયમોનું પાલન કરવા તેમજ ડ્રેનેજમાં ગેરકાયદે રીતે કેમિકલયુક્ત પાણી છોડવા અંગે જવાબદારી નક્કી કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. નોટિસની મુદ્દત પૂર્ણ થયા બાદ હવે સીલિંગ સહિતની કાર્યવાહી થવાની અપેક્ષા હતી. દરમિયાન પાલિકાના ડેપ્યુટી કમિશનર સ્મીત લોઢા દ્વારા તપેલા ડાઈંગ સામે કડક કાર્યવાહી કરવાની અને નોટિસ બાદ ત્રણ દિવસમાં સીલિંગ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતથી સ્થાનિકોમાં પણ એવી આશા ઊભી થઈ હતી કે લાંબા સમયથી પરેશાનીનું કારણ બનેલા તપેલા ડાઈંગ સામે હવે ખરેખર કાર્યવાહી થશે. જોકે જાહેરાતને પખવાડિયું વીતી ગયું હોવા છતાં હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી જાહેર કરવામાં આવી નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ તપેલા ડાઈંગ અંગેનો સર્વે પૂર્ણ થઈ ગયો છે અને તેનો રિપોર્ટ પણ તૈયાર થઈ ચૂક્યો છે. આમ છતાં રિપોર્ટના આધારે કાર્યવાહી આગળ ન વધતાં સમગ્ર મામલો ફરી એક વખત કાગળ પર જ અટકી ગયો હોય તેવી સ્થિતિ છે. એક તરફ પાલિકા ડ્રેનેજમાં કેમિકલયુક્ત પાણી છોડવા સામે કડક વલણની જાહેરાત કરે છે, જ્યારે બીજી તરફ નોટિસ પામેલા 274 એકમો સામે કાર્યવાહી ન થતાં તંત્રની ગંભીરતા સામે સવાલો ઊભા થયા છે.ખાસ કરીને અગાઉ ઉધના અને લિંબાયત ઝોનમાં તપેલા ડાઈંગ સામે નોટિસ બાદ સીલિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવી હોવાના દાવા વચ્ચે કતારગામ ઝોનમાં કાર્યવાહી અટકી જવી વધુ ચર્ચાસ્પદ બની છે.
સ્થાનિકોની ફરિયાદો છતાં જો નોટિસ, સર્વે અને રિપોર્ટ બાદ પણ એકમો ધમધમતા રહે તો પાલિકાની કામગીરીની અસરકારકતા સામે પ્રશ્નો ઊભા થવા સ્વાભાવિક છે. હવે મુખ્ય સવાલ એ છે કે તંત્ર ગેરકાયદે તપેલા ડાઈંગ સામે કાર્યવાહી કરવામાં વામણું પુરવાર થઈ રહ્યું છે કે પછી કાર્યવાહી અટકવા પાછળ અન્ય કોઈ કારણ છે? ત્રણ દિવસમાં સીલિંગની જાહેરાત કર્યા બાદ પખવાડિયા સુધી કોઈ નક્કર પગલું ન ભરાતા તંત્ર અને ગેરકાયદે તપેલા ડાઈંગ વચ્ચે કોઈ પ્રકારનું સમાધાન થયું છે કે કેમ તે અંગે પણ વિસ્તારમાં ચર્ચા શરૂ થઈ છે.