Surat

સુરતમાં 'મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ': એક જ છત નીચે મળશે રેલવે, મેટ્રો, ST અને BRTSની સુવિધા, 2027 સુધીમાં થશે તૈયાર!

By GS Team
18 Sep 20263 mins read
TukuTouch Logo
સુરતમાં વિકસી રહેલા મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબનું 51% કામ પૂર્ણ થયું છે. આ પ્રોજેક્ટ રેલવે, ST અને મેટ્રોને એક જ સ્થળે જોડશે. SITCO દ્વારા ડિસેમ્બર 2027 સુધીમાં પૂર્ણ થનાર આ હબમાં દૈનિક 6.25 લાખ મુસાફરોની ક્ષમતા હશે. 5 કિલોમીટરનો એલિવેટેડ રોડ પણ બનશે, જે શહેરના વિવિધ વિસ્તારોને જોડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં 'મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ': એક જ છત નીચે મળશે રેલવે, મેટ્રો, ST અને BRTSની સુવિધા, 2027 સુધીમાં થશે તૈયાર!

Surat Multi Modal Transportation Hub: સુરત શહેરમાં રેલવે અને જાહેર પરિવહન વ્યવસ્થાને એક જ સ્થળે જોડવા માટે વિકસાવવામાં આવી રહેલા સુરત મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ(MMTH)નું પ્રથમ તબક્કાનું 51 ટકા અને બીજા તબક્કાનું 42 ટકા કામ પૂર્ણ થયું છે. રેલવે મંત્રાલય અને ગુજરાત સરકારના સંયુક્ત સાહસ સુરત ઇન્ટિગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ(SITCO) દ્વારા વિકસાવવામાં આવી રહેલા આ પ્રોજેક્ટને ડિસેમ્બર 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્યાંક છે.

એક જ હબમાં રેલવે, એસટી અને મેટ્રોની સુવિધા

2.5 લાખ ચોરસ મીટર વિસ્તારમાં વિકસાવવામાં આવી રહેલા MMTHમાં સુરત રેલવે સ્ટેશન, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમનું ઇન્ટરસ્ટેટ બસ ટર્મિનલ(ISBT), સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સિટી બસ સેવા, બીઆરટીએસ કોરિડોર અને ભવિષ્યની મેટ્રો કનેક્ટિવિટીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

હબમાં કુલ છ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ રહેશે. આ ઉપરાંત 5 કિલોમીટર લાંબો એલિવેટેડ રોડ કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે, જેના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાંથી આવતાં પેસેન્જર અને જાહેર પરિવહનના વાહનોને સીધી કનેક્ટિવિટી મળશે.

પ્રથમ તબક્કામાં સ્ટેશન બિલ્ડિંગ અને કોનકોર્સ

ડિસેમ્બર 2022માં શરૂ થયેલા પ્રથમ તબક્કાના કામ માટે રૂ. 877.78 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ તબક્કામાં ઈસ્ટ અને વેસ્ટ સાઇડ સ્ટેશન બિલ્ડિંગ, GSRTC ISBT, કોનકોર્સ, થ્રુ રૂફ, સ્કાયવોક, GSRTC વર્કશોપ, બસ પાર્કિંગ અને બાહ્ય વિકાસનો સમાવેશ થાય છે.

પ્રથમ તબક્કામાં 51 ટકા કામ પૂર્ણ થયું છે. GSRTC ISBT બિલ્ડિંગનું 90 ટકા કામ પૂર્ણ થયું છે. 33,188 ચોરસ મીટર વિસ્તારમાં બનેલી આ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ સહિત બે માળ અને ભવિષ્યમાં કોમર્શિયલ ઉપયોગ માટે વધારાના માળની જોગવાઈ છે. ઈસ્ટ સાઇડ સ્ટેશન બિલ્ડિંગનું 45 ટકા કામ પૂર્ણ થયું છે, જ્યારે વેસ્ટ સાઇડ સ્ટેશન બિલ્ડિંગ માટે ડિઝાઇન અને સ્ટ્રક્ચરલ ડ્રોઇંગ મંજૂર થઈ ચૂક્યાં છે.

કોનકોર્સ અને પ્લેટફોર્મ જોડાણનું કામ ચાલુ

12,325 ચોરસ મીટરના કોનકોર્સનું 43 ટકા કામ પૂર્ણ થયું છે. પ્લેટફોર્મ 4થી પ્લેટફોર્મ 2 અને 3 વચ્ચેના માળખાકીય કામ પૂર્ણ થઈ ચૂક્યાં છે. 41 ગર્ડર લોન્ચ કરવામાં આવ્યા છે અને સીડીઓ, એસ્કેલેટર તથા છતનું કામ ચાલી રહ્યું છે. પ્લેટફોર્મ 2થી પ્લેટફોર્મ 1 વચ્ચેનું કામ દિવાળીની ભીડ બાદ શરૂ કરવામાં આવશે. થ્રુ રૂફનું 45 ટકા કામ પૂર્ણ થયું છે, જ્યારે GSRTC વર્કશોપનું 75 ટકા કામ પૂર્ણ થયું છે.

5 કિ.મી. એલિવેટેડ રોડ, રૂ. 372.91 કરોડનો ખર્ચ

MMTHના બીજા તબક્કામાં 5 કિલોમીટર લાંબો એલિવેટેડ રોડ કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે. ઓગસ્ટ 2024માં શરૂ થયેલા આ તબક્કા માટે રૂ. 372.91 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ તબક્કાનું 42 ટકા કામ પૂર્ણ થયું છે. રેલવે સિવાયના 4.8 કિલોમીટર વિસ્તારમાં 795માંથી 605 પાઇલિંગ, 160માંથી 110 પાઇલ કેપ અને 174માંથી 90 પિયરનું કામ પૂર્ણ થયું છે. 364માંથી 183 ગર્ડર કાસ્ટ થઈ ચૂક્યાં છે અને 54 ગર્ડરનું ઇરેકશન પૂર્ણ થયું છે.

6.25 લાખ પેસેન્જરની દૈનિક ક્ષમતા

પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ MMTHમાં દરરોજ 6.25 લાખથી વધુ પેસેન્જરની અવરજવર સંભાળવાની ક્ષમતા રહેશે. રેલવે, એસટી, મેટ્રો, બીઆરટીએસ અને સિટી બસ વચ્ચે સરળ ટ્રાન્સફર માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં બિલ્ડિંગ, દિવ્યાંગ પેસેન્જર માટે અનુકૂળ સુવિધાઓ, સ્માર્ટ સ્ટેશન માટે આધુનિક સિસ્ટમ, 40 લિફ્ટ અને 70 એસ્કેલેટરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કોમર્શિયલ વિકાસની પણ વિશાળ શક્યતા

સ્ટેશન બિલ્ડિંગ, કોનકોર્સ અને એલિવેટેડ કોરિડોરમાં રિટેલ સ્પેસ, ઓફિસ અને હોસ્પિટાલિટી ઝોન વિકસાવવાની જોગવાઈ છે. ઈસ્ટ અને વેસ્ટ સ્ટેશન બિલ્ડિંગ તેમજ GSRTC ISBTમાં ભવિષ્યના કોમર્શિયલ માળો માટે જગ્યા રાખવામાં આવી છે.