Surat

જૂનાગઢમાં મેઘરાજાની જમાવટ, માંગરોળ અને કેશોદમાં જાણે આભ ફાટ્યું, રાજ્યમાં 162 તાલુકા ભીંજાયા

By GS Team
2 Jul 20263 mins read
TukuTouch Logo
ગુજરાતમાં જુલાઈ આવતા જ વરસાદની જમાવટ શરૂ થઈ છે. 2 જુલાઈએ 162 તાલુકામાં વરસાદ વરસ્યો, જેમાં જૂનાગઢના માંગરોળ અને કેશોદમાં 10 ઈંચથી વધુ વરસાદ નોંધાયો. આગામી 2-3 દિવસમાં રાજ્યમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જામજોધપુરમાં 7 ઈંચ વરસાદથી રિક્ષા તણાઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

જૂનાગઢમાં મેઘરાજાની જમાવટ, માંગરોળ અને કેશોદમાં જાણે આભ ફાટ્યું, રાજ્યમાં 162 તાલુકા ભીંજાયા

All Gujarat Rain and Weather Updates : ગુજરાતમાં જુલાઇ આવતા જ વરસાદની જમાવટ શરૂ થઈ ગઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. છેલ્લા 15 દિવસથી ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે રાજ્ય આસપાસ એક સાથે 5 જેટલી સિસ્ટમ (ટ્રફ, શેયર ઝોન, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) સક્રિય થતાં આગામી દિવસોમાં ધમધોકાર વરસાદ પડે તેવી આગાહી છે.

2 જુલાઇએ ગુજરાતના 162 તાલુકામાં વરસાદ

ગુરુવારે સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 162 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ જામો પાડ્યો છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ અને કેશોદમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે, જ્યાં અનુક્રમે 11.06 ઈંચ અને 10.83 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. માણાવદર અને માળિયા હાટીનામાં પણ 8.9 ઈંચ અને 8.7 ઈંચ વરસાદથી જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. આ સિવાય વિસાવદરમાં 4.06 ઈંચ અને વંથલીમાં 3.9 ઈંચ વરસાદ નોંધાયો છે.

ગીર સોમનાથમાં ભારે પવન સાથે વરસાદ

સુત્રાપાડામાં 7.99 ઈંચ, પાટણ-વેરાવળમાં 6.97 ઈંચ, કોડિનારમાં 3.66 ઈંચ અને તાલાલામાં 3.07 ઈંચની આસપાસ વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

અન્ય જિલ્લાઓની સ્થિતિ

જામનગરના જામજોધપુરમાં 7.05 ઈંચ, પોરબંદરના કુતિયાણામાં 5.67 ઈંચ, સુરતના ઓલપાડમાં 3.7 ઈંચ, રાજકોટના ઉપલેટામાં 3.58 ઈંચ તેમજ મહેસાણાના વિજાપુર અને વડોદરાના શિનોરમાં 2.95 ઈંચ વરસાદ નોંધાયો છે

3 જુલાઈએ 19 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

રેડ એલર્ટ: અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ.
ઓરેન્જ એલર્ટ: પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ.
યલો એલર્ટ: દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર.

4 જુલાઈની આગાહી

રેડ એલર્ટ: સુરત, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર.
ઓરેન્જ એલર્ટ: ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, તાપી.
યલો એલર્ટ: પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર.

ગુજરાત તરફ આગળ વધેલું ચોમાસું અનુકૂળ પરિસ્થિતિમાં

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 2 જુલાઈ 2026ના રોજ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતના વધુ વિસ્તારો, સમગ્ર દિલ્હી, ઉત્તર પ્રદેશના બાકીના વિસ્તારો, મધ્યપ્રદેશના મોટાભાગના ભાગો તેમજ હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારો સુધી આગળ વધ્યું છે. આગામી 2થી 3 દિવસમાં ચોમાસું ગુજરાત, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના વધુ વિસ્તારોમાં આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ છે.

જામજોધપુરમાં રિક્ષા-છકડો તણાયો

જામનગર જિલ્લાના જામજોધપુર ટાઉન તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. બપોરે અંદાજે 2:00 વાગ્યાથી સાંજે 7:00 વાગ્યા સુધીના માત્ર પાંચ કલાકના સમયગાળામાં આશરે સાત ઇંચ વરસાદ નોંધાતા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા. મુશળધાર વરસાદને કારણે રસ્તાઓ, નીચાણવાળા વિસ્તારો તેમજ ખેતરોમાં પાણી ફરી વળતાં જનજીવન પર અસર જોવા મળી હતી. વરસાદી પાણીના જોરદાર પ્રવાહમાં એક રિક્ષા-છકડો, જેમાં કોઈ ચાલક કે સવાર હાજર ન હતા, તે આપમેળે વહેતો જોવા મળ્યો હતો. આ દૃશ્ય ત્યાં હાજર લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કર્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.તંત્ર દ્વારા લોકોને વરસાદી પરિસ્થિતિમાં સાવચેતી રાખવા અને બિનજરૂરી અવરજવર ટાળવાની અપીલ કરવામાં આવી રહી છે.