Surat

સુરતમાં લિંબાયતમાં બેગના કારખાના અને સચિન GIDCની ડાઈંગ મિલમાં ભીષણ આગ, ફાયર વિભાગ ટીમ ઘટનાસ્થળે

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
સુરતમાં આજે (23મી સપ્ટેમ્બર) આગના 2 અલગ-અલગ બનાવો બન્યા હતા. લિંબાયતના મયુરનગરમાં બેગ બનાવવાના કારખાનામાં અને સચિન GIDCની ઈશ્વર ડાઈંગ મિલમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જ્વલનશીલ સામાન હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. આગનું કારણ અકબંધ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં લિંબાયતમાં બેગના કારખાના અને સચિન GIDCની ડાઈંગ મિલમાં ભીષણ આગ, ફાયર વિભાગ ટીમ ઘટનાસ્થળે

Surat Fire News: સુરતમાં આજે (23મી સપ્ટેમ્બર) આગના બે અલગ-અલગ બનાવો સામે આવતાં દોડધામ મચી ગઈ છે. લિંબાયત વિસ્તારમાં આવેલા એક બેગ બનાવવાના કારખાનામાં અને સચિન GIDCની ડાઈંગ મિલમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

લિંબાયતના મયુરનગરમાં બેગના કારખાનામાં આગ

પહેલો બનાવમાં, સુરતના લિંબાયત વિસ્તારમાં મમતા ટોકીઝ નજીક આવેલા મયુરનગરના મકાન નંબર 14-15માં ચાલી રહેલા બેગ બનાવવાના એક કારખાનામાં અચાનક આગ ફાટી નીકળી હતી. કારખાનામાં પ્લાસ્ટિક અને કાપડ જેવો જ્વલનશીલ સામાન હોવાના કારણે જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતાં ફાયર ફાઈટરોની ગાડીઓ સ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. આ દુર્ઘટનામાં થયેલા આર્થિક નુકસાનની વિગતો મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે.

સચિન GIDC ની ઈશ્વર ડાઈંગ મિલમાં ભીષણ આગ

બીજા બનાવમાં, સચિન GIDCના રોડ નંબર 24 પર આવેલી 'ઈશ્વર ડાઈંગ મિલ'માં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. મિલમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈને ત્યાં કામ કરતા કારીગરોમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરાતાં જ ઉચ્ચ અધિકારીઓ સહિત ફાયરનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર જવાનોએ તાત્કાલિક કામગીરી શરૂ કરીને આગને વધુ પ્રસરે તે પહેલાં કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

મિલમાં આગ કયા કારણોસર લાગી તે કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે. પોલીસે તથા ફાયર વિભાગે બંને બનાવો અંગે નોંધ કરીને વધુ તપાસ શરૂ કરી છે.