સુરતના ગણેશોત્સવમાં નવી પરંપરા એટલે મંગળા આરતી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat: સુરતના ગણેશોત્સવમાં ભક્તિની સાથે ધાર્મિક પરંપરાના અનોખા રંગો પણ જોવા મળી રહ્યા છે. ભટારના ઠાકોરજી સેવા સમિતિ યુવક મંડળ દ્વારા ગણેશજીની સ્થાપના સાથે પ્રાતઃકાળ પહેલાં મંગળા આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે ગણેશ મંડળોમાં સવારે અને સાંજે આરતી થતી હોય છે, ત્યારે ભટારમાં મળસકે યોજાતી મંગળા આરતીમાં વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાઈ રહ્યા છે.
સુરતમાં ગણેશોત્સવની ઉજવણી ધીમે ધીમે રંગ પકડી રહી છે ત્યારે વિવિધ મંડળો દ્વારા ધાર્મિક આસ્થા સાથે આગવી રીતે ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ભટારના આ મંડળ દ્વારા છેલ્લા 25 વર્ષથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે ગણેશજીની નિયમિત પૂજા-આરતી સાથે મંગળા આરતીને પણ ઉત્સવનો મહત્વનો ભાગ બનાવવામાં આવી છે. પ્રાતઃકાળ પહેલાં ભગવાનના દર્શન અને પૂજનથી દિવસની શરૂઆત કરવાની ભાવના સાથે આ આયોજન કરવામાં આવ્યું છે.મંગળા આરતીના સમયે ગણેશ મંડપમાં ધાર્મિક માહોલ જોવા મળે છે. દીપ પ્રગટાવી મંત્રોચ્ચાર અને આરતી કરવામાં આવે છે ત્યારે ગણેશજીના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે. વહેલી સવારનો શાંત માહોલ અને તેની વચ્ચે ગુંજતા મંત્રોચ્ચાર ભક્તોને આધ્યાત્મિક અનુભૂતિ કરાવે છે. ગણેશજીના દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ આરતીમાં પણ સહભાગી બની ધન્યતા અનુભવે છે.મંડળના સભ્યોના જણાવ્યા મુજબ, ગણેશોત્સવના દિવસો દરમિયાન મંગળા આરતીનો નિયમિત ક્રમ જળવાઈ રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. ગણેશજીના દર્શન સાથે દિવસની શરૂઆત કરવાની ભાવનાને કારણે આસપાસના વિસ્તારોમાંથી પણ શ્રદ્ધાળુઓ વહેલી સવારે મંડપ ખાતે પહોંચે છે. ખાસ કરીને પરિવાર સાથે આવનારા ભક્તો માટે આ આરતી ધાર્મિક આસ્થાનો વિશેષ પ્રસંગ બની રહી છે.ગણેશોત્સવમાં સામાન્ય રીતે ભવ્ય આગમન, સજાવટ, વિવિધ થીમ અને સાંજના ધાર્મિક કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર બને છે. તેની વચ્ચે ભટારના મંડળે દિવસના પ્રથમ પ્રહરમાં મંગળા આરતીનું આયોજન કરીને ગણેશભક્તિને અલગ જ આયામ આપ્યો છે. ભગવાન ગણેશને પ્રથમ વંદન કરીને દિવસનો પ્રારંભ કરવાની આ ભાવનાએ ભક્તોને પણ જોડ્યા છે.આ રીતે ભટારના ગણેશ મંડળમાં મંગળા આરતી માત્ર એક ધાર્મિક વિધિ ન બની રહેતાં ભક્તો માટે રોજિંદા ઉત્સવનો આત્મીય પ્રસંગ બની રહી છે. વહેલી સવારથી મંડપમાં એકત્ર થતા શ્રદ્ધાળુઓ, દીવડાની ઝળહળાહટ અને આરતીના મંત્રોચ્ચાર સાથે સર્જાતો માહોલ ગણેશોત્સવની ભક્તિભાવનાને વધુ ગાઢ બનાવી રહ્યો છે
સુરતના ગણેશોત્સવમાં ભક્તિ અને ધાર્મિક આસ્થા સાથે પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતી પહેલ પણ જોવા મળી રહી છે. ભટારના ઠાકોરજી સેવા સમિતિ યુવક મંડળ દ્વારા ગણેશ મંડપમાં તૈયાર કરવામાં આવેલા ફાઉન્ટેનમાં પ્રથમ વખત પીવાના પાણીના બદલે ટર્શરી ટ્રીટેડ વોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફાઉન્ટેન માટે અંદાજે 70 હજાર લીટર પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પીવાના પાણીનો ઉપયોગ ટાળવામાં આવ્યો છે.ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંડપની મુલાકાત લેતા હોય છે. તેમના માટે ધાર્મિક માહોલની સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પહોંચે તે માટે લેઝર શો અને ફાઉન્ટેન ની થીમ તૈયાર કરવામાં આવી છે. ફાઉન્ટેન માં ટર્શરી ટ્રીટેડ વોટર નો ઉપયોગ કરીને પીવાલાયક પાણીનો બિનજરૂરી વપરાશ અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.મંડળના કાર્યકરોના જણાવ્યા મુજબ, ધાર્મિક ઉત્સવ માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રહે પરંતુ સમાજને ઉપયોગી સંદેશ આપવાનું માધ્યમ બને તેવો પ્રયાસ છે. પાણીની વધતી જરૂરિયાત વચ્ચે પીવાના પાણીનો ઉપયોગ જરૂરી કામો માટે જ થાય અને અન્ય હેતુઓ માટે વૈકલ્પિક પાણીનો ઉપયોગ કરી શકાય તેવો સંદેશ પણ આ પહેલા માંથી આપવામાં આવી રહ્યો છે.મંડપમાં ફાઉન્ટેન અને લેઝર શો શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, પરંતુ તેની સાથે પાણી બચાવવાનો સંદેશ પણ ચર્ચામાં રહ્યો છે. ધાર્મિક ઉજવણીમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારી જોડીને મંડળે અંદાજે 70 હજાર લીટર પીવાના પાણીની બચત કરવાનો પ્રયાસ કર્યો છે. ભક્તિ અને પર્યાવરણ જાગૃતિના સંકલન સાથેની આ પહેલ ગણેશોત્સવમાં આગવી બની રહી છે.
સુરતના ગણેશોત્સવમાં ભક્તિની સાથે સેવાભાવનું પણ આગવું ઉદાહરણ જોવા મળી રહ્યું છે. ભટારના ઠાકોરજી સેવા સમિતિ યુવક મંડળ દ્વારા ગણેશ આગમન અને વિસર્જન માટે ભવ્ય યાત્રા યોજવાને બદલે તેનો ખર્ચ ટાળીને અન્નદાનને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગણેશ ચતુર્થીથી વિસર્જન સુધી મંડપ ખાતે અન્નક્ષેત્ર ચલાવવામાં આવી રહ્યું છે.ગણેશજીના દર્શન માટે આવતા અંદાજે 3500 જેટલા શ્રદ્ધાળુઓને રોજ પ્રસાદીરૂપે ભોજન પીરસવામાં આવે છે. ભોજન તૈયાર કરવા, પીરસવા સહિતની વ્યવસ્થામાં મંડળના કાર્યકરો સ્વયં જોડાઈને સેવા આપી રહ્યા છે. ગણેશજીના દર્શન બાદ ભક્તોને પ્રસાદી મળે તે માટે અન્નક્ષેત્રમાં દિવસ દરમિયાન સતત સેવા પ્રવૃત્તિ ચાલી રહી છે.ગણેશોત્સવમાં આગમન અને વિસર્જન યાત્રાઓમાં ભવ્ય સજાવટ, વાહનો અને અન્ય આયોજન પાછળ મોટો ખર્ચ થતો હોય છે. તેની સામે ભટારના મંડળે ઉત્સવની ભવ્યતા કરતાં ભક્તોની સેવા પર ભાર મૂક્યો છે. યાત્રા પાછળ થનારો ખર્ચ બચાવી તેને અન્નદાનમાં વાપરવાનો અભિગમ ધાર્મિક ઉત્સવને સેવાકાર્ય સાથે જોડે છે. મંડળના સભ્યોના જણાવ્યા મુજબ, ગણેશજીની આરાધના સાથે અન્નદાનને પણ મહત્વ આપવામાં આવ્યું છે. ભગવાનના દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને પ્રેમપૂર્વક ભોજન કરાવવું એ સેવાનો જ એક ભાગ છે તેવી ભાવના સાથે કાર્યકરો ઉત્સવના દિવસોમાં સતત સેવા આપી રહ્યા છે.




