VIDEO| સુરતીઓને હવે ગીર સુધી લાંબા થવાની જરૂર નથી: માંડવીના કેવડી ઇકો-ટૂરિઝમમાં જંગલ સફારી માણવા ઉમટ્યા પ્રવાસીઓ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Kevdi Eco Tourism Jungle Safari Surat: દિવાળીના તહેવારો અને વેકેશનમાં ફરવાના શોખીન સુરતીઓએ આ વર્ષે ગીર કે અન્ય દૂરના સ્થળોએ જવાને બદલે પોતાના જ જિલ્લામાં શરૂ થયેલી દક્ષિણ ગુજરાતની સર્વપ્રથમ 'જંગલ સફારી' પર પસંદગી ઉતારી છે. સુરત વન વિભાગ દ્વારા માંડવી તાલુકા સ્થિત સુપ્રસિદ્ધ 'કેવડી ઇકો-ટૂરિઝમ સાઇટ' ખાતે શરૂ કરાયેલી આ જંગલ સફારી પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. શરૂઆતના માત્ર 6 જ દિવસમાં 150થી વધુ પ્રવાસીઓએ જંગલ સફારીનો રોમાંચ માણ્યો છે.
5 કિમીના નેચરલ ટ્રેક પર દુર્લભ વન્યજીવોનો નજારો
સુરતથી આશરે 80 કિલોમીટરના અંતરે આવેલા કેવડી ખાતે 2,300 હેક્ટરમાં ફેલાયેલા ગાઢ જંગલમાં ખાસ મોડિફાઇડ 8-સીટર ઓપન જિપ્સી મૂકવામાં આવી છે. કેવડીથી રાજાટાકા સુધીના 5 કિલોમીટરના નેચરલ ટ્રેક પર પ્રવાસીઓને ઝરખ અને દુર્લભ ઉડતી ખિસકોલી સહિતની સમૃદ્ધ જૈવવિવિધતા નિહાળવા મળી રહી છે. આ અંગે સુરત જિલ્લા વન વિભાગના વન સંરક્ષકે જણાવ્યું હતું કે, સુરતના જંગલોની સમૃદ્ધિથી લોકો પરિચિત થાય અને સ્થાનિક ટૂરિઝમનો વિકાસ થાય તે હેતુસર આ પહેલ કરવામાં આવી છે.
જંગલ સફારીનું સમયપત્રક, ભાડું અને રોકાણની સુવિધા
પ્રવાસીઓની સુવિધા માટે કેવડી ઇકો-ટૂરિઝમ સાઇટ પર દરરોજ 3 સ્લોટમાં જંગલ સફારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભાડાની વાત કરીએ તો, સોમવારથી શુક્રવાર સુધી 8-સીટર જિપ્સીનું કુલ ભાડું 3,500 રૂપિયા રાખવામાં આવ્યું છે, જે મુજબ 8 વ્યક્તિના ગ્રુપ માટે વ્યક્તિ દીઠ માત્ર 438 રૂપિયા ખર્ચ થાય છે. જ્યારે શનિવાર અને રવિવારના વીકેન્ડ દરમિયાન જિપ્સીનું ભાડું 5,000 રૂપિયા એટલે કે વ્યક્તિ દીઠ 625 રૂપિયા નિર્ધારિત કરાયું છે.

પ્રકૃતિના ખોળે યાદગાર વેકેશન
સફારી ઉપરાંત પ્રવાસીઓ કેવડી ઇકો-ટૂરિઝમની સત્તાવાર વેબસાઇટ પરથી ઓનલાઇન બુકિંગ કરાવીને પરિવાર સાથે ટ્રી-હાઉસ, ઇગ્લૂ કે કોટેજમાં રોકાણ સાથે પ્રકૃતિના ખોળે યાદગાર વેકેશન માણી શકે છે.




